ચુરુ : રાજસ્થાનનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 45’ ઉ. અ. અને 74° 50’ પૂ. રે.. જિલ્લાનું ક્ષેત્રફળ 16,830 કિમી. છે. રાજસ્થાનના કુલ ક્ષેત્રફળનો તે 4.91% જેટલો ભાગ છે.
ચુરુની પૂર્વ દિશાએ ઝુનઝુન અને સિકર જિલ્લા, પશ્ચિમ દિશાએ બિકાનેર, ઉત્તર દિશાએ હનુમાનગઢ, અગ્નિ દિશામાં સિકર અને દક્ષિણે નાગોર જિલ્લો છે. જેનો વિસ્તાર 16,830 ચોકિમી છે.
અરવલ્લીની ગિરિમાળાની પશ્ચિમે આવેલ ચુરુ જિલ્લાનો ઈશાન ખૂણાનો ભાગ અર્ધવેરાન છે, જ્યારે નૈર્ઋત્ય ખૂણે આવેલો ભાગ વેરાન છે. આખો જિલ્લો રેતીયુક્ત શુષ્ક મેદાન છે. આ રણ જેવા પ્રદેશમાં રેતીના ઢૂવા છે. હવાનાં તોફાનો સાથે ઢૂવાની રેતી એક જગ્યાથી બીજી જગ્યાએ ઊડીને જાય છે.
સમુદ્ર દૂર હોવાથી અહીં વિષમ આબોહવા છે. ઉનાળામાં સરેરાશ ગરમી 41° સે.થી 48° સે. રહે છે. શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન 6° સે. રહે છે. ઉનાળા અને શિયાળાના તાપમાનમાં 42° સે. જેટલો મોટો તફાવત રહે છે. તે પ્રમાણે રાત્રિ અને દિવસ વચ્ચેના તાપમાનમાં પણ વધારે તફાવત રહે છે. એક માસમાં ચાર વાર વંટોળિયાને કારણે રેતીની આંધી આવે છે. દર 3 વરસે અહીં અર્ધદુકાળ અને 8 વરસે સંપૂર્ણ દુકાળ પડે છે. સરેરાશ વરસાદ 250 મિમી. પડે છે. હવા સૂકી અને ગરમ છે. ભેજનું પ્રમાણ ચોમાસામાં ઓછું હોય છે.
રણ અને અર્ધરણ જેવા વિસ્તારમાં કાંટાવાળી તથા ઊંડા મૂળવાળી વનસ્પતિ અને ઘાસ જોવા મળે છે. કેરડા, બાવળ, ગાંડોબાવળ, ફોગડો, લાણા અને અરણીનાં કાંટાળાં વૃક્ષો જોવા મળે છે.
અહીં નાની નદી કટલી સિવાય અન્ય નદીઓ કે તળાવો નથી. માત્ર 500 કૂવા છે, જેનાં તળ ખૂબ ઊંડાં છે. અહીં 80% વિસ્તારમાં બાજરીનો પાક લેવાય છે. આ સિવાય મગ, મઠ, જુવાર, એરંડા વગેરેના પાકો છે. શિયાળામાં પાણીની સગવડ હોય ત્યાં ઘઉં વવાય છે.
આ જિલ્લામાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા વગેરે પ્રાણીઓ છે. ગાય અને બળદ વગેરે બધાં પ્રાણીઓની સંખ્યા રાજસ્થાનના કુલ ઢોરના 18.21% જેટલી છે. ગાયો રાઠી, કાંકરેજી, સાચોરી અને થરપારકર ઓલાદની છે. જ્યારે ઘેટાં મારવાડી, જેસલમેરી અને બિકાનેરી ઓલાદનાં છે. બકરાં જમનાપુરી, બડવારી વગેરે ઓલાદનાં છે. ચુરુનું ઊન શ્રેષ્ઠ ગણાય છે. ઘેટું વરસ દરમિયાન 2 કિગ્રા. ઊન આપે છે, જે ગાલીચા માટે તથા ધાબળા બનાવવા વપરાય છે. કેટલુંક ઊન બેડી બંદર મારફત નિકાસ થાય છે. જંગલી પ્રાણીઓ પૈકી કાળિયાર મૃગોની 500 જેટલી સંખ્યા છે. દર વરસે સાચોર, નાગોર વગેરે નજીકના જિલ્લામાં પશુના વેચાણ માટે પશુમેળા યોજાય છે.
આ જિલ્લામાં 104 કિમી. વિસ્તારમાં ચિરોડીનું ખનિજ મળી આવેલ છે. આ સિવાય ચૂનાખડકો, રેતીખડકો, પોટૅશિયમ નાઇટ્રેટ વગેરે ખનિજો મળે છે. ત્યાં તાંબાનું ખનિજ હોવાની શોધ થઈ છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. 400 ત્રાકવાળી ઊન વણવાની એક મિલ છે. જિલ્લાની 2022માં 22,90,083 વસ્તી આશરે છે. 2020ના આધારકાર્ડ મુજબ. સ્ત્રીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું છે.
ચુરુ જિલ્લામથક અને વેપારીકેન્દ્ર છે. 1620માં એક જાટ સરદારે ચુરુની સ્થાપના કરી હતી. ચુરુ અનાજ, ઊન, કઠોળ, ઢોર અને મીઠાના વેચાણ માટેનું કેન્દ્ર છે. હાથસાળ કાપડ, ખજૂરીનાં દોરડાં, ચટાઈ, સાવરણી, માટીનાં વાસણો અને ચામડાની વસ્તુઓ બનાવવાના ગૃહઉદ્યોગો છે. ચુરુ રેલવે તથા જમીનમાર્ગ દ્વારા બિકાનેર, રતનગઢ, સિકર, જયપુર, જોધપુર અને દિલ્હી સાથે જોડાયેલું છે. ચુરુ સિવાય સરદારગઢ, રતનગઢ, સુજાનગઢ અને સાદુલપુર અન્ય શહેરો છે. જિલ્લામાં ઊંટ વાહનવ્યવહારનું મુખ્ય સાધન છે.
નાથજીનો ધોરો, માતજીનો કમરો, હનુમાન મંદિર, શેઠાણીની મૈહડ આ શહેરનાં જોવાલાયક સ્થળો છે.
શંકરલાલ ત્રિવેદી
શિવપ્રસાદ રાજગોર