બ્રેસિયા (breccia) : 2 મિલિમીટર વ્યાસથી મોટા પરિમાણવાળા, આવશ્યકપણે કોણાકાર ખડકટુકડાઓથી બનેલો કોંગ્લૉમરેટને સમકક્ષ કોણાશ્મ પ્રકારનો જળકૃત ખડક. તેના ખડક-બંધારણમાં ટુકડાઓ અણીવાળા અને ખૂણાઓવાળા હોવાથી કોંગ્લૉમરેટથી તેને સહેલાઈથી જુદો પાડી શકાય છે. ભેખડો કે સમુત્પ્રપાતો કે સીધા ઢોળાવવાળી ટેકરીઓમાંથી પ્રાપ્ત તદ્દન ઓછી વહનક્રિયા (સ્થાનાંતર) પામેલા ખૂણાવાળા ખડકટુકડાઓ કોઈ પણ સંશ્લેષણદ્રવ્ય સહિત સંધાઈ જવાથી આ પ્રકારના ખડકો તૈયાર થતા હોય છે. ઢાળનિક્ષેપ જથ્થાઓ (talus or scree) મોટાભાગે પાર્થિવ પેદાશ હોય છે, જેમાં આ પ્રકારના ખડકો બનતા હોય છે. અસંગતિની સપાટીઓ પર મળતા ગોળાશ્મ ખડકોના પટ પણ આ પ્રકારના જ હોય છે.

બ્રેસિયાના વિવિધ ઉત્પત્તિજન્ય પ્રકારો નીચે મુજબ છે : (1) જળકૃત ઉત્પત્તિજન્ય બ્રેસિયા, (2) સ્તરભંગ બ્રેસિયા, (3) જ્વાળામુખીજન્ય બ્રેસિયા (એગ્લૉમરેટ), (4) આંતરરચનાત્મક બ્રેસિયા : અસંગતિ સપાટી પર જોવા મળતાં બ્રેસિયાનાં પડ (intraformational breccia), (5) અસ્થિ-બ્રેસિયા: ચૂનાખડક પ્રદેશોમાં ઉદભવતી ગુફાઓમાં કે ડૂબક બખોલમાં હાડકાંના ટુકડા ચૂનાયુક્ત દ્રવ્યમાં જડાઈ જવાથી ઊર્ધ્વગામી સ્તંભ સ્વરૂપે ક્યારેક બ્રેસિયા રચાય છે; (6) અધ:પતિત બ્રેસિયા : ચૂનાખડક પ્રદેશોમાં ઉદભવેલી બખોલના છત ભાગ તૂટી પડવાથી પડેલા ટુકડાઓ ચૂનાયુક્ત દ્રવ્યથી સંધાઈ જવાથી બ્રેસિયા બને છે, (7) કોંગ્લૉમરેટ બ્રેસિયા : જે ગોળાશ્મ ખડકમાં કોણાકાર અને ગોળાકાર અશ્મ ભેગા હોય તેને મિશ્રગોળાશ્મ ખડક તરીકે ઓળખાવાય છે.

ગિરીશભાઈ પંડ્યા