બોઝ, રાસબિહારી (જ. 25 મે 1886, પરલા-બિગાતી, જિ. હૂગલી, પશ્ચિમ બંગાળ; અ. 21 જાન્યુઆરી 1945, ટોકિયો, જાપાન) : ભારતના જાણીતા ક્રાંતિકારી. રાસબિહારીના પિતા વિનોદબિહારી બસુ સિમલાના સરકારી મુદ્રણાલયમાં નોકરી કરતા હતા. રાસબિહારીએ પ્રાથમિક શિક્ષણ પોતાના દાદા કાલીચરણ સાથે રહીને ચન્દ્રનગરમાં લીધું. ચન્દ્રનગરમાં તેઓ યુગાન્તર જૂથના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. એમના પિતાએ દહેરાદૂનના ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાર્કની નોકરી અપાવી. આ દરમિયાન તેઓ પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા બંગાળના ક્રાંતિકારીઓ સાથે ગુપ્ત સંપર્ક રાખતા. આ રાજ્યોમાં જુદાં જુદાં સ્થળોએ ગુપ્ત પ્રવૃત્તિ ચલાવવા તેમણે કેન્દ્રો સ્થાપ્યાં અને બસન્તકુમાર બિશ્વાસ, વિષ્ણુ ગણેશ પિંગળે, માસ્ટર અમીરચંદ, અવધબિહારી, સચીન્દ્રનાથ સાન્યાલ, બાલમુકુન્દ, દામોદર સ્વરૂપ, કરતારસિંહ, કુંવર પ્રતાપસિંહ અને વિનાયકરાવ કપલે જેવા જાણીતા ક્રાંતિકારોની મોટી સંખ્યામાં તેમણે ભરતી કરી. ભારતના વાઇસરૉય લૉર્ડ હાર્ડિંજ દિલ્હીમાં સરઘસાકારે 23 ડિસેમ્બર, 1912ના રોજ પ્રવેશે ત્યારે તેમના ઉપર બૉંબ નાખવાની તેમણે યોજના ઘડી. અમરેન્દ્રનાથ પાસે બાબ મંગાવ્યા અને ચાંદની ચોકમાંથી વાઇસરૉયની સવારી પસાર થતી હતી ત્યારે બસન્ત બિશ્વાસે બાબ નાખ્યો. તે વખતે રાસબિહારી તેની સાથે હતા. તેઓ તરત દહેરાદૂન જઈને પોતાની નોકરીમાં જોડાઈ ગયા. પોલીસ તેમને પકડવાની છે તેની જાણ થતાં ગુપ્ત રહેવા લાગ્યા. વારાણસીમાં ગુપ્ત રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે માર્ગદર્શન આપવા લાગ્યા. સરકારને બે વર્ષ સુધી બૉંબ નાખનારાની માહિતી મળી નહિ. દિલ્હીમાં દીનાનાથ પકડાયા બાદ તેણે બધી માહિતી જણાવી દીધી.
રાસબિહારી વેશપલટો કરીને પંજાબ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના સંકલન માટે પ્રવાસ કરવા લાગ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થયા બાદ યુરોપમાં રહેતા ભારતીય ક્રાંતિકારોએ જર્મનીની સહાય લઈને ભારતમાં બળવો કરવાની યોજના ઘડી. અમેરિકાથી ભારત આવેલા ગદરપક્ષના આશરે 4,000 શીખ સભ્યોની તથા બ્રિટિશ હિંદ સેનાની અનેક રેજિમેન્ટોની સહાય વડે સમગ્ર ઉત્તર ભારતમાં એકસાથે બળવો કરવાની રાસબિહારીએ યોજના ઘડી. તેમાં સચીન્દ્ર સાન્યાલ, પિંગળે, જતીન મુખરજી વગેરે ભાગ લેવાના હતા. રાસબિહારીના માર્ગદર્શન મુજબ ઉપર્યુક્ત ક્રાંતિકારોએ અલાહાબાદ, વારાણસી, રામનગર, જબલપુર, લાહોર, અંબાલા, મેરઠ વગેરે નગરોમાં આવેલા કૅન્ટોન્મેન્ટના ભારતીય સૈનિકોમાં સ્વતંત્રતાનો સંદેશો ફેલાવ્યો. અનેક રાષ્ટ્રભક્તોની એક જીવંત કડી તેમણે બંગાળથી પંજાબ સુધી સર્જી. વ્યૂહાત્મક સ્થળોએ સંદેશાવ્યવહાર કાપી નાખી, બ્રિટિશ સૈનિકોને અંકુશમાં લઈ સત્તા કબજે કરવાની યોજના હતી; પરંતુ કિરપાલસિંગ નામનો પોલીસનો સાથીદાર ક્રાંતિકારોમાં જોડાયો હતો. તેણે પોલીસને યોજના જણાવી દીધી. સરકારે એકદમ કેટલીક ટુકડીઓનું સ્થળાંતર કર્યું અને મોટી સંખ્યામાં ક્રાંતિકારોની ધરપકડ કરી. રાસબિહારી ગુપ્ત રીતે નાસી ગયા. તેમનો મહત્વનો સાથીદાર વિષ્ણુ ગણેશ પિંગળે મેરઠની છાવણીમાંથી 23 માર્ચ, 1915ના રોજ કેટલાક બૉંબ સાથે પકડાયો. લાહોર કાવતરા કેસમાં પકડાયેલામાંથી 28 જાણીતા ક્રાંતિકારોને ફાંસી આપવામાં આવી અને બીજા ઘણાને આજીવન કેદની સજા થઈ.
રાસબિહારીને પકડવા મોટું ઇનામ જાહેર થયું. તેમના મિત્રોએ જાપાનની ટિકિટની વ્યવસ્થા કરી. પી. એન. ઠાકુરના નામનો પાસપૉર્ટ કઢાવી તેઓ જૂન 1915માં સ્ટીમર દ્વારા જાપાન ગયા. જાપાન વિશ્વયુદ્ધમાં બ્રિટનનું સાથી રાષ્ટ્ર હોવાથી તેમની ધરપકડ કરવા રાજકીય દબાણ કરવામાં આવ્યું. તેમને ધરપકડથી બચાવવા તોયામા નામના જાણીતા જાપાની નાગરિકે જોખમ વેઠીને પોતાને ત્યાં ગુપ્ત રાખ્યા. આ દરમિયાન બ્રિટિશ યુદ્ધજહાજે જાપાની જહાજ પર હુમલો કરવાથી, તેમના સંબંધો બગડ્યા અને રાસબિહારીની ધરપકડનો હુકમ રદ થયો. તેમણે તોસિકો સોમા સાથે લગ્ન કર્યાં અને જાપાનના નાગરિક બન્યા. તેમણે સામયિકો અને પત્રિકાઓ પ્રગટ કરીને ભારતની સ્વતંત્રતા માટેનું કાર્ય ચાલુ રાખ્યું. 1926માં તેમણે એશિયન એકતા માટે પ્રયાસો આદરી, અગ્નિ એશિયાના પ્રતિનિધિઓની સભા બોલાવી. 1933માં તેમણે એશિયન વિદ્યાર્થીઓ માટે તોકિયોમાં હૉસ્ટેલ સ્થાપી. તેમણે ઇન્ડો-જાપાની મૈત્રીમંડળ સ્થાપી બંને પ્રજાઓ વચ્ચે સુમેળ સ્થાપવા પ્રયાસ કર્યો. તેઓ ‘ન્યૂ એશિયા’ના તંત્રી હતા અને ‘એશિયન રિવ્યૂ’ના સંપાદકમંડળમાં હતા. તેમણે માર્ચ 1942માં ટોકિયોમાં અગ્નિ એશિયાના દેશોમાં વસતા ભારતીયોની એક પરિષદ ભરી. તેમાં નિર્ણય કર્યા મુજબ થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની પ્રથમ પરિષદ જૂન 1942માં તેમના પ્રમુખપદે મળી. તેમાં ઠરાવ કર્યો કે સુભાષચન્દ્ર બોઝને જર્મનીમાંથી અગ્નિ એશિયાના દેશોના ભારતીયોનું નેતૃત્વ લેવા બોલાવવા. તેમણે યુદ્ધકેદી કૅપ્ટન મોહનસિંહની આગેવાની હેઠળ આઝાદ હિંદ ફોજની રચના કરી. જૂન 1943માં સુભાષચન્દ્ર બોઝ ત્યાં આવ્યા ત્યારે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, આઝાદ હિંદ ફોજ તથા અગ્નિ-એશિયાના ભારતીયોની આગેવાની રાસબિહારીએ તેમને સોંપી દીધી. જાપાની શહેનશાહે ‘સેકન્ડ ઑર્ડર ઑવ્ મેરિટ ઑવ્ ધ રાઇઝિંગ સન’નો ખિતાબ અને ચંદ્રક રાસબિહારીને હૉસ્પિટલમાં માંદગી દરમિયાન અર્પણ કર્યા. એમણે લખેલાં પુસ્તકોમાં ‘ઇન્ડિયા ઑપ્રેસ્ડ’, ‘વિટ ઍન્ડ હ્યૂમર ઑવ્ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ક્રાઇંગ’ વગેરેનો સમાવેશ થાય છે.
જાપાનના નિવાસ દરમિયાન તેઓ ચીનની ક્રાંતિના નેતા ડૉ. સુન-યાત સેનને મળ્યા હતા અને ભારત સંપૂર્ણ સ્વતંત્ર થાય તે પછી દુનિયાના દેશોમાંથી સામ્રાજ્યવાદ અને ઉગ્રવાદની નાબૂદી અંગે પોતાના વિચારો જણાવ્યા હતા.
જયકુમાર ર. શુક્લ