બ્રેસિકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 350 પ્રજાતિઓ અને લગભગ 2,500 જાતિઓ ધરાવતું અને મૂળભૂત રીતે ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશના વધારે ઠંડા ભાગોમાં વિતરણ પામેલું મોટું કુળ છે. 10 જેટલી પ્રજાતિઓ સર્વદેશીય છે. જેમાં Draba (270 જાતિઓ), Cardamine (130 જાતિઓ), Lepidium (130 જાતિઓ), Sisymbrium (80 જાતિઓ), Thlaspi (60 જાતિઓ), Arabis (100 જાતિઓ), Erysium (80 જાતિઓ) અને Barbarea(12 જાતિઓ)નો સમાવેશ થાય છે.
તે એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ભાગ્યે જ ઉપક્ષુપ જાતિઓનું બનેલું છે. વનસ્પતિના બધા જ ભાગો તીખો તમતમતો રસ ધરાવે છે, જેમાં ગંધકનું પ્રમાણ વધારે હોય છે. મૂળ ખોરાકનો સંગ્રહ કરી પુષ્ટ અને દળદાર બની ત્રાકાકાર દા.ત., Raphanus (મૂળો) અથવા ભ્રમરાકાર દા.ત., Brassica rapa (સલગમ) સ્વરૂપ ધારણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, વીણાકાર, છેદન પામેલાં અને અનુપપર્ણીય હોય છે. Raphanus sativus જેવી કેટલીક જાતિઓમાં મૂળપર્ણો (radical) હોય છે. પર્ણો પર દ્વિશાખિત અથવા તારાકાર કે ‘T’ આકારના એકકોષી રોમ આવેલા હોય છે. પુષ્પવિન્યાસ કલગી અથવા સમશિખમંજરી (corymb) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic) દા.ત., (Iberisમાં અનિયમિત), દ્વિલિંગી, અધોજાયી (hypogynous), ચતુ:અવયવી (tetramerous) અને અનિપત્રી (ebracteate) હોય છે. વજ્રપત્રો 4, બે ચક્રમાં ગોઠવાયેલાં, પ્રત્યેક ચક્રમાં 2 મુક્ત વજ્રપત્રો, અંદરનું ચક્ર થેલી (saccate) આકારનું બને છે. તે કોરછાદી (imbricate) અને શીઘ્રપાતી (coducous) હોય છે. દલપત્રો 4, મુક્તદલપત્રી, સમાન (અપવાદ : Iberis), સ્વસ્તિકાકાર (cruciform) અને ધારાસ્પર્શી (valvate) હોય છે. પુંકેસરો 6 Magacarpaeaમાં 16 પુંકેસરો, બે ચક્રમાં ગોઠવાયેલાં, ચતુ:દીર્ઘક (tetradynamous), બે પુંકેસરો નાનાં અને બહારના ચક્રમાં ગોઠવાયેલાં અને ચાર પુંકેસરો મોટાં અને અંદરના ચક્રમાં આવેલાં હોય છે. પુંકેસરોના તલમાં મધુગ્રંથિઓ આવેલી હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) પ્રકારનો હોય છે. પ્રત્યેક જરાયુ પર બે કે તેથી વધારે અંડકો આવેલાં હોય છે. કૂટપટ ઉત્પન્ન થતાં બીજાશય દ્વિકોટરીય બને છે. પરાગવાહિની એક અને ટૂંકી હોય છે. પરાગાસનો 2 હોય છે. ફળ કૂટપટી (siliqua) અથવા કૂટપટિકા (siliqula) પ્રકારનું હોય છે. બીજ નાનાં, અભ્રૂણપોષી અને તૈલી હોય છે અને તે વક્ર ભ્રૂણ ધરાવે છે.
આ કુળ આર્થિક ર્દષ્ટિએ ઘણું ઉપયોગી છે. Brassica rapa (સલગમ), B. oleracea (કોબીજ, ફ્લાવર) અને Raphanus sativus-(મૂળો, મોગરી)નો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. B. juncea (રાઈ) અને B. napus(સરસવ)ના બીજમાંથી ખાદ્યતેલ મેળવવામાં આવે છે. રાઈ મરીમસાલા તરીકે ઉપયોગી છે. શોભન-પ્રજાતિઓમાં Iberis, Matthiola, Hesperis, Cheiranthus, Erysimum, Lunaria, Lobularia, Alyssum અને Arabisનો સમાવેશ થાય છે.
આ કુળ પેપાવરેસી સાથે સંબંધિત હોવા છતાં કૅપ્પેરિડેસી સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ ત્રણેય કુળોમાં ચતુ:અવયવી પુષ્પ અને ચર્મવર્તી જરાયુ-વિન્યાસ જોવા મળે છે. તે છતાં જાયાંગધર(gynophore)નો અભાવ અને ચતુ:દીર્ઘક પુંકેસરોની હાજરીના આધારે આ કુળને અલગ પાડી શકાય છે.
બળદેવભાઈ પટેલ