બોરસદ સત્યાગ્રહ (1923) : બહારવટિયાઓને પકડવા માટે વધારાની પોલીસનું ખર્ચ વસૂલ કરવા નાખેલા કર સામેની લડત. ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં બાબર દેવા, તેનો ભાઈ ડાભલો, અલી અને બીજા બહારવટિયા લૂંટ, ખૂન તથા અપહરણ કરીને લોકો ઉપર ત્રાસ ગુજારતા હતા. બાતમી આપનારને તેઓ મારી નાખતા. સરકાર એ ત્રાસ દૂર કરી શકી નહિ. લોકો બહારવટિયાઓને આશ્રય આપે છે, તેથી તેઓ પકડાતા નથી એવો આક્ષેપ કરી, તેમને પકડવા ખાસ પોલીસની ટુકડી રાખવાનું ઠરાવી, તેના ખર્ચના રૂપિયા 2,40,074નો વેરો બોરસદ તાલુકાનાં બધાં અને આણંદ તાલુકાનાં અમુક ગામો પાસેથી વસૂલ કરવાનું સરકારે નક્કી કર્યું. પુખ્ત વયનાં બધાં સ્ત્રી-પુરુષો પાસેથી રૂપિયા 2 રૂ. 7 આનાનો વેરો લેવાનું નક્કી કર્યું. લોકોએ તેને ‘હૈડિયા વેરો’ નામ આપ્યું.

ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિને લાગ્યું કે આ અન્યાયી કર સામે લડવું જોઈએ. વલ્લભભાઈ પટેલની સૂચનાથી મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજે ગામેગામ ફરીને પ્રાંતિક સમિતિ સમક્ષ નિવેદન રજૂ કર્યું કે પ્રજા સંપૂર્ણપણે આપણી સાથે છે. બીજે દિવસે 2 ડિસેમ્બર 1923ના રોજ બોરસદ તાલુકાની પરિષદમાં વલ્લભભાઈએ લડત શરૂ થયાની જાહેરાત કરી.

મોહનલાલ પંડ્યા આ લડતના સેનાપતિ અને ગોપાળદાસ દેસાઈ સંગ્રામ-સમિતિના પ્રમુખ નિમાયા. દરબારસાહેબે બોરસદનું સત્યાગ્રહ-છાવણીનું મુખ્ય મથક સંભાળ્યું. બીજા કાર્યકરો જુદાં જુદાં 18 થાણાંઓ પર ગોઠવાઈ ગયા. મોહનલાલ પંડ્યાએ બધાં થાણાં પર સ્વયંસેવકો ગોઠવી દીધા. જપ્તીઓ સામે રક્ષણ કરવાની સૂચના સ્વયંસેવકો પ્રજાને આપતા. પોલીસના દબાણથી લોકો વેરો ભરે નહિ એ સ્વયંસેવકોએ ધ્યાન રાખવાનું હતું. દરેક છાવણીએ બોરસદની છાવણીને પોલીસે કરેલી જપ્તીઓ તથા કનડગતોનો હેવાલ મોકલવાનો હતો. લોકોમાં લડતનો જુસ્સો ટકી રહે, તે માટે બોરસદની છાવણીથી પ્રગટ થતી સત્યાગ્રહ-પત્રિકાઓ દ્વારા પ્રજાની રંજાડ અને સરકારની વ્યૂહરચના જાહેર કરવામાં આવતી અને તેનો સામનો કરવાના ઉપાયો જણાવી પ્રજાને સચેત રાખવામાં આવતી.

સરકારે નજીવી રકમ માટે ભેંસો, ઘરની કીમતી ચીજવસ્તુઓ અને જમીનો પણ જપ્ત કરી. જપ્ત કરેલો માલ કોઈ ખરીદતું નહિ. તાલુકાની પ્રજામાં સંપ અને એકરાગ અપૂર્વ હતો. જપ્તીઓની પીડા ટાળવા પરોઢ થતાં અગાઉ લોકો ખેતરોમાં ચાલ્યા જતા અને સાંજ પડે ત્યારે ઘેર આવતા. બોરસદનાં ગામોમાં ત્યારે બજારો પણ રાત્રે ભરાતાં.

વલ્લભભાઈ પટેલ, દરબારસાહેબ, અબ્બાસ તૈયબજી, ભક્તિબા દેસાઈ વગેરે આગેવાનો ગામેગામ ઘૂમતા, સભાઓ ભરતા, લડતની સમજ આપતા અને ખુવાર થનારને આશ્વાસન આપતા.

બહારવટિયાઓને પકડવા માટે જે વધારાની પોલીસ મૂકવામાં આવી હતી તેનો વધારાનો કર વસૂલ કરવા ઉપયોગ કરવો પડ્યો; તેમ છતાં સરકારે નવ સો રૂપિયાની રકમ કર પેટે મેળવી અને જપ્તીના માલની હરાજીમાંથી વીસ હજાર રૂપિયાની રકમ મેળવી. આમ કરતાં સરકારને કરની આવક કરતાં ખર્ચ વધુ કરવું પડ્યું.

લોકોએ આરોપ મૂક્યો કે પોલીસે બહારવટિયાને હથિયાર પૂરાં પાડ્યાં હતાં. સરદાર પટેલે મુંબઈમાં ભાષણમાં  જણાવ્યું કે સરકાર બહારવટિયાની સાથી છે. મુંબઈ ઇલાકાના નવા ગવર્નર લેસ્લી વિલ્સને ગૃહખાતાના સભ્યને બોરસદ મોકલ્યા. તેમના હેવાલના આધારે સરકારે જાહેર કર્યું કે ‘…… વધારાનો કર લોકોને પાછો આપી દેવાને માટે સબળ કારણ છે.’ આમ પ્રજા ઉપરનો કર માફ થયો, વસૂલ થયેલો દંડ અને જપ્ત કરેલો  માલ પાછો આપવાનું અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે પોતે ભોગવવાનું ઠરાવ્યું. સરકારે ખુલ્લા દિલથી પોતાની ભૂલ સ્વીકારી. આમ સરકારનો અને પ્રજાનો બંનેનો વિજય થયો. તાલુકાની પ્રજાએ ગામેગામ સભાઓ ભરી ધામધૂમથી વિજયની ઉજવણી કરી. ગાંધીજી આ લડત દરમિયાન જેલમાં હોવાથી માત્ર સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ આ સત્યાગ્રહ થયો હતો. આ લડત 2 ડિસેમ્બર, 1923ના રોજ શરૂ થઈ અને 8 જાન્યુઆરી, 1924ના રોજ પૂરી થઈ એટલે ફક્ત છત્રીસ દિવસ ચાલી; તેથી તે ‘ક્ષિપ્રવિજયી સત્યાગ્રહ’ કહેવાય છે.

જયકુમાર ર. શુક્લ