બૉરાજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં લગભગ 113 પ્રજાતિઓ અને 2,400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે ભૂમધ્યસમુદ્રીય પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 37 પ્રજાતિઓ અને 152 જાતિઓ થાય છે. તે પૈકી ગુજરાતમાં 5 પ્રજાતિઓ અને 19 જાતિઓ જોવા મળે છે. Cordia dichotoma Forst F. (મોટાં ગૂંદાં); Ehretia laevis Roxb. Trichodesma indicum R. Br. (ઊંધા ફલી); Myosotis scorpioides L. (Forget me not); Heliotropium(હાથીસૂંઢી)ની જાતિઓ અને Cynoglossum(લિચાર્ડા)ની જાતિઓ જાણીતી છે.

આ કુળની મોટાભાગની જાતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય હોય છે. બહુવર્ષાયુ જાતિઓ નીચેથી કાષ્ઠમય હોય છે. જોકે ઉષ્ણપ્રદેશમાં થતી Cordia, Tournefortia અને Ehretia વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપની હોય છે. તેનાં નાજુક અંગો ઘણુંખરું રુક્ષ (scabrous) કે ર્દઢલોમી (hispid) હોઈ સખત રોમ દ્વારા આવરિત હોય છે. આવા પ્રત્યેક રોમના તલસ્થ ભાગે સ્ફટિકપુંજ (cystolith) જેવી રચના હોય છે. પર્ણો સામાન્યત: સાદાં અને એકાંતરિક હોય છે; નીચેનાં પર્ણો ભાગ્યે જ ઉપસમ્મુખ (subopposite; દા.ત., Cordia) કે સમ્મુખ (trichodesma) હોય છે, તે મોટેભાગે અખંડિત, ખરબચડા રોમ વડે આચ્છાદિત અને અનુપપર્ણીય હોય છે. Pulmonaria અને Cynoglossumમાં સ્પષ્ટ વિષમપર્ણતા (heterophylly) જોવા મળે છે. તેઓમાં મૂળ પર્ણો અને સ્તંભિક (cauline) પર્ણો જુદાં જુદાં હોય છે. મૂળ પર્ણો સદંડી અને પહોળાં હોય છે; જ્યારે સ્તંભિક પર્ણો અદંડી અને સાંકડાં હોય છે. પુષ્પવિન્યાસ સરળ કે દ્વિશાખિત શૂકી અથવા કલગી કે ભાગ્યે જ એકાકી કક્ષીય પરિમિત (Trichodesma) હોય છે. કેટલીક જાતિઓમાં એકશાખી (monochasial), ઉભયતોવિકાસી (scorpoid) (Heliotropium) કે એકતોવિકાસી (helicoid); અથવા તોરો (corymb) કે સંયુક્ત કલગી (Cordia, Ehretia) પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.

પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી(hypogynous) અને પંચાવયવી હોય છે. ભાગ્યે જ Lycopsis અને Echium જેવી પ્રજાતિઓમાં અનિયમિત પુષ્પો જોવા મળે છે. કેટલીક વાર પુષ્પો બહુસંગમક (Polygamous) હોય છે. વજ્રપત્રો 5; કોરછાદી (imbricate) કે ભાગ્યે જ ધારાસ્પર્શી (valvate) અને દીર્ઘસ્થાયી (Persistent) કે વર્ધનશીલ (trichodesma) હોય છે. તેઓ તલપ્રદેશથી લગભગ મુક્ત કે સંલાગ (cohesion) પામી ટૂંકી (Heliotropium) કે લાંબી (Cordia) નલિકા બનાવે છે. દલપત્રો 5; ભાગ્યે જ 6થી 8; યુક્તદલપત્રી (gamopetalous) અને કલિકા-અવસ્થામાં વ્યાવૃત્ત (contorted) કે કોરછાદી (imbricate) હોય છે. તેના વિવિધ આકારો જોવા મળે છે; દા.ત., ચક્રાકાર (Trichodesma), નિવાપાકાર (Cyanoglossum), નલિકાકાર (Heliotropium). દલપુંજનલિકાના ગ્રીવાપ્રદેશમાં આવેલા પાંચ શલ્ક (scale) જેવા બહિરુદભેદો પુષ્પમુકુટ(corona)ની રચના બનાવે છે. પુંકેસરો 5, દલલગ્ન (epipetalous), દલપત્રો સાથે એકાંતરિક, સમાન અથવા ભાગ્યે જ અસમાન હોય છે. Boragoમાં તે પૃષ્ઠ બાજુ ઉપાંગીય (appendaged) હોય છે. પુંકેસરના તંતુઓ ટૂંકા હોય છે. પરાગાશયો વધતેઓછે અંશે રેખીય કે બાણાકાર; દ્વિખંડી હોય છે અને તલલગ્ન (basifixed) યોજી ધરાવે છે. તેમનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી (introse) રીતે થાય છે.

બૉરાજિનેસી : (અ) symphytum asperum : (અ1) પુષ્પીય શાખા; (અ2) પુષ્પવિન્યાસ; (અ3) પુષ્પ; (અ4) પુષ્પનો ઊભો છેદ; (અ5) પહોળો કરવામાં આવેલો દલપુંજ; (અ6) બીજાશય; (અ7) બીજાશયનો ઊભો છેદ. (આ) Anchusa azurea : (આ1) પુષ્પીય શાખા; (આ2) પુષ્પ; (આ3) કાષ્ઠફલિકા. (ઇ) Echium plantagineum : પુષ્પો. (ઈ) Heliotropium arborescens : (ઈ1) પુષ્પીય શાખા; (ઈ2) પુષ્પ; (ઈ3) સ્ત્રીકેસર ચક્ર; (ઈ4) સ્ત્રીકેસરચક્રનો ઊભો છેદ.

સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ અને દ્વિકોટરીય બીજાશય ધરાવે છે; જે કૂટપટ ઉદભવતાં ચતુષ્કોટરીય બને છે. પ્રત્યેક કોટરમાં એક કે બે અર્ધ-ઉન્નત (suberect) અંડક અક્ષવર્તી જરાયુવિન્યાસ પર ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની જાયાંગતલી (gynobasic) હોય છે અને બીજાશયના ખંડોની વચ્ચેના ખાડા જેવા ભાગમાંથી ઉદભવે છે. Cordiaમાં પરાગવાહિની અગ્રસ્થ અને દ્વિગુણિત દ્વિશાખિત (twice bifid) હોય છે. Anchusaમાં તે દ્વિશાખિત હોય છે. પરાગાસન સાદું કે ગોળાકાર હોય છે. બીજાશયના તલપ્રદેશે મધુગ્રંથિમય વલયાકાર બિંબ આવેલું હોય છે. Cordia, Ehretia અને Heliotropiumમાં અષ્ઠિલ ફળ હોય છે. ઘણુંખરું ફળ એકબીજમય કાષ્ઠફલિકા (nutlet) ધરાવતા ચાર ભાગોમાં વિભાજિત થયેલું અથવા અનષ્ઠિલ પ્રકારનું હોય છે. બીજ સીધાં કે ત્રાંસાં, ત્વચીય બીજાવરણ ધરાવતાં અને સામાન્યત: અભ્રૂણપોષી હોય છે. Heliotropiumમાં ભ્રૂણપોષ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. બીજમાં ભ્રૂણ સીધો કે વક્ર હોય છે.

પુષ્પીય સૂત્ર :

Heliotropium, Cynoglossum, Myosotis, Borago, Pulmonaria અને Echium જેવી કેટલીક પ્રજાતિઓની જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Ehretia acuminata R. Br. ઉદ્યાનોમાં કે રસ્તાની બંને બાજુએ વાવવામાં આવે છે. તેનું કાષ્ઠ રાચરચીલું અને કૃષિનાં સાધનો બનાવવામાં વપરાય છે અને પાકાં ફળો ખાદ્ય હોય છે. Cordia dichotoma Frost F.- (મોટાં ગૂંદાં)નાં કાચાં ફળોનો શાકભાજી તેમજ અથાણામાં ઉપયોગ થાય છે. Heliotropium indicum L. (હાથીસૂંઢી)નાં પર્ણો તાજા જખ્મો, શરીરનાં કળતર અને સોજા પર અને દુખતી આંખો પર વાટીને ચોપડવામાં આવે છે. H. strigosum willd. રેચક અને મૂત્રવર્ધક હોય છે. Coldenia Procumbens L. (ઓખરાડ) મેથી સાથે વાટી ગડગૂમડ પર ચોપડવાથી તુરત જ લોહી વિખેરી નાખી પરુ ખેંચી કાઢે છે. Cynoglossum denticulatumનાં મૂળ ફેફસાંનાં રક્તસ્રાવ, રુધિરનું દબાણ, ઝાડા, હડકાયા કૂતરાનું ઝેર, પ્રમેહ અને મૂત્રરોગ મટાડનાર છે. તેનાં પર્ણો બાફી પેટ પર બાંધવાથી જામી ગયેલો મળ છૂટો થઈ બહાર પડે છે. તેને તેલમાં ઉકાળી તે તેલ  માથા પર લગાવવાથી ખરી ગયેલા વાળ ઊગે છે અને દાઝ્યા પર પણ ચોપડવામાં આવે છે. Trichodesma indicum R. Br. (ઊંધા ફલી) તાવ, સર્પદંશ, શુષ્કગર્ભ, કોઢ, હૃદયરોગ, અજીર્ણ, મૂત્રરોગ અને પથરીના દુ:ખાવા પર અકસીર ગણાય છે.

ફળ અને પરાગવાહિનીને અનુલક્ષીને આ કુળ કૉર્ડિયોઇડી (cordia), ઇહરેશિયોઇડી (Ehretia), હેલિયોટ્રોપિયોઇડી (Heliotropium) અને બૉરેજિનોઇડી (Cyanoglossum)  એમ ચાર ઉપકુળોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બૅન્થમ, હૂકર અને તખ્તજાને આ કુળને પૉલિયૉનિયેલ્સ ગોત્રમાં મૂકેલું છે. એંગ્લર અને પ્રેન્ટલ તેને ટ્યૂબીફ્લોરીમાં મૂકે છે. હચિન્સને આ કુળને નવા અલગ ગોત્ર બોરેજિનેલ્સમાં સ્થાન આપ્યું છે; પરંતુ તેણે ઇહરેશિયેસીને વર્બિનેલ્સ ગોત્રમાં દર્શાવ્યું છે. જાયાંગતલી પરાગવાહિની અને ઊંડે સુધી છેદન પામેલી કાષ્ઠફલિકાઓ પ્રગતિકારક જાતિવિકાસીય લક્ષણો છે. આ લક્ષણો વર્બિનેસી અને લૅમિયેસી સાથે સામ્ય દર્શાવે છે. ત્રણેય કુળનાં આ લક્ષણો સ્વતંત્રપણે સમાન પૂર્વજમાંથી ઉદભવ્યાં હશે તેમ માનવામાં આવે છે.

યોગેશ ડબગર