બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન)

January, 2001

બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન) : H3BO3ની સૂત્રસંજ્ઞા ધરાવતો, મંદ અમ્લતા (acidic) ધરાવતો, સ્પર્શ દ્વારા સાબુ કે ચીકાશદ્રવ્ય (grease) જેવો લાગતો, કડવા સ્વાદવાળો તથા સફેદ ભૂકા કે મણિ જેવા પડળવાળા સ્ફટિકોના રૂપે જોવા મળતો પદાર્થ. તેને બોરાસિક ઍસિડ અથવા ઍૅસિડમ બોરિકમના નામે પણ ઓળખવામાં આવે છે. તે 25 ભાગ ઠંડા પાણી, 3 ભાગ ઊકળતા પાણી, 4 ભાગ ગ્લિસરીન અને 30 ભાગ આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તેના ભૂકા(ચૂર્ણ, powder)નો સૂક્ષ્મજીવનાશક તરીકે તથા સૌંદર્યપ્રસાધનોમાં મોઢા પર કે શરીર પર લગાવવાના સૌંદર્યચૂર્ણ (talcum powder) તરીકે ઉપયોગ કરાય છે. તેના વડે અનાજનું પરિરક્ષણ (preservation) કરાય છે. તેનાં દ્રાવણને આંખ માટે શાતાદાયી દ્રાવણ (collyrium) તરીકે વપરાય છે અને તેને ગ્લિસરીન સાથે ભેળવીને મોઢામાંના ન રૂઝતા ચાંદા પર લગાડાય છે. જોકે હાલ  તેમનો આવો ઔષધીય ઉપયોગ ઘણો ઘટ્યો છે. બૉરોન (B) તત્વનાં વિવિધ સંયોજનોથી થતી ઝેરી અસરને બૉરોનવિષાક્તતા (borism) કહે છે. તેના એક ક્ષારને સોડિયમ પાયરોબૉરેટ, સોડિયમ બાઇબૉરેટ અથવા સોડિયમ બૉરેટ કહે છે. તેનું રાસાયણિક સૂત્ર છે Na2B4O7,10H2O. તેને ભારતીય ભાષાઓમાં શોહાગ (shohaga) કે ટંકણખાર તરીકે ઓળખવામાં આવે છે. તે પારદર્શક, રંગવિહીન સ્ફટિકના રૂપે મળે છે અને  સહેજ ખારો અને સહેજ આલ્કેલાઇન સ્વાદ ધરાવે છે. તે 25 ભાગ ઠંડા પાણીમાં કે સમપ્રમાણ ગ્લિસરીનમાં દ્રાવ્ય છે. તે આલ્કોહૉલમાં ઓગળતો નથી.

ઝેરી અસરો અને સારવાર : બોરિક ઍસિડને ઝેરી માત્રામાં લેવામાં આવે ત્યારે અરુચિ(ભૂખ ન લાગવી), પેટના ઉપલા ભાગમાં દુખાવો, ઊબકા, ઊલટી, ઝાડા વગેરે થાય છે. ચામડી પર લાલ ચકામાં પડે છે. ક્યારેક કમળો, મગજનો સોજો, અતિઅમ્લતાવિકાર (acidosis), તાવ તથા અનિયમિત શ્વસનની તકલીફો ઉદભવે છે. પેશાબ બનતો ઘટે છે અથવા બંધ થઈ જાયછે. સ્નાયુમાં સંકોચનો થયાં કરે છે, ક્યારેક ખેંચ (આંચકી, તાણ) આવે છે. લોહીનું દબાણ ઘટી જાય છે. ક્યારેક મનોભ્રમ (hallucinations) તથા સનેપાત (delirium) થાય છે. જો તીવ્ર ઝેરી અસર થાય તો 3થી 4 દિવસમાં કે ક્યારેક તેનાથી પહેલાં મૃત્યુ નીપજે છે. પુખ્ત વયે 31 ગ્રામ અને બાળકોમાં 2.8 ગ્રામથી 5.7 ગ્રામની માત્રામાં બૉરેક્સ કે બૉરિક ઍસિડ લેવાય તો મૃત્યુ નીપજે છે; પરંતુ ક્યારેક તેથી ઓછી માત્રામાં લેવાતાં પણ મૃત્યુ થાય છે. તેની ઝેરી અસર થાય ત્યારે સારવાર માટે લીંબુ-પાણી કે કૅલ્શિયમ ક્લૉરાઇડના દ્રાવણ વડે જઠરને સાફ કરાય છે. અન્ય તકલીફો પ્રમાણે તેમની સારવાર કરાય છે. લોહીના દબાણને જાળવી રખાય છે. જરૂર પડ્યે ઑક્સિજન, શ્વાસોચ્છવાસની જાળવણી તથા મગજના સોજા માટેનો જરૂરી ઉપચાર કરાય છે. દર્દીના શરીરનું તાપમાન જાળવી રખાય છે. ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા જોવા મળે તો પરિતની પારગલન(peritoneal dialysis) કે વિનિમયકારી રુધિરપ્રતિસરણ(exchange transfusion)ની સારવાર અપાય છે. પેટના પોલાણમાં યોગ્ય માત્રામાં ક્ષારો અને પાણીનું મિશ્રણ નાંખીને તેને બહાર કાઢવામાં આવે તો તે સમયે લોહીમાંનાં ઝેરી દ્રવ્યોનું ગાળણ કરી શકાય છે. તેને પરિતની પારગલન કહે છે. દર્દીનું ઝેરયુક્ત લોહી નસ વાટે કાઢીને તેને બદલે રુધિરદાતાઓનું શુદ્ધ લોહી નસ વાટે અપાય તો તેને વિનિમયકારી રુધિરપ્રતિસરણ કહે છે.

ન્યાયસહાયક તબીબી વિદ્યા અંગેના વિશિષ્ટ મુદ્દા : બોરિક ઍસિડની ઝેરી અસરને કારણે જો મૃત્યુ થયેલું હોય તો જઠરની દીવાલમાં લોહીના ભરાવાને કારણે થતી રુધિરભારિતા(congestion)નાં ચિહ્નો જોવા મળે છે. તેને કારણે જઠરની શ્લેષ્મકલા(mucosa)માં ક્ષારણ (erosion) થયેલું હોય છે. મગજમાં સોજો આવેલો હોય છે, યકૃત અને મૂત્રપિંડમાં મેદીય અપજનન(fatty degeneration)ની વિકૃતિઓ તથા હૃદયના આવરણ(પરિહૃદ્કલા, pericardium)ની અંદરની સપાટી પર ચકામાં પડેલાં જોવા મળે છે. રાસાયણિક પૃથક્કરણની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા જઠરમાંના પ્રવાહી, પેશાબ તથા લોહીમાં જો બોરિક ઍસિડ હોય તો તે શોધી કાઢી શકાય છે. મુખમાર્ગે લેવાયા બાદ પ્રથમ 12 કલાક કે વધુ સમય માટે તે પેશાબમાં જોવા મળે છે. વિવિધ પ્રકારની વનસ્પતિજન્ય આહારી વસ્તુઓ(દા.ત., ફળો, સૂકો મેવો તથા ફળોના રસ)માં 0.003થી 01 %ના પ્રમાણમાં બોરિક ઍસિડ જોવા મળે છે એવું નોંધાયેલું છે. કેટલાક પ્રકારના દારૂ(wine)માં પણ તે હોય છે. તેનો ઉપયોગ સૂક્ષ્મજીવનાશક, અન્નપરિરક્ષક અને સૌંદર્યપ્રસાધન માટે વપરાતા પાઉડરમાં થાય છે. ક્યારેક અન્ય કોઈ દ્રવ્યને બદલે ભૂલમાં બોરિક ઍસિડનો ભૂકો વપરાયો હોય તેવા અકસ્માતો પણ નોંધાયેલા છે. આવા અકસ્માતો મોં વાટે લેવાતી દવાના રૂપમાં કે ખુલ્લા ઘાવ પર ચોપડાતી દવાના રૂપમાં પણ થયેલા છે.

શિલીન નં. શુક્લ