બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ (BHC) : C6H6Cl6 અણુસૂત્ર ધરાવતા 1, 2, 3, 4, 5, 6–હેક્સાક્લૉરોસાઇક્લોહેક્ઝેન(HCH)ના જુદા-જુદા ભૌમિતિક સમઘટકો પૈકીનો ગમે તે એક. સંરચનાની ર્દષ્ટિએ દરેક સમઘટક સાઇક્લોહેક્ઝેન વલયના કાર્બન-પરમાણુઓ સાથે જોડાયેલ ક્લોરીન પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણી ધરાવે છે.
પારદ-બાષ્પ (mercury vapour) દીવામાંથી મળતા પારજાંબલી પ્રકાશની હાજરીમાં બેન્ઝીન(C6H6)નું ક્લોરીન (Cl2) વડે ક્લોરીનીકરણ કરવાથી વિવિધ ભૌમિતિક સમઘટકોનું મિશ્રણ મળે છે.
પ્રક્રિયાના અંતે BHCના છથી આઠ સમઘટકોનું મિશ્રણ મળે છે, જેમાંનો ગેમેક્ઝેન તરીકે ઓળખાતો γ-સમઘટક જંતુઓ પ્રત્યે વિષાળુ (toxic) અસર ધરાવે છે. તે લિંડેન અથવા γ-BHCl અથવા γ-HCH તરીકે પણ ઓળખાય છે. મળતા મિશ્રણમાં આ સમઘટકનું પ્રમાણ 20 %થી 25 % જેટલું હોય છે. કેટલાંક દ્રાવકોમાં અન્ય સમઘટકોની સરખામણીમાં તે વધુ દ્રાવ્ય છે અને તેથી દ્રાવક-નિષ્કર્ષણ (solvent extraction) દ્વારા તેને સંકેન્દ્રિત માત્રામાં અલગ પાડી શકાય છે. સ્ફટિકીકરણ, બાષ્પનિસ્યંદન (steam distillation) તેમજ વિભાગીય (fractional) સ્ફટિકીકરણ કરવાથી પણ તેનું સંકેન્દ્રણ કરી શકાય છે.
BHC સૌપ્રથમ 1825માં બનાવવામાં આવેલો. વાન લિંડેને 1912માં BHC મિશ્રણમાં ચાર ત્રિપરિમાણી સમાવયવી(stereoisomers)ની હાજરી સૂચવેલી. 1935માં બેન્ડરે મિશ્રણની જંતુનાશક સક્રિયતા (insecticidal activity) વિશે સૂચન કરેલું. તેમાંના γ–સમઘટકના જંતુનાશક તરીકેના ગુણની પરખ 1944માં થઈ હતી. આ સમઘટક અન્ય સમઘટકોની સરખામણીમાં 1000ગણો વધુ વિષાળુ છે.
γ-BHCનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે.
તેમાં સાઇક્લોહેક્ઝેન વલય સાથે જોડાયેલ છ ક્લોરીન પરમાણુઓ પૈકી ત્રણ અક્ષીય (axial) અને ત્રણ નિરક્ષીય (મધ્યવર્તી) (equatorial) સ્થિતિમાં હોય છે.
γ-BHC રંગવિહીનથી પીળા સ્ફટિકો કે પતરીઓ (flakes) રૂપે મળે છે. શુદ્ધ લિંડેન લગભગ વાસવિહીન હોય છે. તે ઍસિડિક અથવા તટસ્થ પરિસ્થિતિમાં સ્થાયી હોય છે. પરંતુ આલ્કલીની હાજરીમાં તેમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) છૂટો પડે છે અને તે 1, 2, 4–ટ્રાઇક્લૉરોબેન્ઝીનમાં ફેરવાય છે. પ્રકાશ તથા ઉપચયન પ્રત્યે તે વધુ સ્થાયી છે. ડી.ડી.ટી. કરતાં વધુ બાષ્પશીલ હોઈ જંતુઓ પર ઝડપથી અસર કરે છે, પણ આ વિષાળુ અસર ટૂંકા સમય પૂરતી રહે છે. અન્ય જંતુનાશકો બજારમાં આવતાં તથા પાણીમાં દર 10 લાખ ભાગે 1 ભાગથી પણ ઓછા પ્રમાણમાં BHCની હાજરી માછલીઓ પર વિષાળુ અસર કરતી હોઈ, 1960થી તેનો વપરાશ ઘટ્યો છે.
પ્રહલાદ બે. પટેલ