છછુંદર (shrew/musk rat) : ઉંદર જેવા દેખાવનું રાતે ઘરની આસપાસ ફરતું કીટભક્ષી (Insectivora) શ્રેણીનું સસ્તન પ્રાણી. ચહેરો લાંબો અને અણીદાર, આંખ ઝીણી અને નાના કાનને કારણે તે ઉંદરથી જુદું પડે છે. તેનું શરીર એક ઉગ્ર ગંધવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે. ખાસ કરીને પ્રજનનકાળની પરિપક્વતાની આરે આવે તે દિવસોમાં તે ભારે ગંધાય છે તેથી અંગ્રેજીમાં તેને musk rat કહે છે.

કેટલાંક છછુંદર અત્યંત નાનાં હોય છે; દાખલા તરીકે, ચળકતા દાંતવાળું અને સલક્સ એટ્રસ્કસ નામે ઓળખાતું છછુંદર 4.5 સેમી. લાંબું હોય છે. સૌથી મોટા છછુંદરની લંબાઈ 29.0 સેમી. જેટલી હોઈ શકે છે. કેટલાંક બચ્ચાંનું તો માત્ર 2 ગ્રામ વજન હોય છે.

છછુંદર દરમાં વાસ કરતાં હોય છે. યુરોપમાં જોવા મળતું જલ-છછુંદર દરમાં ઘૂસેલ પાણીને વાળથી નિચોવીને બહાર કાઢે છે. કીટક અને કૃમિ જેવાં પ્રાણી છછુંદરનો મુખ્ય ખોરાક છે. કોઈક વાર તે પંખી કે નાનાં પ્રાણીનો શિકાર પણ કરે છે. તે લડાયક હોય છે અને પ્રસંગોપાત્ત, મોટાં પ્રાણીઓ પર પણ આક્રમણ કરતાં અચકાતું નથી. છછુંદરનું બચકું ભક્ષ્ય માટે ઝેરી નીવડે છે. તેના ચયાપચયનો દર ઘણો ઊંચો હોવાથી તે સતત ખાતું રહે છે. કેટલીક વાર તો તે પોતાનાથી ત્રણગણા વજન જેટલો ખોરાક એક દિવસમાં પૂરો કરે છે; આમ છતાં ઘણાં છછુંદર ભૂખમરાથી મરી જતાં હોય છે. માનવની ર્દષ્ટિએ તે એક ઉપયોગી પ્રાણી છે. ખાસ કરીને બાગબગીચાના કીટકોને અને અન્ય ખાદ્ય વસ્તુઓને પકડી સફાચટ કરે છે.

છછુંદર

છછુંદરની બાળસંભાળની આદત ઘણી નોંધપાત્ર છે. માતા પોતાનાં 6થી 7 જેટલાં બચ્ચાંને લઈને ફરવા નીકળે ત્યારે દીવાલનો આધાર લે છે, જ્યારે બચ્ચાં આગલા બચ્ચાની પૂંછડી મુખમાં પકડી રાખે છે.

છછુંદર આફ્રિકાના જંગલમાં સારા પ્રમાણમાં જોવા મળે છે.

દિલીપ શુક્લ