ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ

January, 2001

ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ (જ. 24 ફેબ્રુઆરી 1916, સૂરત; અ. 24 મે 1984, અમદાવાદ) : ગુજરાતના અંગ્રેજી ભાષાના જાણીતા પ્રાધ્યાપક, વિદ્વાન, જોશીલા વક્તા, નીડર રાજકારણી અને લેખક. પિતા રણછોડદાસ અને માતા વિજયાગૌરી બંને શિક્ષણના વ્યવસાયમાં હતાં એથી એમને શિક્ષણ તો વારસામાં જ પ્રાપ્ત થયું હતું. વ્યવસાયી માતા-પિતાનું એકનું એક સંતાન એથી શૈશવમાં જ એકલતાનો અનુભવ થયો. પરિણામે જીવનભર એ જેટલા બહિર્મુખ હતા એટલા જ અંતર્મુખ રહ્યા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં મ્યુનિસિપલ શાળામાં અને સાર્વજનિક વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. અત્યંત તેજસ્વી વિદ્યાર્થી એટલે સતત શિષ્યવૃત્તિઓની સહાયથી અભ્યાસ કર્યો. 15 વર્ષની વયે સૂરતમાં ઘરની નિકટ તાર-કસબ-જરીના મુસ્લિમ કારીગરોના વિસ્તારમાં નવાબના પ્રમુખપદે ઇકબાલ જયંતી પ્રસંગે અંગ્રેજીમાં પ્રવચન કર્યું અને સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. મૅટ્રિકમાં હતા ત્યારે અંગ્રેજીના શિક્ષક ચીમનભાઈ પટેલના અંગત ગ્રંથાલયમાં રોજ કલાકો લગી ડિકન્સની બધી જ નવલકથાઓ સમેત અનેક ગ્રંથોનું વાચન કર્યું. ત્યારે શ્રીઅરવિંદથી પ્રભાવિત થયા, એથી પુદુચેરીનો પ્રવાસ કર્યો. અહીં એમને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રસિદ્ધ વિદ્વાન અધ્યાપક ચાઇલ્ડનો પરિચય થયો. 1936માં સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી અંગ્રેજીના વિષય સાથે બી.એ. થયા અને 1938માં મુંબઈની એલફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. થયા. આ સમયમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો. તરત જ મુંબઈની સેન્ટ મેરી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે અને પછી 1939માં અમદાવાદની નિકટ જેતલપુરની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થયા. એમણે રાજકોટમાં 1940થી 1943 લગી ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં, પછીથી અમદાવાદમાં 1943થી 1953 લગી એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં, 1953થી 1956 લગી લૉ સોસાયટીના આર્ટ્સ વિભાગમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે અને 1956થી 1982માં નિવૃત્ત થયા ત્યાં લગી બી.ડી. આર્ટ્સ કૉલેજમાં આચાર્ય તરીકે સેવા આપી.

1936માં એમણે એમનો અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘ધ કેક્ટસ લૅન્ડ’ પ્રસિદ્ધ કર્યો. શૅક્સપિયરનાં બે નાટકો ‘મચ એડૉ અબાઉટ નથિંગ’ અને ‘લવ્ઝ લૅબર્સ લૉસ્ટ’નું પ્રસ્તાવના સમેતનું સંપાદન તથા એક અંગ્રેજી કાવ્યોના સંચય – ‘ધ ગ્રેસ અબાઉનિંગ’નું અને એક અંગ્રેજી નિબંધોના સંચય ‘થ્રૂ અધર આઇઝ’નું સંપાદન કર્યું. 1964માં શેક્સપિયરની ચતુર્થ જન્મજયંતી પ્રસંગે એમણે ગુજરાતી ભાષામાં શેક્સપિયર ઉપર એકમેર્વાદ્વિતીયમ્ એવો આકરગ્રંથ ‘શેક્સપિયર’ શીર્ષકથી રચ્યો. 1982માં અમદાવાદમાં એમણે ‘શેક્સપિયર સોસાયટી’ની સ્થાપના કરી.

સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ

1950થી 1978 લગી તેઓ ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં તથા 1952થી 1957 લગી તેઓ તે સમયના દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભામાં સભ્ય રહ્યા અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણના અને લોકશિક્ષણના ક્ષેત્રમાં એમણે અમૂલ્ય અર્પણ કર્યું.

સંતપ્રસાદ ભટ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વિરલ એવા વક્તા હતા. વિદ્વાનોથી માંડીને શેરીના અદના માણસો લગીના સૌ શ્રોતાઓ પર એમની વાકકલાની અજબ જાદુઈ ભૂરકી હતી. એમનું શિક્ષણકાર્ય વર્ગની ચાર ભીંતોમાં સીમિત ન હતું. 1951માં પ્રથમ ચૂંટણી સમયે ચૌટે ને ચકલે, ગલીએ ને મહોલ્લે, અમદાવાદ શહેરને ખૂણે ખૂણે ભાષણો કરી એમણે આખું ગામ ઘેલું કર્યું હતું. આ ભાષણો અમદાવાદના ઇતિહાસની એક અવિસ્મરણીય ઘટના બની ગયાં છે. જાહેર-જીવનના આવા અનેક પ્રસંગોએ એમણે નેતૃત્વ કર્યું. એ માત્ર શિક્ષક ન હતા, એ લોકશિક્ષક પણ હતા. માત્ર અંગ્રેજી સાહિત્ય જ નહિ પણ સમગ્ર વિશ્વસાહિત્ય એમના રસનો વિષય હતો. ગુજરાતી ગદ્ય પર એમનું અસાધારણ પ્રભુત્વ હતું. ‘શેક્સપિયર’ ગ્રંથ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એમનું વ્યક્તિત્વ સભર અને સમૃદ્ધ હતું. જીવનને તેઓ અનેક બિન્દુએ સ્પર્શતા હતા. એમનો જીવનરસ ઉત્કટ અને અખૂટ હતો. એ યુરોપીય પુનરુત્થાનની બૌદ્ધિક પરંપરાના માનવતાવાદી માનવ હતા. એમનામાં એક મહાન શેક્સપિયરીય ગુણ હતો – અને તે અનુકંપા. ગુજરાતના શિક્ષણ અને સંસ્કારના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થાય એવા એ એક આદર્શ આચાર્ય અને અનન્ય સંસ્કારસર્જક હતા.

નિરંજન ભગત