ભટ્ટ, શશિમોહન (જ. 16 જાન્યુઆરી 1930, જયપુર; અ. 15 જુલાઈ 1997, જયપુર) : ભારતના વિખ્યાત સિતારવાદક. પિતા મનમોહન ભટ્ટ સરકારી નોકરીમાં હતા અને શોખ ખાતર જયપુરમાં શાસ્ત્રીય સંગીતના વર્ગો ચલાવતા હતા તથા માતા ચંદ્રકલા ભટ્ટ રાજસ્થાન યુનિવર્સિટીનાં સ્નાતક હોવા ઉપરાંત કંઠ્યસંગીતનાં પ્રોફેસર હતાં. શશિમોહનનું સમગ્ર શિક્ષણ જયપુરમાં થયેલું. માતાપિતા પાસેથી શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો હોવાથી નાનપણથી જ તેમનામાં શાસ્ત્રીય સંગીત પ્રત્યે રુચિ પેદા થયેલી. 1944માં ચૌદ વર્ષની વયે ઉસ્તાદ કયામહુસેન પાસેથી સિતારવાદનની શિક્ષા લેવાની શરૂઆત કરી (1944–’52). ત્યારબાદ 1952 પછીના ગાળામાં વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર પાસે સિતારવાદનની ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. તેઓ સેનિયા ઘરાનાના સંગીતકાર ગણાય છે. તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1948ના અરસામાં જયપુર ખાતે યોજાયેલો. 1949માં આકાશવાણી કલાકાર તરીકે તેમને માન્યતા મળેલી. ત્યારબાદ આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી તેમના કાર્યક્રમો અવારનવાર થતા રહ્યા છે. 1976માં આકાશવાણી દિલ્હી પરથી રાષ્ટ્રીય કાર્યક્રમમાં તેમના સિતારવાદનનો સૌપ્રથમ કાર્યક્રમ પ્રસારિત થયેલો. 1995માં દૂરદર્શન પરથી પણ તેમનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. 1989માં આકાશવાણીના ‘એ’ ગ્રેડના કલાકાર તરીકે તેમને માન્યતા મળી હતી.
1949–’52 દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશના હાથરસ નગરથી પ્રકાશિત થતા ‘સંગીત’ સામયિકમાં સ્વરલિપિ વિભાગમાં સંપાદકીય સલાહકાર તરીકે કામ કરેલું. 1952–’56 દરમિયાન તેમણે રાજસ્થાન સંગીત સંસ્થાનમાં સંગીતની તાલીમ આપનાર અધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1957–’60 દરમિયાન જયપુર ખાતે સંગીતના વરિષ્ઠ અધ્યાપક તરીકે તેમણે કામ કરેલું. 1960–’89 દરમિયાન રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર ખાતે સંગીતના પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી. 1950–’89 દરમિયાન તેમણે ‘સંગીત’ સામયિકમાં સ્વરલિપિકારક તરીકે કરેલું કાર્ય શાસ્ત્રીય સંગીત માટે અણમોલ સાબિત થયું છે.
પંડિત ભીમસેન જોશી, પંડિત રવિશંકર, ઉસ્તાદ અમીરખાન જેવા ભારતના અગ્રણી સંગીતકારોની ઉપસ્થિતિમાં સિતારવાદનનો કાર્યક્રમ રજૂ કરવાની તક તેમને સાંપડેલી.
1955–’75ના બે દાયકા દરમિયાન તેમણે જયપુર ખાતે સિતારનું નિ:શુલ્ક શિક્ષણ આપેલું. 1955–’97ના ચાર દાયકા દરમિયાન તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા છે, જેમાંથી કેટલાકે આકાશવાણી અને દૂરદર્શનના કલાકારો તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે. સંગીતના ક્ષેત્રમાં રાજસ્થાનમાં એક આદર્શ શિક્ષક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
1992–’93માં તેમને સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ એનાયત થયો હતો.
1970માં જયપુરનાં તત્કાલીન મહારાણી ગાયત્રીદેવીના આમંત્રણથી શશિમોહન ભટ્ટ અને વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેનુહિન વચ્ચે સિતાર અને વાયોલિનની જુગલબંદી યોજાઈ હતી. 1972માં અમેરિકા ખાતે યોજાયેલ આફ્રો-એશિયન આર્ટ ફેસ્ટિવલમાં વિખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ દ્વારા સંચાલિત ‘દર્પણ’ના નેજા હેઠળ શશિમોહન ભટ્ટે ભાગ લીધો હતો. તે મુલાકાત દરમિયાન તેમણે ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન, લૉસ ઍન્જેલિસ તથા કૅનેડાના વૅન્કૂવર શહેરોમાં જાહેર કાર્યક્રમો આપ્યા હતા. 1977માં ગ્રામોફોન કંપની ઑવ્ ઇન્ડિયા દ્વારા તેમના સિતારવાદનની રેકૉર્ડો ઉતારવામાં આવી હતી.
તેમના ભાઈ અને ગ્રૅમી ઍવૉર્ડના 1977ના વર્ષના વિજેતા ગિટારવાદક વિશ્વમોહન ભટ્ટ, તેમનાં બહેન અને વિખ્યાત સિતારવાદક મંજુ મહેતા તેમજ તેમના પુત્ર તથા વિખ્યાત સિતારવાદક પંડિત કૃષ્ણમોહન ભટ્ટ તેમના પરિવારની ઉચ્ચકોટિની સંગીતપરંપરાની માવજત કરી રહ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે