બોલ્ડિંગ, કેનેથ ઈ. (જ. 18 જાન્યુઆરી 1910, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડમાં જન્મેલા પરંતુ જેમની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી અમેરિકામાં વીતી એવા મુક્ત અર્થતંત્રના હિમાયતી અર્થશાસ્ત્રી. પિતા લિવરપૂલમાં પ્લંબરનો વ્યવસાય કરતા હતા. ત્યાં તેમણે માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ એક વર્ષ 1928માં ઑક્સફર્ડની ન્યૂ કૉલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1932માં રાષ્ટ્રકુટુંબની શિષ્યવૃત્તિ લઈ તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અભ્યાસાર્થે દાખલ થયા. આમ તેમનો અર્થશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ અમેરિકાની શિકાગો તથા હાર્વર્ડ જેવી અગ્રણી યુનિવર્સિટીઓમાં સંપન્ન થયો હતો. ત્યારબાદ ઇંગ્લૅન્ડની એડિન્બરો યુનિવર્સિટીમાં થોડાક સમય માટે અધ્યાપન કર્યા બાદ 1937માં તેઓ અમેરિકાની કૉલગેટ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. 1945ના અરસામાં તેઓ લીગ ઑવ્ નૅશન્સમાં સેવાઓ આપતા હતા તે દરમિયાન તેમણે તેમનો ગ્રંથ ‘ઈકોનૉમિક્સ ઑવ્ પીસ’ પૂરો કર્યો. ત્યારબાદ ટેનેસી રાજ્યની ફિસ્ક યુનિવર્સિટી, આયોવા સ્ટેટ યુનિવર્સિટી તથા મૅક્ગિલ યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ તેઓ મિશિગન યુનિવર્સિટીમાં જોડાયા; જ્યાં ત્યારપછીનાં વર્ષો દરમિયાન તેમણે અર્થશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. અલબત્ત, 1954–55ના એક વર્ષ માટે તેમણે સ્ટૅન્ફૉર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફૉર એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
અર્થશાસ્ત્રનાં ઘણા લાંબા સમય સુધી ન ખેડાયેલાં ક્ષેત્રોમાં તેમણે સંશોધનકાર્ય કરવાનું તથા પોતાના વિચારો નવા ઓપ સાથે રજૂ કરવાનું સાહસ દર્શાવ્યું છે. અર્થશાસ્ત્રમાં તેમના પ્રદાન માટે 1949માં અમેરિકન ઈકોનૉમિક એસોસિયેશને તેમને જે. બી. ક્લાર્ક ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો.
અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં તેમનું પ્રદાન મુખ્યત્વે પેઢીના સિદ્ધાંતો, વહેંચણીના સિદ્ધાંતો અને જે. એમ. કેઇન્સે રજૂ કરેલા નવતર સૈદ્ધાંતિક માળખાનું મૂલ્યાંકન કરી તેની ઊણપો/મર્યાદાઓ દર્શાવવાનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શે છે. પેઢીના વિશ્લેષણમાં જૉન રૉબિન્સન તથા એડવર્ડ ચેમ્બરલિનના યોગદાનનાં કેટલાંક હકારાત્મક પાસાંઓ પ્રત્યે સંમતિ દર્શાવવા છતાં તેમાં સમયના તત્વની જે અવગણના કરવામાં આવી છે તેના પ્રત્યે તેમણે ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. દરેક પરિસ્થિતિમાં દરેક પેઢીનું લક્ષ્ય મહત્તમ નફો મેળવવાનું જ હોય છે એવું તારણ વૈશ્વિક અનુભવ પરથી તાર્કિક રીતે કાઢી શકાય નહિ એવી તેમની રજૂઆત છે. તેવી જ રીતે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના તથા કાર્લ માર્કસના વહેંચણીના સિદ્ધાંતના વિકલ્પ તરીકે વધુ તર્કબદ્ધ અને અસરકારક વૈકલ્પિક સિદ્ધાંતનું સ્થાન લઈ શકે તેટલું સામર્થ્ય વહેંચણીના સીમાવર્તી ઉત્પાદકતાના સિદ્ધાંતમાં નથી એવી તેમની રજૂઆત છે. કેઇન્સે આર્થિક ઘટકોના વર્તનના વિશ્લેષણ અંગે જે સમીકરણો રજૂ કર્યાં છે તેમની યથાર્થતા પ્રત્યે પણ તેમણે શંકા પ્રદર્શિત કરી છે. આર્થિક સંગઠન વિષેનો સર્વપ્રથમ સિદ્ધાંત રજૂ કરનાર કૉમન્સના વિશ્લેષણથી પ્રભાવિત થયેલા બોલ્ડિંગે કૉમન્સના આર્થિક સંગઠન વિશેના સિદ્ધાંતનું નવું સંસ્કરણ રજૂ કર્યું છે અને તેમાં આર્થિક ઉપરાંત રાજકીય ઘટકોને તથા રાજ્યના ફાળાને યોગ્ય સ્થાન આપ્યું છે. તેમણે સર્વસામાન્ય આર્થિક માળખાના ભાગ તરીકે પેઢીની વિભાવનાનો વિકાસ કર્યો છે, એક અલાયદા ઘટક તરીકે નહિ. તેઓ માને છે કે ચીજવસ્તુઓની વપરાશ એ જ આર્થિક પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ્ય હોઈ શકે નહિ, કારણ કે અમુક અંશે આર્થિક અસ્કામતો ઊભી કરવા માટે વપરાશ પર કાપ મૂકવો જરૂરી બને છે. આ રીતે વિચારીએ તો તેમના મતે મહત્તમ વપરાશ નહિ, પરંતુ લઘુતમ વપરાશ એ માનવની આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય લક્ષ્ય અને પાયાનો સિદ્ધાંત હોઈ શકે. ભૌતિક ઘટનાઓ કરતાં સામાજિક ઘટનાઓનું વિશ્લેષણ ઘણું અઘરું હોય છે અને તેથી અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર તથા સમાજશાસ્ત્ર – આ ત્રણેય પ્રત્યે સમન્વયની ભૂમિકાથી સામાજિક ઘટનાઓનું વિશ્લેષણ કરવું જોઈએ, માત્ર આર્થિક ર્દષ્ટિકોણથી નહિ એવું તેઓ માને છે.
અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની તેમની મિશિગન યુનિવર્સિટીની કામગીરી દરમિયાન તેમણે 1959–60માં વેસ્ટઇન્ડિઝની જમૈકા યુનિવર્સિટીમાં તથા 1963–64 દરમિયાન ટોકિયોની ઇન્ટરનૅશનલ ક્રિશ્ચન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.
તેમના વિપુલ ગ્રંથસર્જનમાં નોંધપાત્ર છે ‘ઈકોનૉમિક એનાલિસિસ’ (1941), ‘ધ રીકન્સ્ટ્રક્શન ઑવ્ ઈકોનૉમિક્સ’ (1950), ‘ધી ઑર્ગનાઇઝેશનલ રેવોલ્યૂશન’ (1953), ‘ધી ઇમેજ; નૉલેજ ઇન લાઇફ ઍન્ડ સોસાયટી’ (1958) તથા ‘કન્ફ્લિક્ટ ઍન્ડ ડિફેન્સ’ (1962). પાછળથી અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર જ્યૉર્જ સ્ટિગ્લર સાથે બોલ્ડિંગે ‘રીડિંગ્ઝ ઇન પ્રાઇસ થિયરી’ (1952) નામના ગ્રંથનું પણ સંપાદન કર્યું છે.
હાલ (2000) તેઓ કૉલોરૅડો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સન્માનનીય પ્રાધ્યાપક(professor emeritus)નું પદ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે