બોધિવૃક્ષ : બુદ્ધને જેની નીચે જ્ઞાન થયેલું તે, ગયા શહેરથી 11 કિમી. દૂર આવેલું બૌદ્ધધર્મીઓએ અત્યંત પવિત્ર ગણેલું વૃક્ષ. બુદ્ધની મૂર્તિની પૂજા સ્થવિરવાદને માન્ય નહિ હોવાથી તેને બદલે અમુક પ્રતીકો જેવાં કે ધર્મચક્ર, બોધિવૃક્ષ, સ્તૂપ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા કરવાની શરૂઆત થઈ. બોધિવૃક્ષ (પીપળાનું ઝાડ) નીચે બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે દિવસે પણ વૈશાખ માસની પૂર્ણિમા હતી. સુજાતા નામે એક કુલીન કન્યાએ ગૌતમ બુદ્ધને ભિક્ષામાં ખીર પીરસી. નિરંજના નદીને તીરે ખીરનું ભોજન કરી તેઓ પીપળાના વૃક્ષ નીચે ગયા. ત્યાં ધ્યાન ધરવાની તૈયારી કરી, પરંતુ ધ્યાનમાર્ગમાં તેમને માર નામની આસુરી શક્તિ સાથે સંઘર્ષ કરવાનો પ્રસંગ ઊભો થયો. માર સાથે યુદ્ધ શરૂ થયું, જેમાં મારનો સંપૂર્ણ પરાજય થયો અને બુદ્ધની જીત થઈ. તેમનું ચિત્ત નિર્મળ થયું. તેમને પરમજ્ઞાન (સંબોધિ) પ્રાપ્ત થયું. તે બુદ્ધ બન્યા.
ગયાના મહાબોધિમંદિરના પશ્ચિમના પ્રાંગણમાં આ બોધિવૃક્ષ છે. આ જગાએ પાંચમી સદીમાં ફાહિયાન નામનો ચીની મુસાફર ગયો ત્યારે ગયા નદી સુકાયેલી હોવાની નોંધ તેણે કરી છે; જ્યારે સાતમી સદીમાં યુઆન શ્વાંગ ગયો ત્યારે ત્યાં સમૃદ્ધ નગરી હોવાની નોંધ તેણે કરી છે. એ વૃક્ષ નીચે મોટા ઓટલા પર લાલ શિલાનો એક
ખંડ છે, જેને બુદ્ધનું વજ્રાસન માનવામાં આવે છે. બૌદ્ધ પરંપરા મુજબ બોધિવૃક્ષ અનેક વાર ઉચ્છેદાયું અને ફરી વાર ત્યાં સ્થાપવામાં આવ્યું છે. યુઆન શ્વાંગે પણ એવું જણાવ્યું છે. બૌદ્ધધર્મીઓ તેને અતિપવિત્ર વૃક્ષ માને છે અને તેની પૂજા કરે છે. હિંદુ પુરાણોમાં પણ આ બોધિવૃક્ષનો મહિમા ગાવામાં આવ્યો છે. વાયુપુરાણ તથા અગ્નિપુરાણમાં બુદ્ધ-ગયા(બિહાર)નું માહાત્મ્ય દર્શાવેલું છે. અગ્નિપુરાણ મુજબ મહાબોધિતરુને નમસ્કાર કરવાથી ધાર્મિક વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. એવું એક પણ પુરાણ નથી જેમાં બુદ્ધને નમસ્કાર ન કરવામાં આવ્યા હોય. આ બોધિવૃક્ષની પશ્ચિમે એક શિલા બુદ્ધના પગની છાપ ધરાવે છે. ત્યાં બુદ્ધમૂર્તિ પણ છે.
અશોકના શિલાલેખોમાં શ્રીલંકાનો ઉલ્લેખ તામ્રપર્ણીદ્વીપના નામે થયો છે. પરંપરાનુસાર બુદ્ધપરિનિર્વાણના વર્ષમાં લાટદેશ(દક્ષિણ ગુજરાત)માંથી વિજયસિંહ પોતાના મિત્રો સાથે શ્રીલંકા પહોંચેલો. ત્યારબાદ લગભગ બસો વર્ષે અશોકનો પુત્ર મહેન્દ્ર (ભિક્ષુ) અને તેની પુત્રી સંઘમિત્રા (ભિક્ષુણી) સૌપ્રથમ ધર્મના પ્રચારકાર્ય માટે શ્રીલંકા ગયેલાં ત્યારે તેમની સાથે ત્રિપિટકો તથા પવિત્ર બોધિવૃક્ષની ડાળખી પણ લઈ ગયેલાં. તેમણે ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ભાવિ બુદ્ધોને પણ આ બોધિવૃક્ષ નીચે જ જ્ઞાન થશે એવી માન્યતા બૌદ્ધ ધર્મમાં પ્રચલિત છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ