મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ એલેપ્પો, ટ્રિપૉલી તથા ઍન્ટિયૉક પણ ગયા હતા અને તે સમયના વિદ્વાનો પાસેથી સામાન્ય શિક્ષણ તથા સાધુઓ પાસેથી ગ્રીક તત્વજ્ઞાનની જાણકારી પણ મેળવી હતી. 993માં વતન પાછા ફરીને તેમણે અરબી કવિતા, પુરાણો તથા ગ્રીક તત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાનો આપવામાં 16 વર્ષ ગાળ્યાં હતાં. 1009માં મઅર્રીએ તે સમયના જ્ઞાન-વિજ્ઞાનના મહાન કેન્દ્ર બગદાદમાં જઈને લગભગ દોઢ વર્ષ સુધી, બીજી બાબતો ઉપરાંત ભારતીય તથા ઈરાની તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1010માં મઅર્રીએ પોતાના ગામમાં એકાંતનું સેવન કર્યું હતું અને માંસાહારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. અંધાપા અને એકાંત જેવી તેમની વ્યાધિઓને લઈને મઅર્રીને ‘રાહીનુલ મહબસૈન’(બે કારાવાસવાળો)નું ઉપનામ આપવામાં આવ્યું હતું. એકાંતનો સમય તેમણે શિક્ષણાર્થીઓને ભણાવવામાં, તેમના જ્ઞાનનો લાભ મેળવવા ઉત્સુક લોકો સાથે પત્ર-વ્યવહાર જાળવવામાં, લેખનકાર્યમાં તથા સૃષ્ટિ, જીવન, મૃત્યુ, માનવસમાજ તેમજ ધર્મ અંગેના પોતાના વિચારો અંકિત કરવામાં ગાળ્યો હતો. 84 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. 1944માં હિજરી ચાંદ્ર વર્ષ અનુસાર ઊજવવામાં આવેલ તેમની સહસ્રાબ્દી સમયે મઅર્રહમાં તેમના મકબરાનું નવસર્જન કરવામાં આવ્યું હતું. તેમના નવીન વિચારો, નિરાશાવાદ અને ગુણજ્ઞતાને લઈને તેમને  કવિઓના તત્ત્વજ્ઞાની અને તત્ત્વજ્ઞાનીઓના કવિ તરીકે ઓળખવામાં આવ્યા છે. સૃષ્ટિ, જીવન, મૃત્યુ, ધર્મ, ઇસ્લામી સિદ્ધાંતો વગેરે પ્રત્યેના તેમના અપરંપરાગત વિચારો અને કુરાન તરફના તેમના શંકાભર્યા અભિગમને લઈને, તેમના સમકાલીનોએ મઅર્રીને કાફર, ધર્મવિરોધી તથા સ્વતંત્ર વિચારવાદી તરીકે જાહેર કર્યા હતા. જોકે તેઓ એકેશ્વરવાદી હતા. પરંતુ એમ માનતા હતા કે અગમ્ય અને અચળ નિયતિ તમામ વસ્તુઓ ઉપર શાસન ચલાવે છે. તેનાં રહસ્યો હંમેશાં અંધકારમાં રહેલાં હોય છે અને તેના સકંજામાંથી કોઈ છટકી શકતું નથી. તેઓ દૈવી સ્ફુરણા અને મૃત્યુ પછીના પુર્નજન્મમાં માનતા ન હતા. જીવનની વ્યાધિઓમાંથી મુક્ત થવા માટે તેઓ મૃત્યુને ઉપકારક માનતા હતા. તેમના મતે ધર્મ એ માનવવિચારનું સર્જન છે. તે શિક્ષણ તથા ટેવોના પરિણામરૂપ હોય છે. ઇસ્લામને તેઓ બીજા ધર્મો કરતાં ન તો સારો કે ન તો ખરાબ માનતા હતા. તેમનો નિરાશાવાદ એટલી હદ સુધી પહોંચી ગયો હતો કે તેઓ એમ માનતા થઈ ગયા હતા કે પ્રજોત્પત્તિ એક પ્રકારનો પાપાચાર છે, અને ભાવિ પેઢીઓને જીવનની વ્યાધિઓથી બચાવવા માટે એ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ ! આ જ કારણે તેઓ પોતે અપરિણીત રહ્યા હતા.

કવિ અને લેખક તરીકે પ્રખ્યાત મઅર્રી શાકાહારી હતા. બગદાદમાં ટૂંકા નિવાસ દરમિયાન તેમણે ભારતીય તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને તેઓ અહિંસાના સિદ્ધાંતથી પ્રભાવિત થયા હતા. તેમનો આગ્રહ હતો કે ભોજન માટે કોઈ જીવની હત્યા થવી જોઈએ નહિ. તેઓ નિરાશાવાદી હોવા છતાં, સામાજિક ન્યાય, કર્મ અને કાર્યશીલ માનવતાની તરફેણ કરતા હતા. તેઓ પ્રાર્થના અને ઉપવાસ જેવા ક્રિયાકાંડ કરતાં પણ પવિત્રતા, ભલાઈ અને સદભાવનાને પસંદગી આપતા હતા. તેઓ માનતા હતા કે દરેકે બુદ્ધિ અને અંત:કરણને અનુસરવું જોઈએ, કેમ કે તે જ સત્ય તરફ દોરી જાય છે. મઅર્રીની નોંધપાત્ર મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે : ‘સક તુઝ-ઝન્દ’ (બળતી લાકડીનો તણખો) (1869 તથા 1884), શરૂઆતના જીવનનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં પરંપરાગત અરબી કવિતા અને ખાસ કરીને અલ-મુતનબ્બીની કૃત્રિમ શૈલીની છાપ જોવા મળે છે. ‘ઝૌઉસ્સકત’ (તણખાનો પ્રકાશ’ (1894), ‘લુઝૂમ મા લમ યલઝમ’ (અનાવશ્યક આવશ્યકતા) (1885, મુંબઈ), અમીન રૈહાનીએ તેનો આંશિક અંગ્રેજી અનુવાદ 1918માં ન્યૂયૉર્કથી પ્રકાશિત કર્યો હતો. તેમનાં કેટલાંક કાવ્યોનો ફ્રેંચ અનુવાદ પણ થયો છે. તેમના રુબાઈ-સર્જનથી ફારસી કવિ ઉમર ખય્યામ પ્રભાવિત થયા હતા. ‘રિસાલતુલ ગુફરાન’ (ક્ષમાપત્ર) એલેપ્પોના અલી ઇબ્ન મનસૂરને લખેલ પત્રરૂપ કૃતિ, તે અલંકૃત અરબી ગદ્યમાં છે. મૃત્યુ પછીના પરલોકના જીવન વિશેના ઇસ્લામી વિચારોની અહીં એક પ્રકારની વિડંબના (parody) છે. આ કૃતિથી રૂઢિચુસ્ત મુસ્લિમો નારાજ થયા હતા. વળી મઅર્રીની આ કૃતિથી ‘ડિવાઇન કૉમેડી’ના ઇટાલિયન કર્તા-કવિ ડાન્ટે (1265–1321) અને ‘પૅરડાઇઝ લૉસ્ટ’ના કર્તા-અંગ્રેજ કવિ જૉન  મિલટન (1608–1674) પણ પ્રભાવિત થયા હતા એવો એક અભિપ્રાય છે. ‘મલકસ સબીલ’ (ચાર રસ્તા) તત્વજ્ઞાનવિષયક કૃતિ. ‘અલ-ફુસૂલ વ અલ-ગાયાત’ અલંકૃત ગદ્યમાં બોધ-વિષયક કૃતિ છે, તેમાં કુરાનનું અનુકરણ છે. આ પુસ્તકથી પણ રૂઢિચુસ્ત મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ ઘવાઈ હતી. ‘રસાઈલિલ અબિલ અલા’ (અબિલ અલાના પત્રો) (1894, બિરૂત), મઅર્રીએ લખેલા પત્રોનો સંગ્રહ. ‘કિતાબુલ ઐક વ અલ ગુસૂન’, આ કૃતિ પ્રાપ્ય નથી, પરંતુ તે અંગેના ઉલ્લેખો મળે છે. તેમાં મઅર્રીએ અરબી ભાષાના સાહિત્યની ચર્ચા કરી છે અને અરબોનો અહેવાલ આપ્યો છે. ‘શર્હુલ-હમાસહ’ અરબી કવિતાના મહાન સંગ્રહ ‘અલ હમાસહ’ ઉપરની ટીકાટિપ્પણી છે.

મકસૂદ એહમદ

અનુ. મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી