ચૌધરી, રમાપદ (જ. 28 ડિસેમ્બર 1922, ખડકપુર, રેલવે કૉલોની, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 2018, કોલકાતા) : બંગાળી કથાસર્જક. તેમની ‘બાડિ બદલે જાય’ને 1988ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ‘આનંદ બજાર પત્રિકા’ના સંયુક્ત તંત્રી હતા.
મુખ્યત્વે તેઓ નવલકથાકાર છે; પરંતુ તેમણે ટૂંકી વાર્તાઓ, નિબંધો તેમજ બાલભોગ્ય જોડકણાંની સુંદર પુસ્તિકાઓ પણ લખી છે. ‘લાલબાઈ’, ‘વનપલાશેર પદાવલી’, ‘એખનિ’, ‘ખારિજ’, ‘બીજ’ અને ‘બાહિરી’ તેમની ખૂબ જાણીતી નવલકથાઓ છે. ‘કલ્પસંગ્રહ’ 125 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. બંગાળી સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન કરવા બદલ તેમને સંખ્યાબંધ ઍવૉર્ડ મળેલા છે. આમાં આનંદ પુરસ્કાર (1963) તથા રવીન્દ્ર પુરસ્કાર (1971) મુખ્ય છે, ટૂંકી વાર્તાઓ બદલ તેમને કૉલકાતા યુનિવર્સિટી તરફથી શરત્ચન્દ્ર ચૅટરજી ચન્દ્રક એનાયત થયો છે. આ ઉપરાંત કૉલકાતા યુનિવર્સિટી તરફથી જગતતારિણી સુવર્ણચંદ્રકથી તેઓ સન્માનિત થયા છે. યુનિવર્સિટી ઑફ બદેવાન તરફથી તેમને ડિ.લિટ્ની માનદ્ પદવી એનાયત થઈ છે. તેમની અનેક કૃતિઓ અંગ્રેજી તથા ભારતની કેટલીક મુખ્ય ભાષાઓમાં અનુવાદ પામી ચૂકી છે. તેમની કેટલીક નવલકથાઓ તથા વાર્તાઓ પરથી ફિલ્મોનું નિર્માણ થયું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘બાડિ બદલે જાય’ નવલકથા છે. મકાન એ માનવીની એક મૂળભૂત જરૂરિયાત છે. એ પ્રશ્નની છણાવટ તેમાં થયેલી છે. તેમાં લેખકે જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી તેવા નિરાશ્રિતો પ્રત્યેના લોક-તિરસ્કારનું તથા તે નિરાશ્રિતોની વેદનાનું અસરકારક ચિત્રણ કર્યું છે. તેમની માનવતાવાદી ર્દષ્ટિ તથા મહાનગરોના જીવનની દુર્દશાના તેમના પ્રભાવક આલેખનના કારણે તેમની આ નવલકથા સાહિત્ય અકાદમીના પુરસ્કારને પાત્ર લેખાઈ હતી.
મહેશ ચોકસી