આર્થિક ભૂગોળ : માનવીની આર્થિક પ્રવૃત્તિ પર પર્યાવરણની અસરનો અભ્યાસ દર્શાવતી ભૂગોળની એક શાખા. વિભિન્ન સ્થળકાળમાં પ્રવર્તતાં માનવજીવનનાં સામ્યભેદનું તેમજ વિવિધ પ્રદેશોની પ્રજાના આર્થિક જીવનની ભિન્ન ભિન્ન ભાતોનું વિશ્લેષણ ભૂગોળની આ શાખા દ્વારા થાય છે. મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર તેના પર્યાવરણની મોટી અસર પડે છે. વિવિધ વ્યવસાયો અને તેમનું મહત્ત્વ પર્યાવરણમાં થતા ફેરફારને લીધે બદલાય છે. સંપત્તિનાં ઉત્પાદન, વિનિમય અને વપરાશ પરત્વે જોવા મળતી ભિન્નતા અને સમરૂપતાનો અભ્યાસ આર્થિક ભૂગોળના ક્ષેત્રમાં આવે છે.
પર્યાવરણ બે ભાગમાં વહેંચાયેલું છે : ભૌતિક અને સાંસ્કૃતિક. વિવિધ પાક લેવાની પદ્ધતિ જમીનના પ્રકાર, પાણી, ભૂપૃષ્ઠ અને આબોહવાની પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. પર્યાવરણનાં ભૌતિક તત્વો માણસની આર્થિક પ્રવૃત્તિ પર સીધી અને તાત્કાલિક અસર પાડે છે.
બીજી તરફ કોઈ એક સ્થળની આર્થિક પ્રવૃત્તિની અમુક પ્રકારની ઢબ અને આર્થિક વૃદ્ધિની ઝડપ કેટલેક અંશે સાંસ્કૃતિક પર્યાવરણનાં તત્વો સાથે પણ સંબંધિત હોય છે. આમાં વસ્તીની ગીચતા, જાતિવિષયક લક્ષણો, ઐતિહાસિક પાર્શ્વભૂમિકા, આર્થિક સ્થિતિ, સમાજના તકનીકી વિકાસનો તબક્કો અને તેનો રાજકીય દરજ્જો તથા સ્થિરતા વગેરેનો સમાવેશ થાય છે. તેમની અસર ઓછી કે ક્યારેક પરોક્ષ જણાય તોપણ આ પરિબળો પણ ઘણાં મહત્વનાં છે. આમ આર્થિક ભૂગોળ દ્વારા મનુષ્યના ભૌતિક અને સાંસ્કૃતિક માળખામાં તેની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ થઈ શકે છે. આથી ઘણી વાર એમ કહેવામાં આવે છે કે પૃથ્વી મનુષ્યને શું આપે છે અને તે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનો અભ્યાસ આર્થિક ભૂગોળ કરે છે.
અભ્યાસની પદ્ધતિઓ : કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ (1) ક્યાં થાય છે, (2) તેનાં લક્ષણો કયાં કયાં છે અને (3) બીજી કઈ બાબતો તેની સાથે સંકળાયેલી છે એ ત્રણ પ્રશ્નોના જવાબ મેળવવાનું કામ આર્થિક ભૂગોળનું છે. આ માટે તેમાં કેટલાક નાના પ્રશ્નોનો પણ અભ્યાસ થાય છે; જેવા કે, કોઈ એક વસ્તુ અમુક સ્થળે જ ઉત્પન્ન કેમ થાય છે ? એ જ્યાં ઉત્પન્ન થાય છે અને જેવી રીતે ઉત્પન્ન થાય છે તેનાં પરિણામો કયાં આવે છે ? એ સ્થળે એની પોતાની લાક્ષણિકતા એણે કેવી રીતે ઊભી કરી ? બીજી ઉત્પન્ન થતી વસ્તુઓ સાથેનો તેનો સંબંધ કેવો છે ? એક જ પ્રદેશની અંદર અને વિભિન્ન પ્રદેશોની વચ્ચેના સંબંધો કેવા છે ? પ્રદેશનાં સાંસ્કૃતિક અને ભૌતિક પરિબળો વચ્ચેના સંબંધો કેવા છે ? વગેરે. આર્થિક ભૂગોળમાં આ બધી બાબતોના અભ્યાસ માટે મુખ્યત્વે નીચેની ત્રણ પદ્ધતિઓ છે :
(1) પ્રાદેશિક પદ્ધતિ : આ પદ્ધતિ અન્વયે સમગ્ર જગત, કોઈ ભૂમિખંડ કે દેશ અથવા પ્રદેશને અનેક ભૂઆર્થિક(geoeconomic) પ્રદેશોમાં વહેંચવામાં આવે છે. મોટે ભાગે સરખી આબોહવા ધરાવતા અને સરખી પ્રાકૃતિક રચના ધરાવતા પ્રદેશોમાં એકસમાન આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળે છે. એટલે જે તે પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ કેટલે અંશે તેની ભૌગોલિક સ્થિતિ પર નિર્ભર છે તે જાણી શકાય છે. આ પદ્ધતિનો મહત્વનો લાભ એ છે કે તેના અભ્યાસ હેઠળના કોઈ એક પ્રાદેશિક એકમની અંદરના વિવિધ વિસ્તારોની ભૂઆર્થિક પરિસ્થિતિ અને તેમની વચ્ચેના આંતરસંબંધો જાણી શકાય છે તેમજ પ્રાદેશિક વિશેષતા અને તેની આંતરિક એકતા સમજી શકાય છે.
(2) વિષયપદ્ધતિ : આ પદ્ધતિ દ્વારા કોઈ એક વસ્તુ, પેદાશ કે ઉત્પાદન અથવા કોઈ વિશિષ્ટ આર્થિક પ્રવૃત્તિ નક્કી કરવામાં આવે છે અને તેને એ પ્રદેશની આર્થિક તથા ભૌગોલિક પરિસ્થિતિના સંદર્ભમાં ચર્ચવામાં આવે છે. આથી આ પદ્ધતિમાં બે અભિગમ આપોઆપ જ ઊભા થાય છે : (અ) વસ્તુ-અભિગમ : કોઈ એક વસ્તુનું ઉત્પાદન, ઉપયોગો, વિનિમય અને ઉપભોગ ક્યાં, કેવી રીતે અને કયા હેતુસર થાય છે અને ભવિષ્યમાં તે કયા પ્રદેશોમાં થઈ શકે તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેને અંગેનાં આર્થિક તથા ભૌગોલિક પાસાંની સકારણ સવિસ્તર ચર્ચા થાય છે. વસ્તુના ઉત્પાદનનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, તેનો વિકાસ અને ઉત્પાદનની પદ્ધતિની ચર્ચા પણ આ પદ્ધતિથી કરી શકાય છે. ઉત્પાદનની જાળવણીની પદ્ધતિઓ, એની સમયમર્યાદા અને તેની પાછળનું અર્થકારણ, વસ્તુમાંથી મળતી આડપેદાશો અને તેમની ઉત્પાદનશક્યતાઓ, બજારમાં તે પહોંચાડવા માટે જરૂરી વાહન-વ્યવહારની સગવડો અને તેનું ખર્ચ, અને અંતે વસ્તુની વપરાશ સાથે સંકળાયેલી બજારની કેટલીક ખાસિયતોને પણ આ અભિગમમાં સાંકળી લેવામાં આવે છે. (આ) પ્રવૃત્તિ-અભિગમ : તે વ્યાપક ક્ષેત્ર ધરાવે છે. તેમાં કોઈ એક વસ્તુની આર્થિક પ્રવૃત્તિની સાથે સંકળાયેલી અન્ય આર્થિક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે.
(3) સૈદ્ધાંતિક પદ્ધતિ : વસ્તુના કે પ્રવૃત્તિના અભિગમ અન્વયે તારવવામાં આવેલા કેટલાક નિયમોને આ પદ્ધતિ હેઠળ વધુ મહત્વ આપવામાં આવે છે. આ નિયમો સાર્વત્રિક હોતા નથી, પરંતુ અન્યત્ર એવી જ પરિસ્થિતિ હેઠળ થતી આર્થિક પ્રવૃત્તિ કે વસ્તુના ઉત્પાદનની આડે આવતી ભૌગોલિક કે આર્થિક મર્યાદાઓના વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડતાં એમની સત્યાસત્યતા લગભગ જળવાઈ રહે છે. મનુષ્ય તકનીકી વિકાસને કારણે જોઈતી ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. પરંતુ આવી માનવસર્જિત પરિસ્થિતિ હેઠળનું ઉત્પાદન કે પ્રવૃત્તિ આર્થિક રીતે મોટે ભાગે ફાયદાકારક રહેતાં નથી. આથી પ્રકૃતિગત ભૌગોલિક પરિસ્થિતિમાંથી નિર્માતાં પરિબળો જ આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે એ સિદ્ધાંત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ભારે ઉત્પાદનખર્ચ, પરિવહનખર્ચ, અત્યંત દૂરનાં સંભવિત બજારક્ષેત્રો જેવાં આર્થિક નિયંત્રક પરિબળોને પણ આ સૈદ્ધાંતિક પદ્ધતિ હેઠળ પ્રાધાન્ય મળે છે. વસ્તુના કે પ્રવૃત્તિના અભિગમ અન્વયે તારવેલા નિયમો કાયમી ન હોઈ શકે, જ્યારે સૈદ્ધાંતિક પદ્ધતિ હેઠળ આર્થિક અને ભૌગોલિક મર્યાદાઓ વિશે તારવવામાં આવેલા નિયમો વધુ નક્કર ભૂમિકાવાળા અને મહદંશે સમયથી પર હોય છે. વળી તેનો વત્તેઓછે અંશે વ્યવહારુ ઉપયોગ પણ થઈ શકે છે.
ગતિશીલ સ્વરૂપ : કુદરતી સાધનો બધાં જ સમય માટે સ્થિર રહેતાં નથી. એ જ રીતે માનવીની કુશળતા અને કામની ઢબ પણ યથાવત્ રહેતી નથી. મનુષ્ય હંમેશાં તેના કામની પદ્ધતિઓમાં સુધારો કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે. આથી આર્થિક ભૂગોળનું સ્વરૂપ અનિવાર્ય તથા ગતિશીલ બને છે. આ ગતિશીલતાનાં કારણો અને તેની આર્થિક પ્રવૃત્તિઓ પરની અસરોનો અભ્યાસ આર્થિક ભૂગોળ કરે છે એટલે તેનું આંતરિક શાસ્ત્રીય સ્વરૂપ પણ ગતિશીલ બને છે.
આર્થિક પ્રવૃત્તિઓ અને ભૌગોલિક પરિસ્થિતિનાં પરિબળો વચ્ચે પ્રગાઢ સંબંધ છે. નવી શોધખોળો કે નવાં સાધનોના ઉપયોગથી બદલાતી પરિસ્થિતિ એક તરફ ઉત્પાદનખર્ચ કે પરિવહનખર્ચ નીચાં લાવે છે તો બીજી તરફ આમ ન થવા દેવામાં અવરોધક ભૌગોલિક પરિસ્થિતિનાં પરિબળોનું પુનર્મૂલ્યાંકન થાય છે. પરિણામે આર્થિક ભૂગોળને આ પરિવર્તન પામતી અથવા સતત ગતિશીલ રહેતી સ્થિતિનો અભ્યાસ કરવાની ફરજ પડે છે.
આ ગતિશીલતા સમય, સ્થળ અને મનુષ્યના પ્રયાસો પર આધાર રાખે છે. કોઈ એક વિસ્તાર, પ્રદેશ કે દેશ તેની આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી બદલે છે તેની પાછળ જેમ કુદરતી સાધનોનો ફાળો હોય છે, એમ માનવીના પ્રયાસોનો પણ ફાળો હોય છે, સંપત્તિવાન પ્રદેશની આર્થિક પ્રવૃત્તિઓની ગતિશીલતા એ પ્રદેશમાંની પ્રજાની કુશળતા, દૃષ્ટિ, અભિગમ અને સંનિષ્ઠ પ્રયાસો પર આધાર રાખે છે. ઉત્પાદનની પદ્ધતિઓમાં ફેરફાર કરવા કેટલા પ્રયાસો કરવામાં આવે છે તેના પર પ્રાપ્ય સંપત્તિના કાર્યક્ષમ ઉપયોગનો આધાર રહે છે. આ સંદર્ભમાં પણ આર્થિક ભૂગોળ તેની ગતિશીલતા તપાસે છે.
હેમન્તકુમાર શાહ