બોરસદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. તે 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આજુબાજુનો આશરે 494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બોરસદનું પ્રાચીન નામ બદરસિદ્ધિ હતું, જે વાલ્મીકિ ઋષિના શિષ્ય બદરમુનિના નામ પરથી પડેલું. 1991માં તેની વસ્તી 4,21,040 જેટલી હતી. આ તાલુકામાં બોરસદ નગર ઉપરાંત 96 ગામો આવેલાં છે.

બોરસદ

સમગ્ર તાલુકો કાંપનું બનેલું સમતળ સપાટ મેદાન છે. અહીંની જમીનો ગોરાડુ પ્રકારની ફળદ્રૂપ છે. અહીંની મુખ્ય નદી મહી છે. તે બોરસદ તાલુકા અને વડોદરા જિલ્લાની સરહદે વહે છે. ભેટાસીથી કનકપુરા સુધીનાં 17 ગામો મહીના કાંઠે વસેલાં છે. આ તાલુકામાં જંગલ-વિસ્તાર નથી, પરંતુ ખેતરોના શેઢે તથા ગામોના ગોંદરે આંબો, લીમડો, વડ, બાવળ, ગાંડો બાવળ, બોરડી, આંબલી, ખીજડો જેવાં વૃક્ષો જોવા મળે છે. આ તાલુકામાં મોટી સંખ્યામાં કાંકરેજી ઓલાદની ગાયો અને સૂરતી ભેંસો તથા થોડા પ્રમાણમાં ઘેટાં-બકરાં જોવા મળે છે. અહીં 92 જેટલી દૂધમંડળીઓ દ્વારા દર વર્ષે આશરે 34 લાખ લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે. મહી નદીમાંથી દર વર્ષે હજારેક લોકો માછલીઓ પકડવાનો વ્યવસાય કરે છે. તાલુકાની આશરે 60,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. ડાંગર, બાજરી, જુવાર, કપાસ, તમાકુ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. મુખ્યત્વે કૂવા અને અંશત: નહેર દ્વારા સિંચાઈ થાય છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાના કેટલાક વિસ્તારોમાંથી ઈંટો માટેની માટી, મૂરમ, રેતી તથા કપચી થોડા પ્રમાણમાં મળે છે. તાલુકાના કેટલાક લોકો વેપાર, વાહનવ્યવહાર અને ઉદ્યોગોમાં પણ રોકાયેલા છે. બોરસદ ખાતે ઔદ્યોગિક વસાહતમાં 16 કારખાનાં છે. મોટાભાગના ઉદ્યોગો કપાસ અને તમાકુને લગતા છે. તે બધા બોરસદમાં કેન્દ્રિત થયેલા છે. તાલુકાનાં બધાં ગામોને વીજળીનો લાભ મળે છે.

તાલુકાની 4,21,040 જેટલી વસ્તી પૈકી 3,77,763 જેટલી વસ્તી ગ્રામીણ છે. બોરસદ શહેરની વસ્તી 43,277 જેટલી છે, જ્યારે તાલુકાનાં 23 જેટલાં ગામો 5,000થી વધુ વસ્તી ધરાવે છે. આ તાલુકામાં આવેલો વાસદ– કઠાણા રેલમાર્ગ 42 કિમી. લંબાઈનો છે, તેના પર બોરસદ, આંકલાવ વગેરે જેવાં આઠ રેલમથકો આવેલાં છે. સમગ્ર તાલુકામાં 439 કિમી.ના પાકા રસ્તા છે, જે ઇજનેરી ખાતા અને જિલ્લા પંચાયત હસ્તક છે. તે ઉપરાંત બોરસદ નગરપાલિકા હસ્તક 12 પાકા અને 60 કાચા રસ્તા પણ છે. તાલુકામાં 307 પ્રાથમિક શાળાઓ, 40 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 14 ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, બોરસદ તાલુકા પુસ્તકાલય તથા 80 ગ્રામ પુસ્તકાલયોની સગવડ છે.

બોરસદ (નગર) : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું તાલુકામથક. તે. 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. પર આવેલું છે. બદર(વદર) સિદ્ધિ તેનું પ્રાચીન નામ હોવા ઉપરાંત ‘પ્રભુતીર્થ’ નામ હોવાનો એક ઉલ્લેખ પણ વાવના લેખમાંથી મળે છે. તેના આધારે બોરસદ એક નાના ગામ તરીકે ઈ. પૂ. ચોથા સૈકા જેટલું પ્રાચીન હોવાનું મનાય છે.

આ નગરમાં કઠોળની બે મિલો, બરફનાં બે કારખાનાં, ત્રણ જિન-પ્રેસ તથા સાબુ, ખાતર અને પ્લાસ્ટિકની ફ્રેમનું એકેક કારખાનું આવેલાં છે. તમાકુઉદ્યોગ સાથે સંકળાયેલા બીડીના એકવીસ એકમો અને ખળીઓ છે. નગરમાં ચાર વાણિજ્ય બૅંકો, એક નાગરિક સહકારી બૅંક તથા છ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંકો આવેલી છે. અહીંનું ગાંધીગંજ મુખ્ય વેપારી કેન્દ્ર છે. તાલુકામથક હોઈને તે મહત્વનું ખરીદ-વેચાણ- કેન્દ્ર બની રહેલું છે.

આ નગરમાં 3 બાલમંદિરો, 12 પ્રાથમિક શાળાઓ, ત્રણ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ; વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણની કૉલેજો આવેલાં છે. 1860માં સ્થપાયેલા ખ્રિસ્તી દેવળ દ્વારા પ્રાથમિક શાળા તેમજ સ્ત્રી-અધ્યાપન-મંદિરનું સંચાલન થાય છે. અહીંના માણેકબાઈ સાર્વજનિક પુસ્તકાલય(વાચનાલય સહિત)માં વિવિધ વિષયોનાં ઘણાં પુસ્તકો છે. નગરની મોટાભાગની વસ્તી અક્ષરજ્ઞાન ધરાવે છે.

આ નગરમાં 1532માં બંધાયેલી વાવના ગવાક્ષો(ગોખલાઓ)માં સુંદર કોતરકામવાળી મૂર્તિઓ જોવા મળે છે. નગરમાં પંચમુખી મહાદેવ, રોકડિયા હનુમાન, નારાયણદેવ, તોરણમાતા, ત્રણ શિવમંદિરો, રામજીમંદિર, ચાર જૈન મંદિરો, આઠ મસ્જિદો અને 12 દરગાહો છે.

બોરસદના પ્રાચીન નામ બદર(વદર)સિદ્ધિ તરીકેનો પ્રથમ ઉપલબ્ધ ઉલ્લેખ રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ પ્રભૂતવર્ષના ઈ. સ. 813નાં અને ધ્રુવ બીજાના 835નાં દાનશાસનોમાંથી મળે છે. રાષ્ટ્રકૂટ વંશના શાસન બાદ લાટનો આ પ્રદેશ સોલંકી વંશ નીચે આવતાં બોરસદ તેમના અધિકાર હેઠળ આવ્યું હતું. તે પછીથી તે ગુજરાતના સુલતાનો અને મુઘલ શાસન હેઠળ આવેલું. અકબરે મીરઝા અઝીઝ કોકાને બોરસદનો સૂબો નીમ્યો હતો. મરાઠા શાસન દરમિયાન ગાયકવાડ દામાજીરાવ બીજાએ 1716માં રંગોજીને બોરસદનો હાકેમ બનાવ્યો હતો. તેણે 1741માં અહીં કિલ્લો બંધાવ્યો હતો. તે પછી ખંડેરાવે બોરસદ જીતીને રંગોજીને કેદમાં નાખ્યો હતો. 1756માં ખંભાતના નવાબ મોમિનખાને તેને જીતવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ગાયકવાડે ખેડા જિલ્લો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સહાયકારી યોજના–1803 અને 1817ની સંધિ મુજબ સોંપી દેતાં આખોય પ્રદેશ અંગ્રેજોના શાસન હેઠળ આવ્યો હતો.

1922–23 દરમિયાન બહારવટિયા બાબર દેવાને અહીંના લોકો મદદ કરી રહ્યા છે એવો આક્ષેપ મૂકીને સરકારે પ્રજા પર ‘હૈડિયાવેરો’ (શિક્ષાત્મક વેરો) નાખ્યો હતો. ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિએ લોકોને આ વેરો ન ભરવો એવી સલાહ આપી હતી. જપ્તી, દંડ વગેરે જેવી સજા વહોરીને લોકોએ સત્યાગ્રહ કરતાં છેવટે સરકારે સમાધાન કર્યું હતું. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ મીઠાના અસહ્ય વેરા સામે સત્યાગ્રહ કરવા નક્કી કર્યું હતું. બોરસદ તાલુકાના બાદલપુર ગામે સત્યાગ્રહ કરવાની યોજના ઘડાઈ હતી. દાંડીકૂચમાં બોરસદના સત્યાગ્રહીઓ જોડાયા હતા. 1942ની ‘ભારત છોડો’ લડતમાં બોરસદ તાલુકાના લોકોએ ભાગ લીધો હતો. 1947માં બોરસદ સત્યાગ્રહના સ્મરણાર્થે સત્યાગ્રહ છાવણીનું મકાન બંધાયું હતું. હાલ તેનો છાત્રાલય તરીકે ઉપયોગ થાય છે. સત્યાગ્રહની ચળવળ દરમિયાન વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, મદનમોહન માલવિયા, રાજેન્દ્રપ્રસાદ, અબ્દુલ ગફારખાન અને ગાંધીજી વગેરેએ બોરસદની મુલાકાત લીધી હતી. સરકારને છેવટે આ ચળવળમાં નમતું જોખવું પડ્યું હતું.

શિવપ્રસાદ રાજગોર