ભજન : ગુજરાતી લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિજ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પદકવિતાનો એક પ્રકાર. ‘ભજન’ શબ્દ સંસ્કૃત भज् ધાતુ પરથી આવેલો છે. ‘ભજન’નો અર્થ છે પરમતત્વ કે ઇષ્ટદેવનો આશ્રય લેવો, એની સેવા કે ઉપાસના કરવી, એનાં ગુણગાન ગાવાં. ભજનમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, કીર્તન, પ્રાર્થના વગેરેના ભાવ-અર્થો સમાવિષ્ટ છે.
ગુજરાતીમાં ભજનપ્રકાર મધ્યકાળ સાથે સંકળાયેલો છે. તેમાં ધર્મ-અધ્યાત્મચિંતન – જ્ઞાન, ભક્તિ, યોગ આદિનાં તત્વો વિશેષભાવે જોવા મળે છે. તે ઊર્મિકાવ્યનું સ્વરૂપ ધરાવતી ગેય પદ્યરચના છે. સામાન્ય રીતે તેના રચયિતાઓમાં અધ્યાત્મમાર્ગના પ્રવાસી સંતો, ભક્તો, જ્ઞાનીઓ-વેદાન્તીઓ, યોગીઓ, વેરાગીઓ, સાધક-સિદ્ધો ને પીર-ફકીરો વગેરેનું મોટું પ્રમાણ જોવા મળે છે.
ભજનવાણીમાં સગુણ–સાકારની તેમ નિર્ગુણ–નિરાકારની — એમ બે ભક્તિધારાઓ સમાન્તરે ને સમાન રૂપે વહેતી ર્દષ્ટિગોચર થાય છે. કેટલાંક ભજનોમાં આ બેય ધારાઓ સમન્વિત રૂપે જોવા મળે છે. સગુણ-સાકારની ભક્તિમાં ગણપતિ, રામ, કૃષ્ણ, શિવ, શક્તિ જેવાં ઈશ્વરી શક્તિનાં વિવિધ રૂપો ને અવતારોની તો નિર્ગુણ–નિરાકારની ભક્તિમાં જ્યોત, નાદ અને શૂન્ય સ્વરૂપે તથા બીજતત્વ રૂપે સકલ સૃષ્ટિના સર્જનહારની આરાધના થતી હોય છે.
ભજનવાણીમાં વૈષ્ણવી પ્રેમલક્ષણા, કબીરની સહજસાધના, નાથપંથીઓની યોગસાધના, મહાપંથી બીજમાર્ગી પાટ-ઉપાસકોની બીજસાધના, ઇસ્લામની સૂફી-સાધના તેમજ પીરાણા સંપ્રદાયની નિરાકારની ભક્તિસાધના વગેરેનો સમન્વય જોવા મળે છે. તેમાં દ્વૈત–અદ્વૈત, શુદ્ધાદ્વૈત ને વિશિષ્ટાદ્વૈત, કેવલાદ્વૈત જેવી વિવિધ વેદાન્તી વિચારધારાઓનુંયે સંમિલન થયેલું જોવા મળે છે.
ભજનવાણીમાં અપાર વિષયવૈવિધ્ય જોવા મળે છે. એમાં સંતોની જૂજવી માનસિક ભાવ-સ્થિતિઓનું નિરૂપણ થતું જોવા મળે છે. પ્રાર્થનાવૃત્તિ, શરણાગતિભાવ, પ્રભુવિરહની વેદના અને પ્રભુમિલનની મસ્તી, તીવ્ર વૈરાગ્યભાવ, ઉપાલંભ ને ચેતવણી વગેરે જોવા મળે છે. તેમાં ભક્તિ, ભક્ત અને ભગવાનના મહિમાની; ભક્તિબોધ અને ભક્તિચિંતનની; સત્સંગની; ભક્તિ ને મુક્તિના, જીવ-શિવના અને જગત-ભગતના સંબંધોની; ભગવત્-શ્રદ્ધા અને ભગવત્-પ્રીતિની – એમ વિવિધ આધ્યાત્મિક ભાવભૂમિકાઓની અનુભવાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે.
ભજનવાણીના અનેક પ્રકારો અને તેની આગવી લાક્ષણિકતાઓ છે. નામાભિધાનની ર્દષ્ટિએ ભજનના આટલા પ્રકારો ઉલ્લેખનીય છે : સાખી, સંધ્યા, માળા, ગણપતિ, ગુરુમહિમા, આરતી, થાળ, આરાધ, આગમ, રવેણી, અવળવાણી, ચેતવણી, સંદેશો, પત્ર, અરજ, સાવળ, હેલો, સંવાદ, પ્રશ્નોત્તરી, પરજ, રાજગરી, પ્રભાતી, પ્રભાતિયું, હૂંડી, હાલરડું, નરવેલ, રૂપાવેલ, હિમાળો, ધરમધડો, છપ્પા, ચાબખા, કાફી, ધડૂસલો, ધોળ, લાવણી, ગીતા, અંગ, કક્કો, વાર, તિથિ, મહિના, ગરબી, કીર્તન, પદ, સોળા, સરવડાં, ચતુરા, છગોલા, ચોઘડિયાં, વિવાહ ને રૂપકાત્મક ભજનો. વળી રૂપકાત્મક ભજનોમાંયે રૂપક બનતી વસ્તુને અવલંબીને પ્યાલો, કટારી, આંબો, ચૂંદડી, પટોળી, મોરલી–બંસરી, ઝાલરી, ખંજરી, જંતર–જંતરી, તંબૂરો, સિતાર, રેંટિયો – ચરખો, નિસરણી, સાંતીડું, બંગલો, હાટડી, ભમરો, મોરલો, હંસલો, વણજારો જેવા પ્રકાર નિર્દેશવામાં આવે છે.
આ ભજનવાણી કેટલીક વાર નિરક્ષર છતાં આતમસૂઝવાળા જ્ઞાની સાધુસંતો પાસેથીયે સાંપડે છે. જ્યારે ભજનવાણીમાં સંતકવિની આત્માનુભૂતિનો રણકો ઊતરે છે ત્યારે તેની માર્મિકતા, વ્યંજકતા ને વેધકતા આહ્લાદક હોય છે. સાદામાં સાદી વાણીમાં દાર્શનિકતાનાં ઉત્તુંગ શિખરોને સર કરતી સંતકવિની અનુભવજન્ય સર્જનશીલતાનો તો રંગ જ અનોખો હોય છે.
ભજનવાણીમાં નિશ્ચિત પાઠવાળી તેમજ અનિશ્ચિત પાઠવાળી બે ધારાઓ વરતાય છે. નિશ્ચિત પાઠવાળી ધારામાં જ્ઞાનમાર્ગી અભિગમવાળી, પિંગલબદ્ધ, અલંકારમંડિત, ચુસ્ત ભાષાબંધવાળી ગહન-ગૂઢ રચનાઓ જોવા મળે છે તો બીજી અનિશ્ચિત પાઠવાળી ધારામાં કંઠોપકંઠ ઊતરી આવતી ગાનપરંપરાની ખૂબીઓવાળી સરળ, સુગમ ભાષાબંધવાળી રચનાઓ હોય છે, જે પાઠાંતરો ને રૂપાંતરોની ભૂમિકામાંથી પસાર થઈ લોકજીભે જીવંત રહેલી જણાય છે. ગોરખ, કબીર, નરસિંહ, મીરાં જેવાં જાણીતાં સંત-કવિઓની નામછાપવાળાં, તો મારકુંડ ઋષિ, સહદેવ જોષી, ધ્રુવ ને પ્રહલાદ, ધરમરાજા જેવાંની નામછાપવાળાં સંખ્યાબંધ ભજનો એવાંયે મળે છે, જેમના રચનારા સંભવત: અનેક અનામી સર્જકો હોય.
ભજનવાણીમાં અસરકારક ઉપાડ સાથે, સચોટ ધ્રુવપદ કે ધ્રુવપંક્તિ સાથે અંતભાગમાં એના રચયિતાના વ્યક્તિત્વની સચોટતાથી ઝલક બતાવે એવા ભાવભાષાના સંદર્ભમાં નામછાપ પણ રજૂ થઈ હોય છે અને એમાં જે તે રચયિતાનું ગુરુનામ પણ કૃતજ્ઞતાપૂર્વક નિર્દેશાયાનાં અનેક ઉદાહરણો મળે છે. વળી ભજનવાણીમાં જેમ લોકબોલી કે તળપદી વાણીના હૃદયસ્પર્શી પ્રયોગો જોવા મળે છે તેમ જ્ઞાન, યોગ આદિની ગહનગૂઢ પારિભાષિક શબ્દાવલીના પ્રયોગોયે મળે છે. ભજનવાણીમાં જે તે કવિની વૈયક્તિકતા સાથે સમૂહભોગ્યતાનું તત્વ પણ ઊતરેલું અનુભવાય છે. ભજનવાણીમાં કૃતકતા કે આડંબરને સ્થાન હોતું નથી. એમાં શબ્દાર્થની સરળતા, સાદાઈ ને સ્વાભાવિકતા જ ઇષ્ટ હોય છે. વળી તેનો સંગીત સાથેનો સંબંધ અત્યંત નિકટનો હોય છે. એનું રચનાવિધાન ઠીક ઠીક પ્રમાણમાં રાગ-ઢાળ-તાલને વશ વર્તે છે.
ભજનવાણી શ્રવણ, કીર્તન આદિ ભક્તિપ્રકારો સાથે ગાઢ રીતે સંકળાયેલી રહી છે. પૂજા, કર્મકાંડ કે ધાર્મિક વિધિવિધાનો, પર્વો – ઉત્સવો વગેરે સાથે તેનો સીધો સંબંધ રહેલો છે. વારતહેવારે – બીજ, અગિયારશ, પૂર્ણિમા, અમાસ વગેરે દિવસોએ – મંદિર, મઠ જેવી જગાઓમાં મેળા, ઉરસ જેવા વાતાવરણમાં તેની રજૂઆત થઈ હોય છે. પાટપૂજા, ગરબારાસ, મૃતક જનો પાછળની અંતિમ ક્રિયાવિધિઓ સાથેય તેનો સંબંધ રહ્યો છે.
આ ભજનો ભક્તિ દ્વારા એકાંતમાં તો ભજનમંડળીઓમાંયે ગવાય છે. એકતારો કે રામસાગર, રાવણહથ્થો કે સિતાર, ઝાંઝ-મંજીરાં, ઢોલ-પખવાજ-તબલાં-મૃદંગ, વાંસળી કે માણ વગેરે વાદ્યોના સાથસહકારે તેની રજૂઆત થાય છે. એમાં દીપચંદી, ત્રિતાલ, ખેમટો, હીંચ, કેરબો, ચલતી જેવા વિવિધ તાલ પણ પ્રયોજાય છે. આમ ભજન ભલે મૂળમાં વૈયક્તિક સર્જન હોય, પણ તે ખીલે છે સમૂહમાં ગવાય છે, ઝિલાય છે ત્યારે. જેમ નાટક રંગભૂમિ પર તેમ ભજન ભજનમંડળીમાં એનો ખરો ઉઘાડ દાખવે છે. સામાન્ય રીતે ભજનવાણીની રજૂઆત રાત્રે થતી હોય છે. રાતના નવ-સાડા નવથી સવારે છ-સાડા છ સુધી એની રમઝટ ચાલતી હોય છે.
આમ શબ્દ, સૂર અને ભાવના ત્રિવિધ રસાયણવાળી ભજનવાણીએ જનમનરંજન સાથે જનમનને આધ્યાત્મિક સંસ્કારો સિંચવાનું અને એમને ર્દઢ કરી ખીલવવાનું ઉમદા કાર્ય કર્યું છે. સંતવાણીએ – સંતોની ભજનવાણીએ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિની મૂલ્યધારાને જાળવીને જનમાનસમાં ટકાવવા – વિકસાવવાનું મૂલ્યવાન કર્તવ્ય અદા કર્યું છે. ગુજરાતી કવિતાની સમૃદ્ધિમાં ભજનવાણીનું ઘણું નક્કર ને મૂલ્યવાન પ્રદાન છે.
નિરંજન રાજ્યગુરુ