ચોળ : ચોળ રાજ્ય. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કૃષ્ણા નદીની દક્ષિણે આવેલા તામિલ (દ્રવિડ) દેશમાં પેન્નાર અને વેલ્લારુ નદીઓની વચ્ચે સમુદ્રતટ પર આવેલું ચોલરાષ્ટ્ર કે ચોલમંડલમ્. ચોળ રાજાઓની રાજ્યની સીમાઓ બદલાતી રહી હતી. આ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની ઉરગપુર (= ઉરૈપૂર, ત્રિચિનોપલ્લીની પાસે) હતી; પછી ક્રમશ: કાવેરીપટ્ટનમ્ (કાવેરી નદીકિનારાનું પ્રસિદ્ધ બંદર), તંજુપુર (તાંજોર) અને ગંગ-કોંડ-ચૌલાપુરમમાં રાજધાની ફરતી રહી હતી. ચોળોની ઉત્પત્તિ બાબત ઘણો મતભેદ છે. ‘ચોલ’નો સહુથી નિકટવર્તી શબ્દ ‘ચૂલ’ (= ચૂડ = શિર = શ્રેષ્ઠ) છે. દ્રવિડ પ્રદેશના પ્રાચીન રાજાઓમાં ચોલ શિરોમણિ હતા, તેથી તે ચોલ (ચોળ) કહેવાયા. ચોળ વંશ ઉત્તર ભારતથી દ્રવિડ પ્રદેશમાં ગયો જણાય છે. સાહિત્ય અને ઉત્કીર્ણ લેખોમાં તેમને સૂર્યવંશી કહ્યા છે. વૈયાકરણ કાત્યાયને ચોળ અને પાંડ્યનો એકસાથે ઉલ્લેખ કર્યો છે. અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્યની દક્ષિણમાં સૌપ્રથમ ચોળ રાજ્યનો ઉલ્લેખ મળે છે. મહાવંશમાં ચોલ-રત્થ અને સિંહલના સંબંધોનું વર્ણન છે અને ચોળ રાજા એલારે સિંહલ ઉપર વિજય મેળવીને દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યાનો ઉલ્લેખ પણ છે. પેરિપ્લસ ઑવ્ ધ એરિથ્રિયન સી અને ટૉલેમીની ‘ભૂગોળ’માં ચોલદેશ અને તેનાં પટ્ટ(બંદરો)નો ઉલ્લેખ છે. સંગમ સાહિત્યમાં અનેક ચોળ રાજાઓનાં વર્ણન આવે છે. તેમાં કરિકાલ પ્રસિદ્ધ હતા. તેમણે ચેર અને પાંડ્ય રાજાઓને હરાવીને પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું, લંકા પર આક્રમણ કર્યું હતું અને પડોશી રાજાઓ પર આતંક જમાવ્યો હતો. તેના સમયમાં ચોળોની રાજધાની ઉરગપુરથી બદલીને કાવેરીપટ્ટનમ્ લઈ જવામાં આવી. કરિકાલ પછી થોડા સમય બાદ પેરુનરકિલ્લિ નામે પ્રસિદ્ધ રાજા થયો. તેણે રાજસૂયયજ્ઞ કર્યો હતો. તેના પછી ચોળોની શક્તિ નબળી પડી. પ્રથમ તો ચોળ રાજ્ય પર આંધ્રોનું આધિપત્ય રહ્યું. તે પછી નવમી સદીના મધ્ય સુધી પલ્લવોનું શાસન રહ્યું. સાતમી સદીમાં હ્યુઅનશ્ર્વાંગે ચોળ દેશની મુલાકાત લીધી હતી. તેણે રાજાના નામનો ઉલ્લેખ કર્યો નથી.

નવમી સદીમાં ચોળ વંશનો પ્રથમ રાજા વિજયાદિત્ય (વિજયાલય) (આ. ઈ. સ. 850–871) થયો. તે પહેલાં તે પલ્લવોનો સામંત હતો. તેણે દક્ષિણથી આગળ વધીને તાંજોર પર અધિકાર સ્થાપ્યો અને તેને પોતાની રાજધાની બનાવી. તે પછી તેનો પુત્ર આદિત્ય (ઈ. સ. 871–907) રાજા બન્યો. હવે ચોળ વંશ પલ્લવોના આધિપત્યમાંથી સંપૂર્ણ સ્વતંત્ર બન્યો હતો. તેણે ગંગોની રાજધાની તલકાડ જીતી લીધી. રાજા આદિત્ય શૈવપંથી હતો. તેણે અનેક શૈવ મંદિરોનું નિર્માણ કર્યું હતું. દ્રવિડ દેશમાં ચોળ આધિપત્યની સ્થાપના વાસ્તવમાં પરાન્તક પ્રથમ (ઈ. સ. 907થી 953)ના સમયમાં થઈ. તેણે મદુરાના પાંડ્ય રાજાને હરાવ્યો અને ‘મદુરૈકોણ્ડ’ બિરુદ ધારણ કર્યું. મદુરાનો રાજા લંકા નાસી ગયો એટલે તેણે લંકા ઉપર આક્રમણ કર્યું; પરંતુ તેમાં સફળતા ન મળી. પાછા ફર્યા પછી પલ્લવોથી પોતાની પૂર્ણ સ્વતંત્રતા જાહેર કરીને ઉત્તરમાં વેલ્લોર સુધીના પ્રદેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. તે પછી રાષ્ટ્રકૂટોનું આક્રમણ ચોળ રાજ્ય ઉપર શરૂ થયું; રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાના હાથે ચોળ રાજા હાર્યો અને યુદ્ધમાં પરાન્તકનો પુત્ર રાજાદિત્ય માર્યો ગયો. પરાન્તકના પુત્રોના સમયમાં ચોળોની શક્તિ થોડા સમય માટે મંદ પડી ગઈ. ગૃહકલહને કારણે રાજ્ય નિર્બળ બન્યું. પરાન્તકના પૌત્ર સુન્દરનો પુત્ર રાજરાજ એક શક્તિશાળી રાજા થયો.

રાજરાજ પહેલા(ઈ. સ. 985થી 1014)ના સમયથી ચોળ વંશના વિસ્તૃત વિજય અને સમૃદ્ધિનો ઇતિહાસ શરૂ થાય છે. તેણે ચેરોની નૌ-સેનાને કણ્ડલૂરમાં હાર આપી. તે પછી વેંગીના ચાલુક્ય, મદુરાના પાંડ્ય અને દક્ષિણ મૈસૂરના ગંગ રાજાઓને હરાવીને તાબે કર્યા. તેની વિજયી સેનાએ દક્ષિણમાં લંકા અને ઉત્તરમાં કલિંગને જીતી લીધાં. તેની પાસે એક શક્તિશાળી નૌ-સેના હતી. તેની મદદથી લક્ષદીવ અને માલદીવ તેણે જીત્યાં અને પૂર્વી દ્વીપ પર આક્રમણ કરવાની શરૂઆત કરી. તેણે લંકાના ઉત્તર ભાગને પોતાના રાજ્ય સાથે જોડી દીધો. આ રીતે રાજરાજે સંપૂર્ણ દ્રવિડ-પ્રદેશ, લંકા, કર્ણાટક અને આંધ્ર તથા કલિંગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું અને જળમાર્ગના બહારના દ્વીપો સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું. તેણે પોતાના શત્રુ કલ્યાણીના ચાલુક્યો પર ભયાનક આક્રમણ કર્યું. તેમજ સત્યાશ્રયને હરાવી ખૂબ ક્રૂરતાથી ચાલુક્ય રાજ્યને ખેદાનમેદાન કર્યું. તેણે વેંગીના શક્તિવર્મનને હરાવી પોતાનો સામંત બનાવ્યો અને તેના ઉત્તરાધિકારી વિમલાદિત્યની સાથે પોતાની પુત્રીનાં લગ્ન કરીને રાજાને પોતાને અધીન મિત્ર બનાવ્યો. આ વિજયોને કારણે તેની ગણના ભારતના પ્રસિદ્ધ વિજેતાઓમાં થાય છે. તે એક યોગ્ય અને સફળ શાસક હતો. તેણે તાંજોરમાં શિવનું રાજરાજેશ્વર નામનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જે તેની વિશાળતા, સુંદર આકાર, મનોહર મૂર્તિકલા અને સજાવટ માટે પ્રસિદ્ધ છે. આ મંદિરની દીવાલો પર રાજરાજના દિગ્વિજયોનું વર્ણન અંકિત કરવામાં આવ્યું છે. તે નાટ્ય, નૃત્ય અને સંગીતને પ્રોત્સાહન આપતો હતો, તે વૈષ્ણવ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતો અને તેમને સહાય કરતો હતો. તેણે કૃષિ અને વ્યવસાયની વૃદ્ધિ કરીને પ્રજાને સુખી અને સંપન્ન કરી.

રાજરાજનો પુત્ર રાજેન્દ્ર પહેલો (ઈ. સ. 1012–1044) તેના પિતા કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી હતો. તેણે પિતાના સામ્રાજ્યને સંગઠિત કર્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે કેરલો અને પાંડ્યોના વિદ્રોહને દાબી દીધો અને એમનાં રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં જોડી દીધાં અને ત્યાં પોતાના પ્રાન્તપતિ નિયુક્ત કર્યા. તેણે દક્ષિણ સિંહલ પર સંપૂર્ણ અધિકાર સ્થાપિત કર્યો. તેણે દક્ષિણ ભારતમાં કલ્યાણીના ચાલુક્યો, વનવાસીના કદંબો અને મધ્યપ્રદેશના ગોંડવાનાને જીતી લીધા. તે પછી ઉત્તર ભારત પર વિજયપ્રસ્થાન કર્યું. તેની સેનાઓ (ઈ. સ. 1021–1025) કલિંગને પાર કરીને ઓડ્ર (ઊડીસા), દક્ષિણ કોસલ, બંગાળ અને મગધ પસાર કરતી ગંગા સુધી પહોંચી. આ વિજયને કારણે તેણે ‘ગંગૈકોંડ’ બિરુદ ધારણ કર્યું અને ગંગૈકોંડ-ચોલાપુરમ્ નામનું નગર વસાવ્યું. પરંતુ આ વિજયની કોઈ સ્થાયી અસર ના પડી. ઉત્તરમાંથી કેટલાક દક્ષિણમાં આવી વસ્યા અને રાજેન્દ્રે ઉત્તરમાંથી કેટલાક વિદ્વાન પંડિતને બોલાવીને વસાવ્યા. તેની જલસેનાએ આંદામાન-નિકોબાર તથા બર્માના સમુદ્રતટના આરાકાન, પેગૂ વગેરે પ્રદેશોને જીત્યા. મલય, સુમાત્રા, જાવા અને બીજા પૂર્વના દ્વીપસમૂહ સુધી તેનાં વહાણો ગયાં. આ વિજયોને કારણે ભારતીય વ્યાપાર, ઉપનિવેશ અને સંસ્કૃતિનો પ્રસાર હિંદી-ચીન અને પૂર્વી દ્વીપ-સમૂહમાં થયો. રાજેન્દ્રે નવું નગર વસાવ્યું અને પ્રાસાદ, મંદિર, સરોવર વગેરે બનાવ્યાં. તે શૈવમતનો અનુયાયી હતો. તેના ઉત્તરાધિકારી રાજાધિરાજ(ઈ. સ. 1044–1052)ના સમયમાં ચેર, પાંડ્ય તથા લંકાના રાજાઓએ વિદ્રોહ કર્યો. પરંતુ કડક હાથે

તે દાબી દેવામાં આવ્યો. તે ચાલુક્ય રાજા સોમેશ્વર સાથેના યુદ્ધમાં માર્યો ગયો, પરંતુ તેના પછી રાજેન્દ્ર બીજ (ઈ. સ. 1052–1064)એ ચાલુક્યોને હરાવ્યા અને કોલ્હાપુર સુધી હુમલો કર્યો. તેણે ઈ. સ. 1064 સુધી રાજ્ય કર્યું. તેના પછી વીરરાજેન્દ્ર (ઈ. સ. 1063–1070), અધિરાજેન્દ્ર (ઈ. સ. 1068–1070), કુલોત્તુંગ (ઈ. સ. 1070–1120) વગેરે અનેક પ્રસિદ્ધ ચોળ રાજાઓ થયા. વીરરાજેન્દ્રને પાંડ્યો, કેરલો અને પશ્ચિમી ચાલુક્યો સાથે યુદ્ધ થતાં રહ્યાં. તેણે ચાલુક્યોને નર્મદાથી દક્ષિણે આગળ વધવા ન દીધા. લગભગ ઈ. સ. 1070માં યુદ્ધમાં તેણે જાન ગુમાવ્યો. એવું કહેવાય છે કે તેણે વેંગીના ચાલુક્ય વિજયાદિત્ય સાતમાના- સોમેશ્વરના પુત્ર વિક્રમાદિત્યને બચાવ્યો હતો. તેણે સિંહલના વિદ્રોહને દબાવ્યો અને કદારમ અથવા શ્રીવિજયની સામે લડવા પોતાની સેના મોકલી હતી. ‘વિક્રમાંકચરિત’ અનુસાર ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે તેને મિત્રતા હતી અને પોતાની પુત્રી તેની સાથે પરણાવી હતી. અધિરાજેન્દ્ર કટ્ટર શૈવપંથી હતો. તેણે કાંચીના વૈષ્ણવ આચાર્ય રામાનુજનો સખત વિરોધ કર્યો હતો તેથી તેમને બીજે ચાલ્યા જવું પડ્યું હતું.

અધિરાજેન્દ્રના રાજ્યારોહણ વખતે સંઘર્ષ થયો, તે સમયે તેને ચાલુક્ય વિક્રમાદિત્યે મદદ કરી હતી, પરંતુ વિક્રમાદિત્યના પાછા ફર્યા પછી થોડા દિવસોમાં તેનો વધ થયો અને પૂર્વનો ચાલુક્ય રાજા રાજેન્દ્ર બીજો કુલોત્તુંગ પહેલો બિરુદ ધારણ કરી (ઈ. સ. 1070–1120) રાજા થયો. રાજેન્દ્ર બીજો વાસ્તવમાં વેંગીના ચાલુક્ય વંશનો હતો, પણ તે રાજેન્દ્ર પહેલાની પુત્રીનો પુત્ર હોવાથી ચોળોનો સંબંધી હતો અને તેનો ઉછેર અહીં થયો હતો. એવું કહેવાય છે કે રાજેન્દ્ર પહેલાએ તેને દત્તક લીધો હતો. સંભવ છે કે તેણે પોતાના કાકા વેંગીના ચાલુક્ય વિજયાદિત્ય સાતમાને હરાવ્યો અને ત્યાં પોતાના પુત્ર ભુમ્મુડિ ચોળને શાસક તરીકે સ્થાપ્યો. તેણે કુલોત્તુંગની પદવી ધારણ કરી અને 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તે અરસામાં તેને પરમાર રાજાઓ અને કલિંગના ચોળ ગંગ સાથે યુદ્ધ થયું હતું. તેને પશ્ચિમી ચાલુક્ય વિક્રમાદિત્ય સાથે પણ સંઘર્ષ થયો પણ તેનું કોઈ નિશ્ચિત પરિણામ ન આવ્યું. કુલોત્તુંગ એક સફળ સૈનિક અને યોગ્ય શાસક હતો. તેણે પાંડ્ય અને ચેર રાજાઓના વિદ્રોહને શાંત કર્યો. તેણે ઈ. સ. 1118 સુધી રાજ્ય કર્યું. તેનો અધિકાર ચાલુક્ય સામ્રાજ્ય પર સંપૂર્ણ ના રહ્યો, છતાં તેના શાસનકાળમાં ચોળ સામ્રાજ્ય શક્તિશાળી હતું. તે આ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી સમ્રાટ હતો. તેણે પ્રજાને સુખશાંતિ આપ્યાં. તેના સમયથી વૈષ્ણવ અને શૈવ ધર્મોમાં વિરોધની શરૂઆત થઈ. તેના પછી પાંડ્ય, હોયસળ, કાકતીય વગેરે પડોશી રાજ્યો સાથે નિરંતર યુદ્ધ કરતાં કરતાં ચોળ રાજ્યનું પતન થતું ગયું. સીમાન્ત રાજ્ય ધીરે ધીરે સ્વતંત્ર થતાં ગયાં. આ વંશનો છેલ્લો સ્વતંત્ર રાજા રાજેન્દ્ર ત્રીજો (ઈ. સ. 1246–1279) થયો જે ઈ. સ. 1279 સુધી રાજ્ય કરતો હતો. આ સમયે પાંડ્ય રાજ્ય શકિતશાળી બન્યું હતું. તેણે ચોળોના પતનમાં મહત્વનો ભાગ ભજવ્યો. જયવર્મન સુન્દર પાંડ્યે ચોળ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. સ્થાનીય ચોળ રાજાઓનું અંતિમ પતન ઈ. સ. 1310–11માં મલિક કાફૂરના આક્રમણથી થયું અને ચોળ રાજવંશનો અંત આવ્યો. ચોલ રાજ્ય લગભગ ચારસો વર્ષ સુધી ટક્યું.

યતીન્દ્ર દીક્ષિત

મુગટલાલ પોપટલાલ બાવીસી