બૅલૉટો, બર્નાર્ડો

January, 2000

બૅલૉટો, બર્નાર્ડો (જ. 1721, વેનિસ, ઇટાલી; અ. 1780, વૉર્સો, પોલૅન્ડ) : પ્રસિદ્ધ ઇટાલિયન ચિત્રકાર. વેનિસ અને લંડનનાં નગરચિત્રો આલેખી વિખ્યાત બનેલ ચિત્રકાર કૅનેલેટૉના તેઓ શિષ્ય અને ભત્રીજા હતા.

વેનિસનાં નગરચિત્રો આલેખીને બૅલૉટોએ ચિત્રકામનો આરંભ કર્યો. 1747માં ડ્રેસ્ડન નગરના તે રાજવી ચિત્રકાર નિમાયા અને તેથી તે વેનિસ છોડી ડ્રેસ્ડનમાં સ્થાયી થયા. ડ્રેસ્ડનનાં અસંખ્ય નગરચિત્રો તેમણે તૈયાર કર્યાં અને તે યુરોપભરમાં પ્રતિષ્ઠા પામ્યાં. નગરચિત્રોમાં સ્થાપત્ય, રસ્તા, ચોક ઇત્યાદિ વિગતોની વચ્ચે તેમણે માનવજીવનનું પણ આલેખન કર્યું. 1770માં પોલૅન્ડના રાજા સ્ટૅનિસ્લો બીજાએ બૅલૉટોની પોતાના ચિત્રકાર તરીકે નિમણૂક કરી. આ પછી તેમણે વૉર્સોનાં નગરચિત્રોનું આલેખન કર્યું.

બૅલૉટોનાં ચિત્રો વૉર્સો ઉપરાંત વિયેના તથા ડ્રેસ્ડનનાં મ્યુઝિયમોમાં પ્રદર્શિત થયેલાં છે.

અમિતાભ મડિયા