ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ લાહોરમાં ડી.એ.વી. હાઈસ્કૂલમાં જોડાયા. ત્યારબાદ ત્યાંની ડી.એ.વી.કૉલેજમાં અભ્યાસ દરમિયાન ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડ્યો. તેઓ કૉંગ્રેસમાં જોડાયા, પરન્તુ તેની પ્રવૃત્તિઓ તેમને બિનઅસરકારક લાગવાથી તેનો ત્યાગ કર્યો. ગદર આગેવાન કરતારસિંહને થયેલ દેહાંતદંડની સજા, રૉલૅટ કાયદાના વિરોધ દરમિયાન સરકારના જુલમ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડને લીધે લાહોર રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળ દરમિયાન ભગતસિંહે કૉલેજ છોડી. તે પછીનું સમગ્ર જીવન તેમણે ભારતમાતાની મુક્તિ માટે સમર્પી દીધું. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશનમાં જોડાયા અને તેની મધ્યસ્થ સમિતિના મહામંત્રી બન્યા. એસોસિયેશનની આંતર-પ્રાંતીય પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી.
યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગ્રત કરવા તેમણે લાહોરમાં 1925માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનોમાં કામ કરતા સુખદેવ, યશપાલ, ભગવતીચરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા બીજા ક્રાંતિકારોનો તેમને સંપર્ક થયો. દાસે તેમને બૉમ્બ બનાવતાં શીખવ્યું. લાહોરમાં, 1926માં દશેરાના દિવસે એક બૉમ્બ ફૂટ્યો. તેના અનુસંધાનમાં ભગતસિંહની ધરપકડ કરીને કેસ ચલાવવામાં આવ્યો; પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા.
આત્મા અમર છે અને દેહ નાશવંત છે, તેથી ભારતમાતાની મુક્તિ વાસ્તે પોતાનો દેહ સમર્પી દેવો, એવો ર્દઢ નિર્ધાર તેઓ ધરાવતા હતા. અન્ય ક્રાંતિકારોની જેમ ભગતસિંહે પણ ધર્મમાંથી પ્રેરણા મેળવી હતી. ભગતસિંહે માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય દેશોની ક્રાંતિ વિશે ઘણું વાચ્યું હતું. તેમણે ક્રાંતિકારી સાથીઓને વાચનની ટેવ પાડી હતી.
ભગતસિંહના પિતાએ પુત્રનાં લગ્ન કરાવી દેવાનો નિર્ધાર કર્યો ત્યારે લાહોરમાંથી ચાલ્યા જઈ, તેમણે ગુપ્ત વેશે દિલ્હી અને પછી કાનપુરમાં રહી ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામનાં સામયિકોમાં લેખો લખીને નિર્વાહ કર્યો.
30 ઑક્ટૉબર 1928ના રોજ સાયમન કમિશનના સભ્યો લાહોર આવ્યા ત્યારે લાલા લાજપતરાયના નેતૃત્વ હેઠળ નીકળેલ સરઘસ ઉપર લાઠીમાર કરવામાં આવ્યો. આ દરમિયાન લાજપતરાયને ગંભીર ઈજા થઈ. થોડા દિવસ બાદ તેઓ વીરગતિ પામ્યા. લાલાજીના અવસાન માટે જવાબદાર પોલીસ અધિકારી મિ. સ્કૉટનું ખૂન કરવાની ભગતસિંહ અને તેમના સાથીઓએ પ્રતિજ્ઞા લીધી. 17 ડિસેમ્બર 1928ના રોજ પોલીસ-ચોકીમાંથી જતા પોલીસ અધિકારી સૉન્ડર્સ ઉપર મિ. સ્કૉટ માની લઈને ભગતસિંહે ગોળીબાર કર્યો. સૉન્ડર્સ મરણ પામ્યો. ભગતસિંહ લાહોર છોડીને ગુપ્ત વેશે નાસી ગયા.
વિદેશીઓના આપખુદ શાસન સામે નફરત દર્શાવી લોકોમાંથી ભય અને ત્રાસની લાગણી દૂર કરીને જાગૃતિ લાવવા અને યુવાનોમાં ક્રાંતિકારી ભાવના પ્રેરવા માટે જાહેરમાં ગુનો કરીને ધરપકડ વહોરી લેવા બે ક્રાંતિકારો ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને એસોસિયેશને તૈયાર કર્યા. તે મુજબ 8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ન્યૂ દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે વિઝિટર્સ ગૅલરીમાંથી બે બૉમ્બ નાખ્યા, ગોળીબારો કર્યા અને લાલ પત્રિકાઓ નાખી. તેનાથી ચારેક માણસો ઘાયલ થયા. બૉમ્બ ફેંક્યા બાદ નાસી જવાને બદલે તેઓ ત્યાં ઊભા રહ્યા. સાર્જન્ટો દોડી આવતાં પોતાની રિવૉલ્વરો નાખી દઈ તેમણે આત્મસમર્પણ કર્યું. આ બનાવ પછી તેઓ બંને સમગ્ર દેશમાં પ્રખ્યાત થઈ ગયા. ધારાસભા બૉમ્બ કેસમાં બંનેને આજીવન કાળાપાણીની સજા થઈ. અન્ય કેસના તાજના સાક્ષી પાસેથી પોલીસને જાણવા મળ્યું કે સૉન્ડર્સના ખૂનમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ સંડોવાયેલા હતા. તેમની ધરપકડ કરી કેસ ચલાવી ફાંસીની સજા કરવામાં આવી. તેમણે દયાની યાચના કરવાનો ઇનકાર કર્યો. લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલાં તેમણે ‘ઇન્કિલાબ જિંદાબાદ’ની વીરગર્જના કરી.
ભગતસિંહ આતંકવાદી નહોતા. તેમનો હેતુ હિંસા કરવાનો નહોતો. તેમનો આદર્શ સમાજવાદનો હતો. અનેક યુવાનોને ભગતસિંહનાં કાર્યોમાંથી માતૃભૂમિ માટે બલિદાન આપવાની પ્રેરણા મળી છે.
જયકુમાર ર. શુક્લ