બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ

January, 2001

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય અનુભવ; જેનો લાભ ‘નામરૂપ’ના ચરિત્રનિબંધોને મળ્યો છે. તેજસ્વી વિદ્યાર્થી. 1960માં ગુજરાતી તથા સંસ્કૃત સાથે બી.એ. તથા એમ.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ. તેઓ ભણતા હતા એ જ અરસામાં ભોગીલાલ ગાંધીને ત્યાં ‘સમીક્ષા’ની બેઠકો શરૂ થઈ; જેમાં સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ તથા ભૂપેન ખખ્ખર જેવા મિત્રો મળતા ને દેશવિદેશના સાહિત્યની ચર્ચાઓ કરતા હતા. વ્યવસાય અધ્યાપનનો. અધ્યાપનની શરૂઆત ડભોઈ આર્ટસ કૉલેજથી, પછી બિલિમોરા ને 1970થી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં. પ્રભાવક વક્તા. ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’ તથા ‘જન્મભૂમિ’માં કૉલમો લખતા હતા. વળી ‘ભૂમિકા’ તથા ‘કિમપિ’ના તંત્રી પણ હતા.

અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ

1968માં નલિની તુરખિયા સાથે આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન. માત્ર 38ની વયે લ્યૂકેમિયા (બ્લડ કૅન્સર) જેવો જીવલેણ રોગ થયો; છતાં ભાંગી પડવાને બદલે સ્વસ્થતાપૂર્વક ઝૂઝતા રહ્યા. એમણે મોટાભાગનું સર્જનકાર્ય લ્યૂકેમિયા થયા બાદ કર્યું. આધુનિકતાના ઊંડા અભ્યાસી. શરૂઆતમાં સુરેશ જોષીનો પ્રભાવ છતાં પ્રયોગાત્મક કે દુર્બોધ લખવાને બદલે જેના કેન્દ્રમાં ‘જીવન’ અને ‘માણસ’ હોય એવા સાહિત્યસર્જન પર એમણે વધુ ભાર મૂક્યો. વિવેચનક્ષેત્રે એમનું પ્રદાન મહત્વનું. વિવેચનસંગ્રહ ‘અન્વીક્ષા’(1970)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’ પરનો લેખ મહત્વનો. ‘ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા’(1974)માં આચાર્ય ભરતથી માંડીને પંડિત જગન્નાથ સુધીના આલંકારિકોનાં પ્રદાનોનું વિવેચનાત્મક પૃથક્કરણ. ‘પૂર્વાપર’(1976)માં ‘જન્મભૂમિ’માંની ‘અલપઝલપ’ કૉલમમાંથી પસંદ કરેલા સાહિત્યિક લેખો. ‘ચૅખોવ’ (1978) તે ચૅખોવ વિશેની પરિચયપુસ્તિકા છે. મરણોત્તર વિવેચનગ્રંથ ‘સંનિકર્ષ’(1982)માં સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અને થિયેટર પરના લેખો છે. ‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ (1969) તે એરિસ્ટોટલના ‘પોએટિક્સ’નો પ્રથમ ગુજરાતી અનુવાદ છે. ‘કિમપિ’ (1983) એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાંનાં મૃત્યુનાં સંવેદનોવાળાં કાવ્યો ધ્યાનપાત્ર. આ સંગ્રહમાં અંતે એમનાં અનૂદિત કાવ્યો પણ સમાવાયાં છે. ‘અજાણ્યું સ્ટેશન’ (1982) જીવનના મર્મને ચીંધતી વાર્તાઓનો સંગ્રહ છે. ‘નામરૂપ’(1981)માં ચરિત્રનિબંધના સ્વરૂપની સભાનતા સાથે રચાયેલા નિબંધો છે, જેમાં સામાન્ય માણસમાં રહેલા અસામાન્યપણાને, વિલક્ષણતા–વિચક્ષણતાને, ઝીણી ઝીણી સંવેદનાત્મક વિગતો તથા બારીક અવલોકનો દ્વારા ઉપસાવેલ છે. એમાં પાત્રોચિત લોકબોલીનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. ‘ચલ મન વાટે ઘાટે’ ભાગ 1, 2 (1981), ભાગ 3, 4 (1982), ભાગ–5 (1983), ‘મુંબઈ સમાચાર’ની કૉલમનાં સુરુચિપૂર્ણ પ્રેરક લખાણોના સંગ્રહો છે. ‘ઋષિવાણી’ (1982) ‘અખંડ આનંદ’માં ‘પાર્થ’ના ઉપનામથી ઉપનિષદોનાં પસંદગીનાં સૂત્રો પર સરળ સુબોધ ભાષામાં લખેલા લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત, સર્જક પરની સંપાદિત સ્વાધ્યાયશ્રેણી ‘ઝવેરચંદ મેઘાણી’ (1968), ‘મણિશંકર ભટ્ટ – કાન્ત’ (1971), ‘રમણભાઈ નીલકંઠ’ (1973) તેમજ કૃતિ પરની સંપાદિત સ્વાધ્યાયશ્રેણી – ‘કાન્તા’ (1973), ‘સુદામાચરિત્ર’ (1975), પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (1982) અને રસિકલાલ પરીખકૃત ‘શર્વિલક’ (1984) નોંધપાત્ર. પોતાનાં અન્ય સાથેનાં સંપાદનોમાં ‘જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (1971), ‘પતીલનાં ચૂંટેલાં કાવ્યો’ (1973), ‘નાટક વિશે જયંતિ દલાલ’ (1974), ‘સંવાદ’ (1974), ‘ગુજરાતી વાર્તાઓ’  (1977) અને ‘ઍબ્સર્ડ’(1977)નો સમાવેશ થાય છે.

યોગેશ જોશી