ચેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેની બે મુખ્ય જાતિઓ છે : (1) Prunus avium Linn (મીઠી ચેરી) અને (2) P. cerasus Linn (ખાટી ચેરી, લાલ ચેરી). મીઠી ચેરીનું વૃક્ષ 24 મી. સુધીની ઊંચાઈ ધરાવતું, ઉન્નત કે પિરામિડ સ્વરૂપનું હોય છે. તેની છાલ રતાશ પડતી કે ભૂરા રંગની અને ખરબચડી હોય છે. પર્ણો લંબચોરસ-અંડાકાર, 6-15 સેમી. લાંબાં અને તીક્ષ્ણ દંતમય હોય છે. પુષ્પો સફેદ રંગનાં, લાંબા પુષ્પદંડવાળાં અને ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ લીસાં, ગોળ, પીળાં, લાલ કે લગભગ કાળાં, 0.6–1.25 સેમી., ગર મૃદુ કે કઠણ, મીઠો કે કડવો હોય છે.

આકૃતિ : ચેરીનું વૃક્ષ, પુષ્પ અને ફળ

મીઠી ચેરીનું એક સામાન્ય વર્ગીકરણ આ પ્રમાણે છે : var. avium (મઝાર્ડ); var. juliana (હાર્ટ ચેરી, જીન ચેરી) અને var. duracina (બિગારીઓ).

મઝાર્ડ જાત વન્ય સ્વરૂપ છે. તેનાં ફળ જાંબલી-કાળાં અને મીઠાં હોય છે. હાર્ટ ચેરીનાં ફળ હૃદયાકાર અને મીઠી વાસવાળાં હોય છે. તેનો ગર મૃદુ અને રસ લાલ કે રંગહીન હોય છે. બિગારો જાતનો ગર કઠણ હોય છે. ફળ ઘણી વાર હૃદયાકાર હોય છે. ડ્યૂક ચેરીને પહેલાં p. aviumની જાત તરીકે સમાવવામાં આવી હતી. પરંતુ તે P. avium અને P. cerasusના સંકરણથી ઉત્પન્ન થયેલી સંકરજાત છે. અન્ય મીઠી જાતોમાં રેનબો, સ્ટ્રિપ, વિગ્નોલા 1, વિગ્નોલા કાળી, સ્ટાર-કિંગ, હાર્ડી જાયન્ટ, અર્લી માર્ચીના અને અર્લી બોરલટાનો સમાવેશ થાય છે.

મીઠી ચેરી દક્ષિણ અને મધ્ય યુરોપ તથા પશ્ચિમ એશિયાની સ્થાનિક હોવાનું માનવામાં આવે છે. જર્મની, ફ્રાન્સ, ચેકોસ્લોવૅકિયા, પોલૅન્ડ, ઇટાલી અને અન્ય દક્ષિણ યુરોપના દેશો તથા અમેરિકામાં ચેરી-સંવર્ધન એક મહત્વનો ઉદ્યોગ છે. ભારતમાં તેનું વાવેતર કાશ્મીર, સિમલા અને કુલુ-ખીણમાં થાય છે. તેને માટે 1500–2000 મી. કે તેથી વધારે ઊંચાઈ અનુકૂલતમ ગણાય છે. તેનું વાવેતર ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ થાય છે. ભારતમાં ઉગાડવામાં આવતી મીઠી ચેરીના પ્રકારો આ પ્રમાણે છે : બિગારો, બ્લૅક (મેટ્રોન) હાર્ટ, બેડફૉર્ડ પ્રૉલિફિક, ઍલ્ટન, અર્લી રિવર્સ, ઍમ્પરર ફ્રાન્સિસ અને ગવર્નર-વૂડ.

મીઠી ચેરી તેની આબોહવા અને મૃદાની જરૂરિયાતોની ર્દષ્ટિએ અતિઅપેક્ષી (exacting) છે. તેનું પુષ્પનિર્માણ વસંતઋતુમાં થાય છે. પુષ્પો ઠંડી અને હિમ માટે અત્યંત સંવેદી હોય છે. પુષ્પ-નિર્માણથી ફળપરિપક્વન વચ્ચે વરસાદ પડે તો ફળ પાકતાં નથી અથવા પાકતાં પહેલાં ફાટી જાય છે. જમીન સારા નિતારવાળી, ઊંડી, ફળદ્રૂપ અને સારા પ્રમાણમાં ભેજવાળી હોવી જરૂરી છે.

તેનું પ્રસર્જન કલિકાપદ્ધતિ કે રોપણ દ્વારા થાય છે. ભારતમાં પાજા(Prunus cerasoides)ના રોપનો મૂલકાંડ (rootstock) તરીકે સામાન્યત: ઉપયોગ થાય છે. રોપણ જાન્યુઆરીમાં ફાચર (wedge) કે જીભી (tongue) કલમ દ્વારા કરવામાં આવે છે. ખાટી ચેરીની કેટલીક જાતોનો પણ મૂલકાંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેઓ ભેજ અને અલ્પ વાયુમિશ્રિત (aerated) મૃદાના બીજા મૂલકાંડો કરતાં વધારે સારી રીતે પ્રતિકાર કરે છે.

ચેરીના કદમાં સારી વૃદ્ધિ થાય તે માટે 7.0–9.5 મી. કે તેથી વધારે અંતરે વાવવામાં આવે છે. મીઠી ચેરીની મોટા ભાગની જાતો સ્વ-અસંગત (self-incompatible) અને કેટલીક જાતો આંતરવંધ્ય (intersterile) હોય છે; વળી વિવિધ જાતોનો લણણીનો સમય જુદો જુદો હોવાથી વરિત (selected) સંગત (compatible) જાતોની એક હરોળમાં આંતરવાવણી (interplantation) કરવામાં આવે છે. જો પિયત માટેની વ્યવસ્થા હોય તો નવાં ઉગાડેલાં વૃક્ષોને એક બે વર્ષ સુધી પિયત આપવામાં આવે છે. ફળ આપતા વૃક્ષને પુષ્પનિર્માણ પહેલાં અને ફળના બેસારા પછી બે માત્રામાં 75 કિગ્રા. ફાર્મયાર્ડ ખાતર અને 3–4 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ આપવામાં આવે છે. શાખાઓની પાર્શ્વ બાજુએ ફળ બેસે છે. આવી શાખાઓ 10–12 વર્ષ સુધી સતત ફળ આપે છે; તેથી ચેરીનાં વૃક્ષોને છાંટણી(pruning)ની જરૂરિયાત ઓછી રહે છે.

ચેરીને રોગો કે જીવાતને કારણે સહન કરવાનું હોતું નથી. Cercospora rubrotincta નામની ફૂગથી પાનનાં ટપકાંનો રોગ થાય છે. રોગની તીવ્રતાએ પાન ખરી પડે છે. બોર્ડો મિશ્રણનો છંટકાવ અસરકારક પરિણામ આપે છે. જીર્ણ (tatter) પાનનો રોગ પહાડી પ્રદેશોમાં વાઇરસ દ્વારા થાય છે.

Aeolesthes holosericea નામનું ભૃંગક (grub = ડોળ) થડને કોરી ખાય છે. Protoaetia impavida અને Stalagosoma albella નામની જીવાત પુષ્પકલિકાઓ ખાઈ જાય છે. Mimela passerinii અને Anomala flavipes તથા Myllocerus lefroyi પર્ણસમૂહને નુકસાન કરે છે.

જુદી જુદી જાતની ચેરીની લણણી મેથી જુલાઈ સુધી કરવામાં આવે છે. ફળનો રંગ આછો લાલ બને ત્યારે ફળ ચૂંટવામાં આવે છે. સખત ગર ધરાવતી જાતનાં ફળ ચળકતો ઘેરો લાલ રંગ ધારણ કરે ત્યારે તેની લણણી કરાય છે. ફળનું કદ નાનું હોવાથી તેની લણણી અને સંવેષ્ટન (packing) પ્રમાણમાં ખર્ચાળ હોય છે. ફળ તેના દંડ સાથે ચૂંટવામાં આવે છે અને સંવેષ્ટન 2–4 કિગ્રા. ફળ રહી શકે તેવી નાની ટોપલીઓમાં કે 4.5–9.0 કિગ્રા. ફળ સમાઈ શકે તેવી નાની પેટીઓમાં કરવામાં આવે છે.

ચેરીમાં ફળનિર્માણ ચોથા કે પાંચમા વર્ષે શરૂ થાય છે; પરંતુ ઇષ્ટતમ ઉત્પાદન 10 વર્ષ પછી પ્રાપ્ત થાય છે. તે 40–60 વર્ષ સુધી ફળ આપે છે. પ્રતિવૃક્ષ સરેરાશ વાર્ષિક ઉત્પાદન 9–18 કિગ્રા. જેટલું થાય છે.

ઉપયોગ અને રાસાયણિક બંધારણ : મીઠી ચેરીનો ભોજનોત્તર મિષ્ટાન્ન (dessert) તરીકે અને ખાટી ચેરીનો રાંધવામાં ઉપયોગ થાય છે. તે ઝડપથી બગડી જાય છે. તેથી મોટા જથ્થામાં તેને ડબ્બાબંધી (canning), લવણોદન (brining) કે આતપન (sun drying) દ્વારા પરિરક્ષિત કરવામાં આવે છે.

ચેરીનો રસ તાજાં કે શીતિત (frozen) ફળોમાંથી મેળવવામાં આવે છે. ખાટી ચેરીનો રસ ખાટો હોવાથી તેમાં ખાંડની ચાસણી ઉમેરવામાં આવે છે. કાર્બોનેટીકૃત (carbonated) ચેરીનો રસ અત્યંત આનંદદાયક હોય છે. મીઠી અને ખાટી ચેરીની જાતોનો રસ મિશ્ર કરી ખાંડ ઉમેરીને કે ખાંડ વિનાની આકર્ષક ઊપજ મેળવી શકાય છે. ચેરીના રસને સાંદ્ર કરી ચેરીનું શરબત બનાવવામાં આવે છે. મીઠી ચેરીના આથવણથી મળતી ઊપજનું નિસ્યંદન કરી આલ્કોહૉલની ઉચ્ચ સાંદ્રતા ધરાવતો મદ્યાર્ક પ્રાપ્ત થાય છે.

ચેરીમાં શર્કરાઓ અને ઍસ્કોર્બિક ઍસિડ(વિટામિન ‘સી’)નું ઊંચું પ્રમાણ હોય છે. તે વિટામિન ‘એ’ અને ખનિજોનું ઠીક ઠીક પ્રમાણ ધરાવે છે. ચેરીના ફળમાં ગરનું સરેરાશ પ્રમાણ 95 % જેટલું હોય છે. ચેરીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 83.0 %, પ્રોટીન 1.1 %, લિપિડ 0.5 %, રેસો 0.3 %, અન્ય કાર્બોદિતો 14.5 % અને ખનિજદ્રવ્ય 0.6 %, કૅલ્શિયમ 18 મિગ્રા., ફૉસ્ફરસ 20 મિગ્રા., આયર્ન 0.4 મિગ્રા., વિટામિન ‘એ’ 620 આઇ.યુ.; થાયેમિન 0.05 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.06 મિગ્રા., નાયેસિન 0.4 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 8.0 મિગ્રા./100 ગ્રા.. ચેરીમાં મૅલિક ઍસિડ મુખ્ય છે. સાઇટ્રિક, ટાર્ટરિક અને સક્સિનિક ઍસિડ અલ્પ માત્રામાં હોય છે. ચેરીમાં મુખ્ય શર્કરાઓ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તથા સુક્રોઝ ગૌણ શર્કરા છે. પૅક્ટિક સંયોજનોનું પ્રમાણ ઓછું હોય છે. મિથાઇલ ઍન્થ્રેનિલેટ અને મિથાઇલ સેલિસિલેટ ચેરીના રસમાં આવેલાં સુગંધિત સંયોજનો છે. ચેરીની છાલમાં કેરાસાયનિન નામનું રંગીન ઘટક હોય છે. તે સાયનિડિનનો ડાયગ્લુકોસાઇડ છે.

મીઠી ચેરીની ગોટલી 16–33 % જેટલી મીંજ ધરાવે છે; જે 35.3–43.3 % ખાદ્ય તેલ ઉત્પન્ન કરે છે. આ તેલ ખાટી ચેરીના તેલ સાથે સામ્ય ધરાવે છે. છાલમાં 16 % જેટલું ટેનિન હોય છે. મીઠી અને ખાટી ચેરીનાં થડ બિન-ઝેરી ઘટક ધરાવે છે; જે હૃદયના રોગોમાં ઉપયોગી છે.

કાષ્ઠ (વજન : 528–785 કિગ્રા./ઘનમી.) આછા લાલ કે ગુલાબી રંગનું હોય છે અને ખુલ્લું થતાં ઘેરા રંગનું બને છે; જે મેહૉગનીના કાષ્ઠના રંગ સાથે સામ્ય ધરાવે છે. ચેરીના કાષ્ઠનો ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે.

ખાટી ચેરીનું વૃક્ષ નાનું હોય છે અને સામાન્યત: ટોચેથી ગોળ હોય છે અથવા તેની શાખાઓ ફેલાતી હોય છે. પર્ણો અંડાકાર, સખત અને કડક હોય છે. પર્ણકિનારી સૂક્ષ્મપણે દંતુરિત અને પર્ણટોચ અણીદાર હોય છે. પુષ્પો સફેદ રંગનાં અને પાતળા પુષ્પદંડો પર 2–5ના ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળ, 0.6–1.25 સેમી. વ્યાસવાળાં, આછા લાલ રંગનાં કે લગભગ કાળાં, ખાટાં કે મીઠાં હોય છે.

ખાટી ચેરીની ત્રણ જાતો (varieties) છે : (1) var. cerasus (એમરેલ ચેરી), (2) var. austrea (મોરેલો ચેરી) અને (3) var. marasca (મરાસ્કા ચેરી). તે પૈકી એમરેલ ચેરી આછા લાલ રંગની અને ઓછી ખાટી હોય છે. ભોજનોત્તર મિષ્ટાન્ન તરીકે તે વધારે યોગ્ય ગણાય છે. બાકીની બે જાતોનાં ફળ વધારે ઘેરાં હોય છે અને લાલ રંગનો રસ ઉત્પન્ન કરે છે.

તે પશ્ચિમ એશિયાઈ અને દક્ષિણ-પૂર્વ યુરોપીય પ્રદેશોની મૂલનિવાસી છે. તેને સુંદર પુષ્પો માટે યુરોપ અને અમેરિકામાં ઉછેરવામાં આવે છે. ભારતમાં તેનું કાશ્મીર, કુમાઉં અને ગરેવાલમાં 2300 મી.ની ઊંચાઈ સુધી વાવેતર થાય છે.

ખાટી ચેરી ખૂબ ખાટી હોય છે. તેનો મોટો જથ્થો ડબ્બાબંધી અને રાંધવા માટે વપરાય છે. ચેરીનો રસ મોટે ભાગે ખાટી ચેરીમાંથી મેળવવામાં આવે છે; કારણ કે મીઠી ચેરીની કિંમત ઘણી વધારે હોય છે. ખાટી ચેરીનું રાસાયણિક બંધારણ અમ્લતા બાદ કરતાં મીઠી ચેરી જેવું હોય છે. મોરેલો ચેરીમાં ઍસિડનું પ્રમાણ 1.86 % જેટલું ઊંચું હોઈ શકે છે; જ્યારે મીઠી ચેરીમાં તેનું પ્રમાણ 0.64 % જેટલું હોય છે.

આયુર્વેદ અનુસાર, ચેરી સ્વાદે મધુર-તૂરી, ઠંડી, હળવી, રુચિકર; પાકે તીખી અને અરુચિનાશક હોય છે. તે કફ, વાયુદોષ, તાવ, મૂર્ચ્છા, ચળ, દાહ, વમન, વિષ, શ્વાસ, હૃદયરોગ, તૃષા, કૃમિરોગ, કોઢ, પિત્ત અને રક્તવિકાર મટાડે છે. તે પિત્તશામક છે અને હૃદયની ગતિ મંદ કરતી હોવાથી હૃદયનાં વધારે સ્પંદનો થતાં હોય તેમને માટે લાભદાયી છે.

સુરેન્દ્ર દવે

બળદેવભાઈ પટેલ