બોરાલ, રાયચંદ (જ. 1903, કલકત્તા; અ. 1981, કલકત્તા) : હિંદી ચલચિત્રોના બંગાળી સંગીતકાર. પિતા લાલચંદ બોરાલ કલકત્તામાં 1927માં સ્થપાયેલી ઇંડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીમાં સંગીત-કાર્યક્રમોના નિર્માતા હતા. તેઓ ધ્રુપદ ગાયનમાં નિપુણ હતા એટલે રાયચંદનું ઘડતર બાળપણથી જ સંગીતના વાતાવરણમાં થયું. યુવાનવયે ન્યૂ થિયેટર્સમાં જોડાયા અને કલકત્તાની આ પ્રતિષ્ઠિત નિર્માણસંસ્થાનો પર્યાય બની રહ્યા. ચાલીસીના દાયકામાં તેઓ દેશભરમાં આગલી હરોળના સંગીતકાર રહ્યા. તેઓ ચિત્રપટ-વ્યવસાયમાં જોડાયા તે સમય મૂક ચિત્રોનો હતો. ત્યારે સંગીતને બેવડું કાર્ય બજાવવાનું હતું. મનોરંજન સાથે કથાનકનો ભાવ પણ અભિવ્યક્ત કરવાનો રહેતો હતો. 1931માં રાયચંદે ચારુ રાયના ‘ચોરકાંટા’માં તથા પ્રફુલ્લ રાયના ‘ચાશે રમેયે’માં સંગીત આપ્યું. આ સાથે જ તેઓ બંગાળાના ટોચના સંગીતકારનું સ્થાન પામ્યા. બીજા મહાન સંગીતકાર પંકજ મલ્લિક રવીન્દ્ર સંગીતના સમર્થક હોવાથી તેમના સંગીતમાં રવીન્દ્રની છાંટ અચૂક આવતી; જ્યારે રાયચંદજીએ ગઝલ-પ્રકારના હળવા અને ભાવપ્રધાન રાગો પસંદ કર્યા. પોતાને સંગીતકાર નહિ, પણ તબલાવાદક કહેવડાવતા હોવાથી તાલ અને લય તેમના સંગીતનાં મુખ્ય અંગો રહ્યાં. એમાંયે કુન્દનલાલ સાયગલ આવ્યા પછી જાણે રાયચંદજીના સંગીતને ભારતને ખૂણે ખૂણે પહોંચાડવાની વાહિની મળી. નીતિન બોઝના ‘ચંડીદાસ’માં સાયગલ અને ઉમા શશીનું ‘પ્રેમનગર મૈં બનાઉંગી ઘર મેં’ બરુઆના ‘દેવદાસ’માં ‘બાલમ આયે બસો મેરે મન મેં’ તથા ‘દુખ કે અબ દિન બિતત નાહિ’, ‘પ્રેસિડેન્ટ’માં ‘એક બંગલા બને ન્યારા…..’ ના સ્વરો આજે પણ કાનમાં ગુંજે છે. સાયગલના જ સ્વરમાં ફણી મઝુમદારના ‘સ્ટ્રીટસિંગર’નું ‘બાબુલ મોરા……..’ ચિત્ર- વિવેચકોના મતે હિંદી ચલચિત્રોનું આજ સુધીનું શ્રેષ્ઠ સર્જન છે. તેમના બીજા ઉત્તમ ગાયકોમાં પંકજ મલ્લિક પોતે તથા પહાડી સન્યાલ, કૃષ્ણચંદ્ર ડે, કાનનદેવી, નેમો અને લીલા દેસાઈથી માંડીને પાછલાં વર્ષોમાં તલત મહેમૂદ, હેમંતકુમાર તથા મહમ્મદ રફીએ પણ બોરાલના સંગીતમાં ગીતો ગાયાં. પંકજ મલ્લિક તેમના સહસંગીતકાર હતા, તો અનિલ બિશ્વાસ તેમના શિષ્ય હતા. ચિત્ર-ઉદ્યોગના કેન્દ્ર તરીકે મુંબઈનું મહત્વ વધતાં બંગાળના કલાકારો એક પછી એક મુંબઈમાં સ્થાયી થવા લાગ્યા. ન્યૂ થિયેટર્સનાં વળતાં પાણી થતાં રાયચંદજીએ નિવૃત્તિ લઈ લીધી.
નોંધપાત્ર ચિત્રો : 1931 : દેના પાઓના; 1932 : ચંડીદાસ (બંગાળી); 1933 : પૂરણ ભક્ત, મીરાંબાઈ / રાજરાણી મીરાં; 1934 : ચંડીદાસ (હિંદી); 1935 : દેવદાસ, ધૂપછાંવ / ભાગ્યચક્ર, ઇન્કિલાબ; 1936 : ગૃહદાહ / મંઝીલ, માયા; 1937 : અનાથ આશ્રમ, દીદી / પ્રેસિડેન્ટ, વિદ્યાપતિ; 1938 : અભિજ્ઞાન / અભાગિન, સ્ટ્રીટસિંગર / સાથી; 1939 : સાપુરે / સપેરા, જવાની કી રીત / પરાજય; રજત જયંતી; 1940 : અભિનેત્રી / હારજીત; 1941 : પરિચય / લગન; 1943 : વાપસ; 1944 : ઉદયેર પથેય / હમરાહી; 1946 : વિરાજ વહુ; 1948 : અંજનગઢ; 1950 : પહેલા આદમી; 1952 : મા; 1953 : શ્રી ચૈતન્ય મહાપ્રભુ; 1955 : અમર સાયગલ; સ્વામી વિવેકાનંદ.
પીયૂષ વ્યાસ
બંસીધર શુક્લ