બ્રાઉન, કાર્લ ફર્ડિનાન્ડ

January, 2001

બ્રાઉન, કાર્લ ફર્ડિનાન્ડ (જ. 6 જૂન 1850, ફુલ્દા, હેઝે-કેઝલ; અ. 20 એપ્રિલ 1918, બ્રૂકલીન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ભૌતિકશાસ્ત્રમાં ગુગ્લિમો માર્કોની સાથે 1909માં સંયુક્તપણે નોબેલ પારિતોષિક મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. રેડિયો ટ્રાન્સમિટરમાં કરવામાં આવેલા ફેરફાર બદલ આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેમણે યુગ્મિત (coupled) ટ્રાન્સમિટર વડે યુગ્મિત રિસીવર બનાવ્યાં, જેના દ્વારા બિનતારી (wireless) સંદેશાવ્યવહારમાં સુધારો લાવી શકાયો. તેમના પિતાનું નામ કોનાર્ડ અને માતાનું નામ ફ્રાત્ઝિસ્કા ગેહરિંગ હતું. સ્નાતકકક્ષાનો અભ્યાસ જર્મનીની મારબર્ગ યુનિવર્સિટીમાં અને પીએચ. ડી.નું સંશોધનકાર્ય બર્લિન યુનિવર્સિટીમાં કર્યું. 1872માં પીએચ. ડી.ની પદવી મેળવી. 1885માં એમેલી બ્યુહલર સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને બે પુત્રો અને બે પુત્રીઓના પિતા બન્યા.

કાર્લ ફર્ડિનાન્ડ બ્રાઉન

ડૉ. બ્રોન 1872થી 1874 સુધી જર્મનીમાં વુર્ઝબર્ગ યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1876થી 1880 સુધી મારબર્ગ યુનિવર્સિટીમાં અને ત્યારબાદ 1880થી 1883 સુધી સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટી(ફ્રાંસ)માં વિશિષ્ટ પ્રાધ્યાપક તરીકે ટેક્નિકલ હાઇસ્કૂલ કાર્લસરુહ(જર્મની)માં 1883થી 1885 સુધી પ્રાધ્યાપક તરીકે અને ટ્યૂબિનગન(જર્મની)માં 1885થી 1895 સુધી કાર્ય કર્યું. 1895થી તેઓ ભૌતિકશાસ્ત્રની સંસ્થાના નિયામક અને પ્રાધ્યાપક રહેલા.

ડૉ. બ્રોને ઇટાલિયન વૈજ્ઞાનિક માર્કોનીએ વિકસાવેલ રેડિયો-તરંગો(radio waves)ને પ્રસારિત કરવાની પ્રણાલીમાં ફેરફારો કર્યા. શરૂઆતનાં રેડિયો ટ્રાન્સમિટરોમાં એન્ટેનાનું, પાવર-સર્કિટ સાથે સીધું જોડાણ કરવામાં આવતું, તેના પરિણામે પ્રસારણનો વિસ્તાર 15 કિમી. જેટલો મર્યાદિત રહેતો હતો. બ્રોને આ કોયડો ઉકેલ્યો. તેમણે સ્પાર્કલેસ એન્ટેના-સર્કિટ વિકસાવી અને 1899માં તેની પેટન્ટ મેળવી. તેમણે એન્ટેના અને ટ્રાન્સમિટરની પાવર-સર્કિટને પ્રેરક ગૂંચળાં (inductors) વડે જોડ્યાં, આના કારણે રેડિયો પ્રસારણની અવધિ (range) ખૂબ વધારી શકાઈ. આનો ઉપયોગ રેડિયો, ટેલિવિઝન અને રડારના ટ્રાન્સમિટરોમાં થવા લાગ્યો. બ્રોને ખાસ પ્રકારના સ્ફટિક (crystals) ઉપર આધારિત એકદિશકારક (rectifiers) બનાવ્યાં, જેમની મદદથી ક્રિસ્ટલ રેડિયો રિસીવર બની શક્યાં. આ ઉપરાંત તેમણે દિશા ઉપર આધારિત રેડિયોપ્રસારણ (directional transmission) તેમજ રેડિયો ટેલિગ્રાફી ઉપર પણ કાર્ય કર્યું. નૌકાદળ માટે રેડિયો-ટ્રાન્સમિશન બીકોન પણ બનાવ્યા.

ડૉ. બ્રોનનું નામ કૅથોડ રે ઑસ્સિલોસ્કોપ (cathod ray oscillosc-ope–(ટૂંકમાં CRO) વિકસાવવા માટે પણ જાણીતું થયું. તેમણે 1897માં સર્વપ્રથમ ઑસ્સિલોસ્કોપ તૈયાર કર્યું, જે બ્રોન ટ્યૂબ તરીકે પ્રખ્યાત થયું. તેમાં ઉચ્ચ આવૃત્તિ (high frequency) ધરાવતા પ્રત્યાવર્તી (alternating) વીજપ્રવાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉના ઑસ્સિલોસ્કોપમાં ઇલેક્ટ્રૉનની કિરણાવલી ઉપર યોગ્ય નિયંત્રણ પ્રાપ્ત કરી શકાતું નહોતું. બ્રોને ઇલેક્ટ્રૉનની કિરણાવલીને પ્રત્યાવર્તી વોલ્ટેજ (a. c. voltage) વડે નિયંત્રિત કરી અને પરિણામે ચોક્કસ પ્રકારની આકૃતિઓ પ્રસ્ફુરિત (fluorescent) પડદા ઉપર મેળવવી શક્ય બની. આજે રડારના ચંદા, ટેલિવિઝનની પિકચરટ્યૂબ, કમ્પ્યૂટરના મૉનિટર તથા અસંખ્ય ઉપકરણોમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે.

મિહિર જોશી

પ્રહલાદ છ. પટેલ