બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ

January, 2001

બોલ્ટ્ઝમૅન, લુડવિગ ઇડૂઆર્ડ (જ. 20 ફેબ્રુઆરી 1844, વિયેના; અ. 5 સપ્ટેમ્બર 1906, દુઇનો, ઇટાલી) : જે. ડબ્લ્યુ. ગિબ્સ સાથે પ્રશિષ્ટ સાંખ્યિકીય ભૌતિકશાસ્ત્રને વિકસાવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. આ શાખા દ્વારા તેમણે પરમાણુઓના ગુણધર્મો (દળ, વીજભાર, સંરચના) દ્રવ્યના ગુણધર્મોને કેવી રીતે નક્કી કરે છે તે દર્શાવ્યું. તેમનો ઉછેર વેલ્સ અને લિન્ઝમાં થયો હતો. 1866માં વિયેનામાંથી તેમણે ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. સ્ટીફન-બોલ્ટ્ઝમૅન સમીકરણવાળા સ્ટીફન તેમના સહાધ્યાયી હતા. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ગ્રેઝ, વિયેના, મ્યૂનિક અને લાઇપ્ઝિગમાં  પ્રાધ્યાપકપદ સંભાળ્યાં હતાં.

1860ના અરસામાં ક્લોશિયસ અને કેલ્વિન દ્વારા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, ક્લોશિયસ અને મૅક્સવેલ દ્વારા વાયુઓનો ગતિ-સિદ્ધાંત અને મૅક્સવેલ દ્વારા વીજચુંબકત્વ સિદ્ધાંત પ્રસ્થાપિત થતાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. 1869માં બોલ્ટ્ઝમૅને વાયુના સંઘાત પામતા અણુઓ વચ્ચે ઊર્જાના વિતરણ અંગેનો મૅક્સવેલનો નિયમ આગળ વધાર્યો અને આ વિતરણ માટે નવું સમીકરણ આપ્યું. મુક્તિના અંશ (degrees of freedom) વચ્ચે કણની ઊર્જાના સમવિભાજન(equipartition)નો નિયમ તેમણે વિકસાવ્યો. તે ઉપરાંત ઊર્જાનું કણો વચ્ચે થતું વિતરણ જાણવા માટેનો મૅક્સવેલ-બોલ્ટ્ઝમૅન વિતરણ નિયમ પણ તેમણે ઉપજાવ્યો.

1870માં બોલ્ટ્ઝમૅને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને પરમાણુઓની ગતિ માટે યાંત્રિકી અને સંભાવ્યતા સિદ્ધાંતના ઉપયોગ દ્વારા કેવી રીતે સમજાવી શકાય તે દર્શાવતા સંશોધનલેખોની શ્રેણી પ્રગટ કરી.

બોલ્ટ્ઝમૅને કણોની મોટી સંખ્યા માટે યાંત્રિકી (mechanics) અને સાંખ્યિકી(statistics)નો ઉપયોગ કરી ઉષ્મા અને એન્ટ્રોપીની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. 1877માં તેમણે જણાવ્યું કે પ્રણાલીની એન્ટ્રોપી (entropy) S એ સંભાવ્યતા (probability) W [અર્થાત્ જે અનેક રીતો વડે અથવા સૂક્ષ્મ અવસ્થા (microstates) વડે પ્રણાલી રચી શકાય તે સંખ્યા] સાથે સમીકરણ S = k ln W વડે સંકળાયેલી છે જ્યાં k એ બોલ્ટ્ઝમૅન અચળાંક છે.

(k = 1.38 x 10–23 JK1)

આ સમીકરણ બોલ્ટ્ઝમૅન-પ્લાંક અથવા ટૂંકમાં, બોલ્ટ્ઝમૅન સમીકરણ તરીકે ઓળખાય છે. શ્યામપિંડ વિકિરણ (black-body radiation) અંગેના સ્ટીફનના નિયમને નવી રીતે ઉપજાવવામાં તેમજ વીજચુંબકત્વમાં પણ તેમણે ફાળો આપ્યો છે.

તેમના આયુષ્ય દરમિયાન તેઓ વારેવારે ખિન્નતા (ઉદાસી) (depression)નો અનુભવ કરતા હતા. આમાં પરમાણુ-સિદ્ધાંતની ટીકા કરનારા તત્વચિંતકોનો પણ ફાળો હતો. તેમના સંશોધનકાર્યને સ્વીકૃતિ નથી મળતી તેવું લાગવાને લીધે ઍડ્રિયેટિક કિનારે રજાઓ ગાળવા ગયેલા ત્યારે તેમણે પોતાના જીવનનો અંત આણેલો.

જ. દા. તલાટી