ચોવીસ પરગણાં : પશ્ચિમ બંગાળના ઓગણીસ જિલ્લાઓ છે તે પૈકી ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાં એમ બે જિલ્લાઓ છે. મુઘલકાળ દરમિયાન 24 પરગણાંનો એક જ વિભાગ હતો. ભૌગોલિક સ્થાન : તે 22° 15’ ઉ. અ. અને 88° 30’ પૂ. રે. પર આવેલો છે.
તેની પૂર્વ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ દિશાએ હાવરા અને હુગલી જિલ્લાઓ, ઉત્તરમાં નદિયા જિલ્લો અને દક્ષિણે બંગાળનો ઉપસાગર છે.
સમગ્ર પ્રદેશ ગંગા અને તેની ઉપનદીઓએ ઠાલવેલા કાંપનો બનેલો છે. ગંગા નદી હુગલી, ભાગીરથી વગેરે અનેક ફાંટામાં વહેંચાઈ જાય છે અને ત્રિકોણાકાર પ્રદેશ બનાવે છે. દર વરસે ઘસડાઈ આવતા કાંપને લીધે આ પ્રદેશ ખૂબ ફળદ્રુપ છે. દક્ષિણ ચોવીસ પરગણાંનો સમુદ્ર નજીકનો પ્રદેશ કળણવાળો (swampy) છે. અહીં મૅન્ગ્રુવ પ્રકારનાં સુંદરી વૃક્ષોનું ગીચ જંગલ છે તેથી આ પ્રદેશ સુંદરવન તરીકે ઓળખાય છે.
આ જિલ્લાની આબોહવા ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ છે. મચ્છરોને કારણે આ જિલ્લો મલેરિયાગ્રસ્ત છે. માર્ચથી જૂન દરમિયાન ઉનાળાની ઋતુમાં દિવસનું 38° સે. તાપમાન રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન 22° સે. રહે છે. 10મી જૂનથી ઑગસ્ટ સુધી વરસાદની ઋતુ હોય છે. અહીં 1400થી 1600 મિમી. વરસાદ પડે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો હોય છે. સમુદ્ર નજીક હોવાથી આબોહવા સમધાત રહે છે. મે, ઑક્ટોબર અને નવેમ્બરમાં આ પ્રદેશ વાવાઝોડાનો ભોગ બને છે. હુગલીમાં ઘોડાભરતી(bore)ને કારણે ખૂબ નુકસાન થાય છે.
દરિયાકિનારે ખારી જમીનમાં મૅન્ગ્રુવ પ્રકારનાં વૃક્ષો થાય છે. અહીં સુંદરી, ગોરાન, ગેવા, તિવર (તમરિયા) અને ઘુંડાલ જેવાં વૃક્ષો જોવા મળે છે. નારિયેળી, આંબા, કેળ, ભીંડી, નાગરવેલ, કેવડો વગેરે બાગાયતી જમીનમાં જોવા મળે છે.
ખેતીમાં ડાંગર, શણ, મેસ્ટો, અળશી, તમાકુ, તેલીબિયાં, મકાઈ, બટાકા અને શાકભાજી વગેરે મુખ્ય પાકો છે.
સુંદરવનમાં વાઘ, ભૂંડ, શિયાળ વગેરે પ્રાણીઓ છે. અન્ય ભાગમાં જંગલો નથી.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. દરિયાકિનારાના પ્રદેશમાં મત્સ્ય-ઉદ્યોગ મહત્વનો છે. ગ્રામવિસ્તારનાં તળાવો(પુકુર)નો તથા નદીઓનો મીઠા પાણીની મચ્છીમારી માટે ઉપયોગ થાય છે. લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી અને શાકભાજી છે. અહીં શણ, કાપડ, લોખંડ, રસાયણ, માટી, ચર્મ, ઇજનેરી વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ગાર્ડન રીચમાં જહાજો બંધાય છે. હુગલીને બંને કાંઠે કોલકાતાથી 70 કિમી. સુધી અનેક કારખાનાંઓ છે.
આ જિલ્લાઓને નદીના જળમાર્ગનો તથા રેલવેનો લાભ મળે છે. આ જિલ્લાનું 13,754 ચોકિમી. ક્ષેત્રફળ છે. ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાંની સંયુક્ત વસ્તી 1,06,60,115 (2022) છે (2020ના આધાર કાર્ડ મુજબ) વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 930 છે જે ખૂબ ગીચતા સૂચવે છે. ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાંઓનાં બરાસત અને અલીપોર જિલ્લામથક છે. સાગર ટાપુ, સુંદરવન અને બાહેહલી પ્રવાસધામો છે.
શિવપ્રસાદ રાજગોર