બેલોપેરોન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. મોટાભાગની જાતિઓ આછા પાતળા છાંયડામાં નાના છોડ સ્વરૂપે થાય છે અને મોટા છોડની નીચે ઉપક્ષુપ (undershrub) તરીકે રોપવામાં આવે છે. આ બધી જાતિઓને બારેમાસ પુષ્પો બેસે છે. તેમની જાતિ અનુસાર પુષ્પોના રંગમાં વૈવિધ્ય હોય છે. તેની કેટલીક મુખ્ય જાતિઓ નીચે પ્રમાણે છે :

Beloperone amherstae : તે 0.5મી. થી 0.75 મી. ઊંચાઈ ધરાવે છે. પર્ણો 5થી 7 સેમી. લાંબાં અને 2થી 4 સેમી. પહોળાં, લંબગોળાકાર અને લીલાંછમ હોય છે. પુષ્પો 2 સેમી. થી 3 સેમી. લાંબાં, સફેદ અને ભૂંગળી આકારનાં હોય છે. તેની પર જાંબલી રંગની છાંટ હોય છે. વજ્ર (calyx) કથ્થાઈ-ગુલાબી રંગનું હોવાથી પુષ્પો વધારે સુંદર લાગે છે. તેનું પ્રસર્જન કટકારોપણ કે દાબકલમ દ્વારા કરવામાં આવે છે. તેને કૂંડામાં પણ ઉછેરી શકાય છે.

B. guttata : આ જાતિ લગભગ 0.5 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેનાં પર્ણો B. amherstae કરતાં નાનાં, લંબગોળાકાર અને ચળકતાં લીલા રંગનાં હોય છે. પુષ્પો 2 સેમી. થી 3 સેમી. લાંબાં અને આછા ગુલાબી કે પીળાશ પડતા રંગનાં હોય છે. તે બારેમાસ થતાં હોવા છતાં ચોમાસામાં વધારે પ્રમાણમાં થાય છે. તેનું પ્રસર્જન દાબકલમ દ્વારા કરવામાં આવે છે.

B. oblongata syn B. crytan thera (shrimp plant) : તે લગભગ 1.0 મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. પર્ણો મધ્યમ કદનાં અને લંબગોળાકાર હોય છે. પર્ણદંડની નજીકથી ગુલાબી રંગનાં સાધારણ મોટાં પુષ્પો બારેમાસ સારા પ્રમાણમાં આવે છે. તેનું પ્રસર્જન બીજ અને કટકારોપણથી થાય છે.

B. nemorosa : આ જાતિ 0.5 મી. કરતાં સહેજ ઊંચી હોય છે. પુષ્પો સફેદ રંગનાં થાય છે. પણ તે ખાસ આકર્ષક હોતાં નથી; છતાં તેનું વજ્ર ગુલાબી રંગનું અને સુંદર હોય છે. પુષ્પનિર્માણ બારેમાસ થાય છે. તેને કૂંડાના છોડ તરીકે પણ સારી રીતે ઉછેરી શકાય છે. પ્રસર્જન કટકારોપણ દ્વારા કરવામાં આવે છે.

મ. ઝ. શાહ