ભટ્ટ, વૈજનાથ મોતીરામ

January, 2001

ભટ્ટ, વૈજનાથ મોતીરામ (યોગી શ્રી જગન્નાથ તીર્થ) (જ. 1858, વિરમગામ; અ. 1916, લીંબડી) : યોગવિદ્યાના સાધક અને ‘યોગપ્રકાશ’ના કર્તા. માતા સંતોકબા અને પિતા મોતીરામ ડોસારામજી ભટ્ટ. બાલ્યાવસ્થાથી જ તંદુરસ્ત, શાંત અને ગંભીર પણ ચપળતા ઘણી. ગુજરાતી અને સંસ્કૃતમાં થોડો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ લીંબડીમાં જ શિક્ષકની નોકરી સ્વીકારી. ચિત્તવૃત્તિમાં વૈરાગ્ય વધુ અને યોગાભ્યાસની તીવ્ર ઇચ્છા એટલે થોડો સમય શિક્ષકની નોકરી કરીને છોડી દીધી. તેમને વૈદક, હુન્નર ઉદ્યોગ અને જ્યોતિષનો પણ શોખ હતો.

લીંબડી નજીક ચાર-પાંચ કિલોમીટર દૂર પાંડરીમાતાના મંદિરમાં તેમણે પ્રથમ સાધના શરૂ કરી અને આસન, પ્રાણાયમ, ધારણા, ધ્યાન અને સમાધિ ઉપરાંત નેતી, ધૌતી અને બસ્તીમાં પારંગત થયા અને અભ્યાસસિદ્ધિ પ્રાપ્ત કરી. આ દરમિયાન લીંબડીના મહારાજા શ્રીજસવંતસિંહ તેમના શિષ્ય બની ચૂક્યા હતા. તેમના તરફથી જરૂરી મદદ અને સગવડ મળી રહેતી હતી.

યોગમાં પૂર્ણતા મેળવવાની ભારે ધગશ. તેથી મહાત્મા બ્રહ્માનંદજી અને મહાત્મા ચિદઘનાનંદ (બંબ સ્વામી) પાસે જઈ યોગાભ્યાસ માટેની શિક્ષા લીધી. જાણીતા યોગાભ્યાસી શ્રી નથુરામ શર્મા તેમના શિષ્ય હતા. શ્રી નથુરામ શર્માએ આવરણભેદ અને ચક્રસમાધિ વિશે તેમના પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા પહેલાં જ્યારે ભારતયાત્રાએ નીકળ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં લીંબડી અને પછી પોરબંદર ગયા હતા. લીંબડી જવાનું કારણ શ્રી વૈજનાથજીને મળવાનું હતું. શ્રી વૈજનાથજી તે વખતે લોકોમાં બહુ જાણીતા ન હતા. લીંબડીના મહાદેવના મંદિરમાં પૂજારીનું કામ કરતા પરંતુ યોગવિદ્યામાં ખૂબ આગળ નીકળી ગયા હતા અને યોગાભ્યાસીઓમાં તેમનું નામ જાણીતું હતું.

શ્રી જગદીશ આશ્રમ, લીંબડી

તેમનાં લગ્ન બહુ નાની ઉંમરે (12 વર્ષે) રેવાબેન સાથે થયાં અને  ટૂંકા લગ્નજીવન બાદ રેવાબાઈનો નાની ઉંમરે સ્વર્ગવાસ. તે પછી ગૃહત્યાગ કરી ઉત્તર-પૂર્વ ભારતની યાત્રાએ નીકળી પડ્યા. જગન્નાથપુરીમાં ત્યાંના શંકરાચાર્ય મધુસૂદનતીર્થ પાસેથી દીક્ષા મેળવી અને ‘વૈજનાથ’ નામ બદલીને ‘શ્રી જગન્નાથતીર્થ’ નામ ધારણ કર્યું. થોડા સમય બાદ ગુરુ મધુસૂદનતીર્થ મહારાજે તેમને તેમના ઉત્તરાધિકારી (પટ્ટ શિષ્ય) તરીકે સ્થાપ્યા. પુરીનાં હવાપાણી માફક ન આવતાં પોતાના પ્રદેશ સૌરાષ્ટ્રમાં જ કાર્ય કરવાની ઇચ્છા હોઈ અમુક વર્ષ પુરીમાં રહ્યા બાદ સૌરાષ્ટ્રમાં પરત આવ્યા અને મઠની ગાદીનો ત્યાગ કર્યો. સૌરાષ્ટ્રમાં પાછા ફરતાં પહેલાં તેમને શ્રી મધુસૂદન તીર્થની નાદુરસ્ત તબિયતને લીધે દિલ્હીમાં પંચમ જ્યૉર્જના રાજ્યાભિષેકમાં જગન્નાથપુરીના શંકરાચાર્ય તરીકે હાજર રહી જ્યૉર્જને આશીર્વાદ આપવાના હતા. જગન્નાથજીએ જ્યૉર્જને ડાબા હાથે તિલક કર્યું. પંડિતોના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે પૂછ્યું ત્યારે જગનાથજીએ જવાબ આપ્યો કે ડાબા હાથે તિલક કરવામાં મારી ભાવના એવી છે કે અંગ્રેજોનું રાજ્ય મારા દેશમાં કાયમી ન રહે. પુરીથી લીંબડી પાછા ફર્યા પછી તેમણે રાજકોટ, ગોંડળ, જૂનાગઢ, પોરબંદર, વાંકાનેર, મોરબી, જામનગર, કરાંચી, હૈદ્રાબાદ, મુંબઈ, વડોદરા, સૂરત, અમદાવાદ, કડી અને બીજાં અનેક સ્થળોએ ફરી સદવિચાર, સદાચાર અને સદવર્તનનો ઉપદેશ આપી અનેકને દીક્ષા આપી અને એ રીતે સમાજની કલ્યાણકારી સેવા કરી. તેમના ભક્ત અને શિષ્યોનો સમુદાય ઘણો મોટો હતો.

તેમણે લખેલ ગ્રંથ ‘યોગપ્રકાશ’ યોગાભ્યાસ માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે. તેમના બીજા પુસ્તક ‘સ્વઉપદેશ ચિંતામણિ’માં આપેલ ઉપદેશ મુમુક્ષોને અતિ ઉપયોગી થાય તેમ છે. તે ઉપરાંત તેમણે શિષ્યોને લખેલ પત્રોનું સંકલન બે ભાગમાં ‘શ્રી શંકરજગન્નાથ તીર્થ’ નામે થયું છે.

આશ્રમનું પ્રવેશદ્વાર

તેમણે 58 વર્ષની ઉંમરે લીંબડીમાં ભોગાવા(નદી)ના કાંઠે તેમના હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સમાધિ લીધી. આ સમાધિ પર શંકરનું મંદિર બંધાયું અને જગદીશ આશ્રમ શરૂ થયો. આજે પણ ગુરુપૂર્ણિમાને દિવસે આ આશ્રમમાં મોટો ઉત્સવ ઊજવાય છે અને ભક્તજનો શ્રી જગન્નાથતીર્થજીને ગુરુ તરીકે યાદ કરે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ