ભારદ્વાજ, રાવુરી (જ. 5 જુલાઈ 1927, ગામ મોગુલુર, પૂર્વ હૈદરાબાદ રાજ્ય) : તેલુગુના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. રેખાચિત્રોના તેમના સંગ્રહ ‘જીવન સમરમ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. વિધિસર શિક્ષણ તેમને કેવળ 8 ધોરણ સુધીનું જ મળ્યું હતું. પછી તેઓ આપમેળે શિક્ષણમાં આગળ વધ્યા. અનેકવિધ કામગીરી બજાવ્યા પછી 1944માં તેઓ પત્રકાર બન્યા. 1959માં તેઓ હૈદરાબાદના આકાશવાણી કેન્દ્રમાં જોડાયા અને ત્યાં ‘વાચિક વાણી’ (spoken word) કાર્યક્રમના નિર્માતા બન્યા. 16 વર્ષની વયે તેમણે લેખનનો પ્રારંભ કર્યો હતો અને 117 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમાં ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, નિબંધો, બાલસાહિત્ય તેમજ નવશિક્ષિતો માટેનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ પામી છે. 1968માં તેમને ગોપીચંદ ઍવૉર્ડ મળ્યો હતો. પુરસ્કારપ્રાપ્ત પ્રસ્તુત કૃતિને 1983માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પણ અપાયો હતો.

સંઘર્ષ કરતા માનવ-સમુદાય માટેનો ઊંડો સમભાવ, અચળ આશાવાદ, પાત્રચિત્રણની પ્રમાણભૂતતા અને પ્રભાવક શૈલી જેવી વિશેષતાઓને કારણે તેમણે આપેલાં રેખાચિત્રો તેલુગુમાં મહત્વનું પ્રદાન લેખાય છે.

મહેશ ચોકસી