ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા : લલ્લુભાઈ છગનલાલ દેસાઈ (1882થી 1971) રચિત શ્રીમદ્ વલ્લભાચાર્યજીના એકનિષ્ઠ અનુયાયીઓના પ્રેરક જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સત્સંગીઓમાં આ પુસ્તકનું આદરભર્યું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા 84 અને શ્રી ગુસાંઈજીના સેવકોની સંખ્યા 252 હતી. એમને વિશેની વાર્તાઓ પહેલાં મૌખિક રીતે શ્રી ગોકુલનાથજી રજૂ કરતા. એમાં પુનરુક્તિ ટાળવા આ વાર્તાઓ લખવામાં આવી. લેખક નોંધે છે કે અડધી સદી અગાઉ સૂર્યદાસ નામના એક વૈષ્ણવ ક્ષત્રિયે સંસ્કૃત ભાષામાં ‘શ્રી વલ્લભકુલકલ્પદ્રુમ’ નામે ગ્રંથ લખ્યો છે. એમાં 84 વૈષ્ણવોની વાર્તા શ્ર્લોકબદ્ધ આલેખન પામેલી છે. આ ઉપરાંત 22 જેટલા પ્રગટ-અપ્રગટ ગ્રંથોની મદદથી દેસાઈએ પ્રસ્તુત પુસ્તક રચ્યું છે. આમાં મૌલિકતા કરતાં ભક્તિપરંપરાનું જતન જોવું ઘટે.
આ વાર્તાઓમાં ઠાકોરજીની પૂજા અને ભોગ ચડાવવાની નિયમિતતા પર અને શ્રીમદ્ વલ્લભાચાર્યજીની આજ્ઞાનું પાલન કરવા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ એકાશ્રયનું પાલન ન થાય તો કેવાં અનિષ્ટ થાય છે એનાં પણ ર્દષ્ટાંત મળી આવે છે. જેમ કે ‘દામોદરદાસ સંભરવાલા ક્ષત્રી કનોજના રહેવાસીની વાર્તા’નો આઠમો પ્રસંગ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી દામોદરદાસે એમની પત્નીને પૂછ્યું : ‘તારે કોઈ પણ જાતનો મનોરથ છે ?’ પત્નીએ પુત્રેચ્છા જણાવી. પછી મહાપ્રભુજીએ શ્રીમુખેથી આજ્ઞા કરી : ‘તારે એક પુત્ર થશે.’
આ પછી એક તેલિયા રાજાને દાસીએ પૂછ્યું કે મારી શેઠાણીને પુત્ર અવતરશે કે પુત્રી ? તેલિયા રાજાએ જવાબ આપ્યો : ‘પુત્ર અવતરશે.’
આ ઘટના બન્યા પછી શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા. દામોદરદાસને એમણે કહ્યું કે તારે ચરણસ્પર્શ કરવો નહિ કેમ કે તારી સ્ત્રીએ અન્યાશ્રય કર્યો છે. ‘તારે પુત્ર થશે પણ મ્લેચ્છ થશે.’ પુત્ર અવતરે છે ત્યારે મા એનું મોં જોતી નથી… આ પ્રકારના નકારાત્મક પ્રસંગો ગ્રંથમાં અલ્પ હોવા છતાં ફલિત થાય છે કે એકાશ્રયથી અનુગ્રહ પ્રાપ્ત થાય, અન્યાશ્રયથી ધર્મનિષ્ઠા તૂટે, આપત્તિ આવે.
ક્રાઉન 8 કદનાં 236 પૃષ્ઠના આ પુસ્તકમાં માત્ર ચોર્યાશી વ્યક્તિઓની જ પ્રસંગકથાઓ નથી. જે તે વૈષ્ણવનાં કુટુંબીજનો વિશે પણ એકાધિક પ્રસંગો છે. બધી વાર્તાઓનું કદ સરખું નથી. ટિપ્પણીમાં લેખક અર્થઘટન આપે છે, જેમાં એમનું સંપ્રદાયવિષયક જ્ઞાન વ્યક્ત થાય છે.
કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં શ્રી મહાપ્રભુજી કંઈક માગવા કહે છે તો મેઘન માગે છે : ‘1. મુખરતાનો દોષ જાય; 2. આપના માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં આવે અને 3. આપ મારા ગુરુને ત્યાં પધારો.’ ત્રીજું વચન મહાપ્રભુજી કેમ ટાળે છે એનું નિરૂપણ રહસ્યનું તત્વ જાળવે છે.
શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અક્ષરશ: પાલન કરવા જતાં સ્વેચ્છાએ વેઠેલી યાતનાઓનું પણ આલેખન થતું રહ્યું છે. અહીં ચમત્કાર પણ વાસ્તવિક ઘટનાની જેમ બનતા વર્ણવાયા છે. 80મી વાર્તામાં સૂરદાસનાં પદ પણ રજૂ થયાં છે. સૂત્રાત્મક, કાવ્યાત્મક પંક્તિઓ વ્યાપક રીતે ઉદ્ધૃત થઈ છે. વૈષ્ણવ ભક્તિ અને તે સમયની સામાજિક નીતિનું અહીં કથાત્મક નિરૂપણ થયું છે જે મહદ્અંશે રસપ્રદ નીવડે છે.
રઘુવીર ચૌધરી