બેલો, સૉલ (જ. 10 જૂન 1915, લેશિન, ક્વિબેક, કૅનેડા) : નોબેલ પુરસ્કાર(1976)ના વિજેતા અમેરિકન નવલકથાકાર. માતાપિતા રશિયન-યહૂદી. તેમણે 1913માં રશિયામાંથી કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે સ્થળાંતર કર્યું.  નવ વર્ષના સૉલને લઈને માબાપ શિકાગોમાં સ્થાયી થયાં. પરિવારની ભાષા યિડિશ હતી. 22 વર્ષની ઉંમરે સ્નાતકની ઉપાધિ મેળવી. અધ્યાપનની સાથે સાહિત્યોપાસના. પ્રિન્સ્ટનની યુનિવર્સિટી ઑવ્ મિનિયૅસોટા, ન્યૂયૉર્ક યુનિવર્સિટી, બાર્ડ કૉલેજ, યુનિવર્સિટી ઑવ્ શિકાગો, નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑવ્ વિસ્કૉન્સિનમાં અધ્યાપન. મૂળ જીવ સાહિત્યનો એટલે સર્જનની લગની શરૂઆતથી જ. ‘ડગલિંગ મૅન’ (1944) પ્રથમ નવલકથા. સ્વરૂપ રોજનીશીનું. નાયક સ્વમુખે આત્મવૃત્તાંત આલેખે તેવી પ્રથમ પુરુષ

સૉલ બેલો

એકવચન પદ્ધતિનો ઉપયોગ લેખક આ નવલકથામાં કરે છે. ‘ધ વિક્ટિમ’ (1947) એકમેકના આક્રમણનો ભોગ બનતાં યહૂદી અને પરધર્મીના વૈમનસ્યની કથા છે. ‘ધી ઍડ્વેન્ચર્સ ઑવ્ ઑગી માર્ચ’ (1953) નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ (1954) મળ્યો હતો. હાસ્યપ્રસંગોથી ભરપૂર અને શિકાગોના તત્કાલીન સમાજમાં પ્રગતિનો પંથ પકડવા ખૂબ મથામણ કરતા એક ગરીબ યહૂદી યુવાનની આ અજીબ દાસ્તાન છે. સૌપ્રથમ આ નવલકથામાં બેલોએ શિષ્ટ શૈલીથી તદ્દન વિરુદ્ધની એવી  રસળતી શૈલીનું નિરૂપણ કર્યું છે.

‘હેંડરસન ધ રેઇન કિંગ’ (1959) એક ભેજાગેપ કરોડાધિપતિની આફ્રિકાખંડની રઝળપાટની સાહસિક (picaresque) પ્રકારની નવલકથા છે. ‘સીઝ ધ ડે’ (1956) ટૂંકી નવલકથા છે. ‘હઝૉર્ગ’(1964)ને માટે બેલોને નૅશનલ બુક ઍવૉર્ડ (1965) એનાયત થયો હતો. તે પ્રમાણે ‘મિસ્ટર સૅમ્લર્સ પ્લૅનેટ’ (1970) માટે લેખકને તે જ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા (1971). ‘હંબોલ્ટ્સ ગિફ્ટ’(1975)ને માટે તેમને 1976નું પુલિટ્ઝર પ્રાઇઝ આપવામાં આવ્યું. ‘ધ ડીન્સ ડિસેમ્બર’ (1982) બે નગરોની કથા છે. તેનો નાયક આલ્બર્ટ કૉર્ડ, બુખારેસ્ટમાં જીવનના છેલ્લા શ્વાસ લેતી સાસુની ખબર કાઢવા જાય છે. બેલોની અન્ય કૃતિઓની જેમ આમાં પણ ભવિષ્યવાણીનો સ્પષ્ટ સૂર સંભળાય છે. આ નવલકથાઓના નાયકો બુદ્ધિશાળી યહૂદીઓ છે. આજુબાજુના વાસ્તવવાદીઓનું ડહાપણ તેમના નિર્ણયોમાં ભળે છે ત્યારે એક પ્રકારની નવી સમજણ આવે છે. પાત્રાલેખનની કળામાં બેલોનું આ મૌલિક પ્રદાન છે. ‘મોસ્બિઝ મેમ્વાર્સ’ (1968) અને ‘હિમ વિથ હિઝ ફુટ ઇન હિઝ માઉથ’ (1984) ટૂંકી વાર્તાના સંગ્રહો છે. ‘ધ લાસ્ટ એનૅલિસિસ’ (1964) હાસ્યપ્રધાન નાટક છે. ‘ટુ જેરૂસલેમ ઍન્ડ બૅક’ (1976) લેખકે કરેલ ઇઝરાયલના પ્રવાસની ચિંતનાત્મક કથા છે. ‘મોર ડાય ઑવ્ હાર્ટબ્રેક’ (1987) મધ્યપશ્ચિમ અમેરિકાની પશ્ચાદભૂમિકામાં લખાયેલ નવલકથા છે. ‘ઇટ ઑલ ઍડ્ઝ અપ’ (1994) તેમનો નિબંધ- સંગ્રહ છે.

પંકજ જ. સોની

વિ. પ્ર. ત્રિવેદી