આર્થિક પદ્ધતિ

January, 2002

આર્થિક પદ્ધતિ : કોઈ પણ સમાજના પાયાના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટેની વ્યવસ્થા. દરેક સમાજને અર્થક્ષેત્રે ત્રણ પાયાના પ્રશ્નો ઉકેલવાના હોય છે :

(1) કઈ વસ્તુઓ કેટલા જથ્થામાં ઉત્પન્ન કરવી તે. દા.ત., અન્ન ઉત્પન્ન કરવું કે કાપડ ? થોડુંક વધારે અન્ન કે થોડુંક વધારે કાપડ ? અન્ન અને કાપડ આજે વધારે ઉત્પન્ન કરવું કે ભવિષ્યમાં થોડુંક વધારે ઉત્પન્ન કરવું ?

(2) ઉત્પાદન કઈ પદ્ધતિ દ્વારા કેવી રીતે કરવું ? ઉત્પાદન કોણ કરશે ? શિકાર કોણ કરશે અને માછલાં કોણ પકડશે ? વીજળીનું ઉત્પાદન કોલસા દ્વારા, પાણી દ્વારા કે અણુશક્તિ દ્વારા કરવું ? નાના પાયા પર કરવું કે મોટા પાયા પર ? આધુનિક યંત્રો દ્વારા કરવું કે પરંપરાગત પદ્ધતિ દ્વારા ? શ્રમનો વધુ ઉપયોગ કરવો કે મૂડીનો ?

(3) ઉત્પાદન કોના માટે કરવું ? છેવટે ઉત્પન્ન થતી વસ્તુઓ કોના સંતોષ માટે વપરાશે ? કોણ ઉપયોગ કરશે ? બીજા શબ્દોમાં, સમાજે કરેલું ઉત્પાદન કેવી રીતે વહેંચાશે ? કયાં કુટુંબોને પહોંચશે ? થોડાક શ્રીમંતો માટે ઉત્પાદન થશે કે અસંખ્ય ગરીબો માટે ? વધુ સમાન રીતે વહેંચણી થશે ?

જો સમાજ પાસેનાં સાધનો અમર્યાદિત હોય એને પરિણામે દરેક વસ્તુ અમર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત હોય તો ઉપરના ત્રણ પાયાના પ્રશ્નો રહે જ નહિ. કોઈ પણ વસ્તુનું ગમે તેટલા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે અને અછત રહે નહિ. ચીજવસ્તુઓની અછત ન રહે તેથી તેનો ‘આર્થિક સંદર્ભ’ ન રહે. પરિણામે તેમની કરકસરનો પ્રશ્ન રહે નહિ.

વાસ્તવમાં દરેક સમાજને અછતની સમસ્યાનો સામનો કરવો જ પડે છે. હાલના તબક્કે દરેક સમાજમાં વધુ સારો ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આનંદપ્રમોદ માટેની માંગ તેમના પ્રાપ્ત પુરવઠા કરતાં ઘણી વધારે હોય છે. પ્રાપ્ત સાધનો વડે માનવીની બધી જ જરૂરિયાતો સંતોષી શકાતી નથી. તેથી અછતની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પદ્ધતિઓ પ્રયોજવામાં આવે છે. ઉત્પાદનનાં સાધનોની અછત છે એટલું જ નહિ, પણ તેમનો વૈકલ્પિક ઉપયોગ શક્ય છે તેથી, નિર્ધારિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે સાધનોનો કરકસરથી ઉપયોગ થવો આવશ્યક છે. આ માટે કેટલીક વ્યવસ્થાઓ સર્જવી પડે છે. આર્થિક પદ્ધતિ આવી વ્યવસ્થાઓ કે પ્રયુક્તિઓનો સરવાળો છે, જેના દ્વારા લોકોની (એટલે કે સમાજની) આર્થિક પસંદગીઓને અસરકારક બનાવી શકાય. આ અર્થમાં, આર્થિક પદ્ધતિ સમાજે પોતાનાં સાધનોના ઉપયોગ દ્વારા જરૂરિયાતો સંતોષવા માટે સ્વીકારેલી સંસ્થાઓની બનેલી હોય છે. આ સંસ્થાઓની રચનામાં જે તે સમાજે સેવેલાં આદર્શો અને મહત્વાકાંક્ષાઓ, પરંપરાગત વિચારસરણી, કુદરતી સાધનોની પ્રાપ્તિ અને ભૂતકાળની ભૂલોમાંથી મળેલા અનુભવો મહત્વનો ભાગ ભજવે છે.

કાર્ય : આર્થિક પદ્ધતિનું કાર્ય આર્થિક નિર્ણયો લેનાર વ્યક્તિઓ કે એકમો નક્કી કરી આપવાનું અને અસંખ્ય વ્યક્તિઓ કે ઉત્પાદન એકમોના નિર્ણયો વચ્ચે સંવાદિતા સ્થાપવાનું છે. અગ્રતાક્રમ નક્કી કરવો, ઉત્પાદનનાં સાધનોની ઇષ્ટ ફાળવણી કરવી, ઉત્પાદિત વસ્તુઓની ન્યાયી વહેંચણી કરી આપવી અને ભવિષ્યના વિકાસ માટે સાધનોની જોગવાઈ કરી આપવી વગેરે કાર્યો પણ આર્થિક પદ્ધતિએ બજાવવાનાં હોય છે.

પ્રકારો : આર્થિક પદ્ધતિના પ્રકારો બે રીતે પાડી શકાય :

(1) વિવિધ એકમોની આર્થિક પ્રવૃત્તિઓને સાંકળતા તંત્રના આધારે અને (2) ઉત્પાદનનાં સાધનોની માલિકીના આધારે.

(1) વિવિધ એકમોને અન્યોન્ય સાંકળતું તંત્ર વિવિધ સમાજોમાં ભિન્ન હોવાનું જણાય છે. આના આધારે આર્થિક પદ્ધતિના ત્રણ પ્રકારો પાડવામાં આવે છે :

(ક) રૂઢિપ્રધાન અર્થવ્યવસ્થા : જુનવાણી કૃષિપ્રધાન સમાજોમાં આર્થિક સમસ્યાઓનો ઉકેલ મુખ્યત્વે રૂઢિઓ કે પરંપરાઓ દ્વારા શોધવામાં આવે છે. ચુસ્ત બંધારણ અને રૂઢિના પ્રાધાન્યને લીધે સાધનોની ગતિશીલતા ઓછી હોય છે. પરિણામે આ અર્થવ્યવસ્થા વિકાસને અવરોધે છે. આ વ્યવસ્થામાં રૂઢિ કે પરંપરા આર્થિક એકમોની પ્રવૃત્તિઓને સાંકળે છે.

(ખ) બજારપદ્ધતિ : આ વ્યવસ્થામાં અસંખ્ય વ્યક્તિઓ કે ઘટકોના ઐચ્છિક અને વિકેન્દ્રિત નિર્ણયો દ્વારા સમગ્ર અર્થતંત્રનાં ઉત્પાદન, ઉપભોગ, વિનિમય અને વહેંચણી અંગેના પ્રશ્નો ઉકેલાય છે. અહીં બજારતંત્ર આર્થિક એકમોને સાથે સાંકળતું પરિબળ છે. વ્યક્તિગત આર્થિક એકમો કઈ વસ્તુનું, કેવી રીતે, ક્યાં, ક્યારે અને કેટલું ઉત્પાદન કરવું તે અંગે નિર્ણયો લે છે. આ નિર્ણયો લેવામાં ભાવપ્રક્રિયા (price mechanism) મહત્વનો ભાગ ભજવે છે. મોટે ભાગે બજારનાં પરિબળો (એટલે કે માંગ અને પુરવઠો) આર્થિક એકમોની પ્રવૃત્તિઓને સાંકળે છે. મૂડીવાદી દેશોમાં બજારપદ્ધતિ પર આર્થિક નિર્ણયો માટે વધુ આધાર રાખવામાં આવે છે. ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં બજારપદ્ધતિ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

(ગ) કેન્દ્રીય દોરવણી સાથેની આદેશાત્મક અર્થપદ્ધતિ : આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી સરકારની, એટલે કે સામૂહિક હોય છે. ઉત્પાદનનાં સાધનોની વિવિધ ક્ષેત્રોમાં ફાળવણી કેન્દ્રીય સત્તાના આદેશો દ્વારા થાય છે. વિવિધ આર્થિક એકમો કઈ વસ્તુનું, ક્યાં, ક્યારે, કેટલું અને કેવી રીતે ઉત્પાદન કરવું તે અંગેનું માર્ગદર્શન કેન્દ્રીય સત્તા પાસેથી મેળવે છે. આ એકમોની આર્થિક પ્રવૃત્તિઓને સાંકળવા માટે મોટે ભાગે કેન્દ્રવર્તી આયોજનપદ્ધતિ સ્વીકારવામાં આવે છે.

(2) ઉત્પાદનનાં સાધનોની માલિકીના આધારે આર્થિક પદ્ધતિના બે પ્રકારો પાડી શકાય :

(અ) મૂડીવાદી અર્થપદ્ધતિ, જેમાં સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓની હોય છે. આ પદ્ધતિમાં ખાનગી સાહસને વધુ અવકાશ છે. નફાની પ્રેરણાથી ઉત્પાદકો ઉત્પાદક પ્રવૃત્તિઓ કરે છે.

(બ) સમાજવાદી અર્થપદ્ધતિ, જેમાં સાધનોની માલિકી સમગ્ર સમાજની હોય છે. સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર સાધનોની માલિકી ધરાવે છે અને સામાજિક હિતને લક્ષમાં રાખીને સાધનોની ફાળવણી કરે છે. મૂડીવાદી પદ્ધતિને બજારપદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિને સામૂહિક અર્થપદ્ધતિ, આદેશાત્મક પદ્ધતિ કે સામ્યવાદી પદ્ધતિ પણ કહે છે. સામાન્ય રીતે, અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં પ્રવર્તમાન અર્થપદ્ધતિને બજારપદ્ધતિ અને રશિયા, ચીન અને પૂર્વ યુરોપના કેટલાક દેશોમાં પ્રવર્તતી પદ્ધતિને સમાજવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં, બજારપદ્ધતિ જે દેશોમાં હોય છે ત્યાં સાધનોની માલિકી સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ પાસે હોય તેવું નથી. વળી, રશિયામાં પણ બધાં સાધનોની માલિકી સરકાર ધરાવે છે તેવું નથી. આથી કેટલાક અર્થશાસ્ત્રીઓના મત મુજબ બધા દેશોમાં મિશ્ર આર્થિક પદ્ધતિ અમલમાં છે. અમેરિકામાં બજારતંત્ર સંપૂર્ણ મુક્ત નથી. આમ છતાં, અમેરિકાને બજારપદ્ધતિના પ્રતિનિધિ રૂપે અને રશિયાને સમાજવાદી પદ્ધતિના પ્રતિનિધિ રૂપે સામાન્ય અર્થમાં સમજવામાં આવે છે.

ભારત જેવા ઘણા દેશોમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકસાથે જોવા મળે છે. વળી, આયોજન દ્વારા કેન્દ્ર સરકાર સાધનોની ફાળવણી અને તેમના ઉપયોગ પર નોંધપાત્ર અંકુશ ધરાવે છે. બજારતંત્ર અને આદેશાત્મક અર્થપદ્ધતિના સહઅસ્તિત્વને લીધે ભારતમાં પ્રવર્તમાન પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર ગણાય છે.

કેટલાક વિચારકો સહકાર પર રચાયેલી આર્થિક વ્યવસ્થાને સહકારી આર્થિક પદ્ધતિ અને મહાત્મા ગાંધીની વિચારસરણી પર રચી શકાય તેવી વ્યવસ્થાને ગાંધીવિચારપ્રણીત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખાવે છે. હકીકતમાં, કોઈ પણ દેશે સહકારના આધારે કે ગાંધીજીના આર્થિક વિચારોના આધારે તેની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ગોઠવી હોય કે ગોઠવવાનો પ્રયાસ કર્યો હોય તેમ બન્યું નથી. આથી તેમને આર્થિક પદ્ધતિઓનો દરજ્જો હજી મળ્યો નથી તેમ કહી શકાય.

હસમુખરાય કેશવલાલ ત્રિવેદી