બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે.

પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે પણ ઊભું છે. સમ્રાટ અશોકે (ઈ. પૂ. 268–231) એમાંની એક ડાળીને શ્રીલંકા મોકલીને ત્યાં રોપાવી હતી. એણે બોધિવૃક્ષનું જતન કેવી રીતે કરેલું તેનું નિરૂપણ અમરાવતી અને સાંચીનાં શિલ્પોમાં અંકિત થયું છે. બોધિવૃક્ષની નીચે વજ્રાસન સ્થાપેલું છે, જેનો વારંવાર પુનરુદ્ધાર થયેલો છે. અશોકે અહીં બોધિગૃહ કરાવીને તેને ફરતી ઈંટોની વેદિકા કરાવેલી. શુંગકાલ(ઈ. પૂ. પહેલી સદી)માં ઈંટોને સ્થાને પથ્થરની સુંદર વેદિકા કરવામાં આવી. તેનો થોડો ભાગ આજે પણ મોજૂદ છે અને તેના બાકીના અવશેષો કૉલકાતાના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત છે. વેદિકાની ઊભી થાંભલીઓમાં વચ્ચે વચ્ચે મૂકેલ વૃત્તાકાર ચકતીઓ(medallions)માં બોધિવૃક્ષ કે ધર્મચક્રની પૂજા, બુદ્ધનો જન્મ, મંદિરો, રાજમહેલો, સ્તૂપ (બુદ્ધનું મહાપરિનિર્વાણસૂચક સ્તૂપ) વગેરેનાં આલેખનો ખાસ ધ્યાન ખેંચે છે. એમાં જેતવનનો પ્રસંગ પણ અંકિત થયો છે.

બોધિગૃહને સ્થાને આજે ભવ્ય બોધિમંદિર ઊભેલું છે, જેને બૌદ્ધ ધર્મમાં બોધિસ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ગુપ્તકાલમાં સંભવત: નરસિંહગુપ્ત બાલાદિત્યના સમય(496–520)માં બંધાયું હોવાનું જણાય છે. પાછળથી તેમાં અનેક વાર પુનરુદ્ધાર થતા રહ્યા. યુઆન શ્વાંગે સાતમી સદીમાં આ સ્થાનની યાત્રા કરી અને તેનું વિગતવાર વર્ણન કર્યું છે. તે પરથી જણાય છે કે મંદિરની મૂળભૂત રચના પછીના પુનરુદ્ધાર વખતે યથાવત્ રખાઈ છે. મંદિરનું છેવટનું સ્વરૂપ ઈ. સ. 1035થી 1079 દરમિયાન અપાયું છે.

બોધિમંદિર, બોધિગયા

વર્તમાન મંદિર 16 મીટર સમચોરસ અને 6.5 મીટરની ઊંચાઈ ધરાવતી મહાપીઠ પર ઊભું છે. મધ્યમાં લગભગ 52 મીટર ઊંચા પિરામિડ ઘાટનું શિખર અને ચારેય ખૂણે તેની પ્રતિકૃતિ જેવાં નાનાં કદનાં શિખરો દ્વારા મંદિરને પંચાયતન સ્વરૂપ અપાયું છે. શિખરમાં ગવાક્ષોની આડી હરોળો દ્વારા મજલાઓની મનોહર રચનાઓ કરેલી છે. આમાં ઘણા ગવાક્ષોમાં બુદ્ધની સુંદર મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. મંદિર પૂર્વાભિમુખ છે અને પૂર્વ તરફના પ્રવેશમાં હવાઉજાસ માટે વિશાળ ચૈત્યાકાર વાતાયન કરવામાં આવેલું છે. ગર્ભગૃહમાં વજ્રાસન પર બુદ્ધની બેઠેલી પ્રતિમાનાં દર્શન થાય છે.

મંદિરની ઉત્તરમાં એક વિહાર અને દક્ષિણમાં અલંકૃત તોરણ છે. મંદિરના પ્રાંગણમાં બોધિવૃક્ષની નિકટ તેમજ સમગ્ર પરિસરમાં માનતાના સંખ્યાબંધ નાના નાના સ્તૂપો કરેલા છે. વળી અહીં માનતા માટેની તકતીઓ મૂકેલી જોવામાં આવે છે. તેમના પરના લેખો પરથી જણાય છે કે આ તીર્થમાં સમગ્ર એશિયામાંથી યાત્રાળુઓ આવતા હતા. અહીંથી ચીની યાત્રીઓએ ચીની ભાષામાં કોતરાવેલા શિલાલેખો મળી આવ્યા છે તે ભારે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

અહીંના સંગ્રહસ્થાનમાં બૌદ્ધ ધર્મના જુદા જુદા પ્રકારના અવશેષો જળવાયેલા જોવા મળે છે. બોધિગયા મગધ યુનિવર્સિટીનું મથક છે.

ગિરીશભાઈ પંડ્યા

પ્રવીણચંદ્ર પરીખ