મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે આઝમગઢ જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક જિલ્લાની દક્ષિણે આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ ટેકરીઓવિહીન મેદાની છે. મેદાનોની અસમતળતા માત્ર નદી-નાળાં અને તેમના કાંઠાઓ પૂરતી મર્યાદિત છે. અગ્નિભાગનું ભૂપૃષ્ઠ આછો ઢોળાવ ધરાવે છે, માત્ર ઘાઘરા નદીની નજીકનો ભાગ અલગ પડી જાય છે. આબોહવા બધે જ એકસરખી છે. વનસ્પતિમાં જોવા મળતી વિવિધતા સ્થળર્દશ્ય, પાણીની ઉપલબ્ધિ તેમજ જમીનના પ્રકારને આભારી છે. અહીં જંગલો નથી, માત્ર ઘાઘરા નદીને કિનારે તેમજ ટોન્સ નદી નજીક પલાસ (ઢાક), સિહોર, અંકોલ, બાવળ તથા અન્ય છૂટાંછવાયાં વૃક્ષો નજરે પડે છે. વર્ષાઋતુ દરમિયાન ઘાસ ઊગી નીકળે છે, ઘાઘરાના કાંપપ્રદેશને બાદ કરતાં અન્યત્ર ક્યાંય પણ ગૌચર જોવા મળતાં નથી. માત્ર ઘોસી તાલુકામાં વનસ્પતિ વિશેષ પ્રમાણમાં નજરે પડે છે.
ઘાઘરા અને ટોન્સ (છોટી સરજુ) અહીંની મુખ્ય નદીઓ છે. ઘાઘરામાં અવારનવાર આવતાં રહેતાં પૂરથી જાનમાલ અને પાકની ખુવારી થાય છે. તેમની શાખાનદીઓ પ્રમાણમાં ઘણી નાની છે. અહીં નાનાંમોટાં તળાવો આવેલાં છે, તે પૈકીનું પાકરી પેવા તાલ મોટું (10 કિમી. લાંબું, 3 કિમી. પહોળું અને 7થી 8 મીટર ઊંડું) છે.
ખેતી-પશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઘઉં, ડાંગર, જવ, મકાઈ, જુવાર, બાજરી, કઠોળ, શેરડી, અળસી તથા લગભગ બધી જ જાતનાં શાકભાજી અહીંના મુખ્ય કૃષિપાકો છે. નહેરો, ટ્યૂબવેલ, પાકા અને કાચા કૂવાઓ દ્વારા ખેતીને સિંચાઈ અપાય છે. ખેડૂતો બળદ, દુધાળાં ઢોર, ઘેટાં, બકરાં અને ડુક્કર પાળે છે તેમજ કેટલાક મરઘાં-ઉછેર પણ કરે છે. ઢોરોની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી અહીં પશુસંવર્ધન-કેન્દ્રો, પશુ-દવાખાનાં-પશુ-ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવવામાં આવ્યાં છે, વળી મત્સ્ય ઉછેર-કેન્દ્રો પણ વિકસાવાયાં છે.
ઉદ્યોગ-વેપાર : જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી નીવડે એવાં કોઈ મહત્ત્વનાં ખનિજો મળતાં નથી, માત્ર કંકર, રેહ (ક્ષારપોપડી) અને રેતી મળે છે. મુઘલ સમયથી પરંપરાગત ચાલ્યાં આવતાં હૅન્ડલૂમ-હાથવણાટનાં કારખાનાં મઉ ખાતે આવેલાં છે. અહીં પાવરલૂમ કારખાનાં પણ છે. મઉ નગર મલમલનાં ફૂલોની ભાતવાળા વણાટકામ માટે ખ્યાતિ પામેલું, પરંતુ ઓગણીસમી સદીમાં તેની માંગ ઘટી જવાથી અહીંના વણકરોએ દક્ષિણી (દક્ષિણ ભારતની) પાઘડીનું વણાટકામ શરૂ કરેલું, તેની પણ માંગ ઉત્તરોત્તર ઘટી જતાં છેલ્લાં 75 વર્ષથી તેમણે સાડીઓનું વણાટકામ શરૂ કર્યું છે, જે ચાલુ છે. અહીંની સુતરાઉ સાડીઓ દેશભરમાં જાણીતી છે. ઘોસી, ખૈરાબાદ અને મુહમ્મદાબાદ ખાતે સુતરાઉ અને રેશમી કાપડની મિલો આવેલી છે. આ ઉપરાંત અનાજ છડવાના, તેલ પીલવાના, જાળીદાર વણાટ-કામના, લુહારીકામના તથા ટોપલીઓ બનાવવાના નાના એકમો અહીંનાં નગરો અને કેટલાંક ગામોમાં ચાલે છે. જિલ્લામાં હાથસાળનું-ખાદીનું કાપડ, સુતરાઉ-રેશમી સાડીઓ, તમાકુ અને કઠોળનું ઉત્પાદન લેવાય છે; સાડીઓ, ગોળ, ખાંડ અને કઠોળની નિકાસ થાય છે તથા સૂતર, સુતરાઉ કાપડ, કપડાં, લાકડું અને ખાંડની આયાત થાય છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લામથક મઉ ઈશાની રેલ-વિભાગીય શાહગંજ–બલિયા રેલમાર્ગ પર આવેલું છે. જિલ્લામાંથી કુલ ત્રણ રેલમાર્ગો પસાર થાય છે. આ જિલ્લો રેલમાર્ગે અલ્લાહાબાદ અને વારાણસી સાથે જોડાયેલો છે. એ જ રીતે તે સડકમાર્ગોથી પણ આજુબાજુના જિલ્લાઓ સાથે સંકળાયેલો છે. 29 નંબરનો ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે, તે ઉત્તર તરફ ગોરખપુર અને દક્ષિણ તરફ ગાઝીપુરને જોડે છે. જિલ્લાના બધા જ તાલુકાઓ અન્યોન્ય પાકા માર્ગોથી જોડાયેલા છે અને રાજ્યપરિવહનની બસસેવા ઉપલબ્ધ છે.
જિલ્લામાં મહત્વનાં કોઈ પ્રવાસી મથકો કે ધાર્મિક સ્થળો નથી. રાજા ઘોસે બંધાવેલો ઘોસીનો દુર્ગ એકમાત્ર જોવાલાયક સ્થળ ગણાય છે. હાથવણાટ-ઉદ્યોગના મથક તરીકે મઉ જિજ્ઞાસુઓ માટે મુલાકાતનું સ્થળ ગણાય છે. ઘોસીથી આશરે 7 કિમી. દૂર આવેલું પાકરી પેવા તાલ જિલ્લાનું એકમાત્ર જાણીતું સ્થળ છે. આ જિલ્લો અયોધ્યાના પ્રાચીન સામ્રાજ્ય સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. ઘોસી ખાતે ચૈત્રી નોમે અને દોહરીઘાટ ખાતે કાર્તિકી પૂર્ણિમાએ મોટા મેળા ભરાય છે અને વારતહેવારે જુદા જુદા ધાર્મિક ઉત્સવો યોજાય છે.
વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 14,45,782 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ સરખું છે. 85 % ગ્રામીણ અને 15 % શહેરી વસ્તી છે. અહીં શિક્ષિતોનું પ્રમાણ લગભગ 33 % જેટલું છે. મઉ ખાતે એક કૉલેજ આવેલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે બૌદ્ધ, શીખ અને જૈનોનું પ્રમાણ ક્રમશ: ઓછું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકાઓ અને 9 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,647 (172 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1981–91ના દાયકામાં મૂળ આઝમગઢ જિલ્લાનું વિભાજન કરીને આ મઉ જિલ્લાની રચના કરવામાં આવેલી છે.
મઉ (શહેર) : આ શહેર 25° 57´ ઉ. અક્ષાંશ અને 83° 33´ પૂ.રે. પર આવેલું છે. અહીં હાથવણાટ કાપડનાં અનેક કારખાનાં આવેલાં છે. કૃષિપાકો માટેનું મુખ્ય બજાર છે. શાળા-મહાળાશાઓ, ચિકિત્સાલયો આવેલાં છે. તે ભાટની-અલ્લાહાબાદ રેલમાર્ગ પર આવેલું જંક્શન છે, તેમજ ગોરખપુર-ગાઝીપુરને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 29 અહીંથી પસાર થાય છે.
ગિરીશભાઈ પંડ્યા