ચેરાપુંજી : ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પૂર્વ ખાસી ટેકરીઓ નામના જિલ્લામાં આવેલું ભારે વરસાદ માટે પંકાયેલું નગર. તે મેઘાલયના પાટનગર શિલોંગથી 55 કિમી. વાયવ્યે આવેલું છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ મેળવતાં સ્થળો પૈકી તેનું બીજું સ્થાન છે. અહીં સરાસરી વાર્ષિક 11,430 મિમી. વરસાદ પડે છે. બંગાળના ઉપસાગર ઉપરથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનના માર્ગમાં તે આવેલું છે. ઉચ્ચ પ્રદેશના દક્ષિણ છેડે આવેલું હોવાથી વરાળનું સીધું વરસાદમાં રૂપાંતર થાય છે.

1964માં સ્વતંત્ર ખાસી રાજ્યનું (શિલોંગ પૂર્વે) તે પાટનગર હતું. અહીં ખાસી લોકોની ઘણી વસ્તી છે. જિલ્લાના ખેતીના પાકોના વેચાણ માટેનું તે કેન્દ્ર છે. અહીં સિમેન્ટનું કારખાનું છે.

શિવપ્રસાદ રાજગોર