બૅનરજી, વ્યોમેશચન્દ્ર

January, 2000

બૅનરજી, વ્યોમેશચન્દ્ર (જ. 29 ડિસેમ્બર 1844, કૉલકાતા, બંગાળ; અ. 1906, ઇંગ્લૅન્ડ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ પ્રમુખ, બંગાળના વિખ્યાત બૅરિસ્ટર અને વિનીત (મવાળ) રાજકીય નેતા.

વ્યોમેશચન્દ્ર બૅનરજી

વ્યોમેશચન્દ્રના પિતા ગિરીશચન્દ્ર વકીલ હતા. તેમની માતા સરસ્વતીદેવીએ વ્યોમેશચન્દ્રનું જીવન ઘડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1862માં એક વકીલની પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ, શિષ્યવૃત્તિ મળવાથી 1864માં ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા અને જૂન 1867માં બૅરિસ્ટર થયા. ભારત પાછા ફરીને સર ચાર્લ્સ પૉલ અને જે. પી. કૅનેડી જેવા બૅરિસ્ટરો સાથે કામ કરવાથી તેઓ નામાંકિત બન્યા. સુરેન્દ્રનાથ બૅનરજી સામે અદાલતના તિરસ્કારના કેસમાં તેમણે બચાવપક્ષે દલીલો કરી હતી. તેઓ પોતે સહિષ્ણુ હોવાથી તેમની પત્નીને ખ્રિસ્તી ધર્મ પાળવાની છૂટ આપી હતી. તેઓ બાળલગ્નના વિરોધી અને લોકોને પ્રાથમિક, ઉચ્ચ અને ટૅકનિકલ શિક્ષણ આપવાના તથા વિધવાપુનર્લગ્નના હિમાયતી હતા. 1894–95માં કલકત્તા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે તેઓ બંગાળની ધારાસભાના સભ્ય હતા.

ઇંગ્લૅન્ડના અભ્યાસ દરમિયાન લંડન ખાતે ઇન્ડિયન સોસાયટી સ્થાપવામાં તેમણે સહાય કરી હતી. પાછળથી આ સંસ્થા ઈસ્ટ ઇન્ડિયા સોસાયટી સાથે જોડાઈ ગઈ. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનામાં તેમણે ભાગ લીધો અને 1885માં મુંબઈ ખાતે મળેલી તેની પ્રથમ બેઠકનું પ્રમુખપદ સંભાળ્યું. તેમણે માગણી કરી કે કૉંગ્રેસે સામાજિક સુધારણાનો પ્રશ્ન અન્ય સંસ્થાઓ માટે રાખીને, માત્ર રાજકીય પ્રવૃત્તિઓ  કરવી જોઈએ. તેઓ ભારતીયોના અધિકારોની માગણી કરનાર દેશભક્ત હતા. દિવસમાં બે વાર પેટ ભરીને લોકો જમી શકતા નથી એવા ગરીબ દેશમાં મીઠા ઉપર કર નાખવો એ અન્યાય છે, એમ ગાંધીજીની પહેલાં ઘણાં વર્ષ પૂર્વે જણાવીને તેમણે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત લોકોની વિરુદ્ધના કાયદાઓનો તેમણે સખત વિરોધ કર્યો હતો. તેમણે લશ્કરનું ખર્ચ ઘટાડવાની અને દેશનું ઉદ્યોગીકરણ કરવાની માગણી કરી હતી. પરંતુ બ્રિટિશ પ્રજાના સંપર્ક દ્વારા ભારતને થયેલા ઘણા લાભોની તેમણે નોંધ લીધી હતી. બ્રિટિશ પ્રજાને અપાતા રાજકીય અને સ્વતંત્ર નાગરિક તરીકેના અધિકારો ભારતીયોને આપવા તેમણે જણાવ્યું હતું. તેઓ ઉદારમતવાદી હતા અને જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદમાં માનતા નહોતા.

તેઓ 1902માં કાયમી વસવાટ માટે ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં પ્રિવી કાઉન્સિલમાં વકીલાત શરૂ કરી. ત્યાં ભારતની વિવિધ બાબતો વિશે તેઓ પ્રવચનો કરતા હતા. ગવર્નર જનરલની કારોબારી સમિતિમાં સભ્યપદે ભારતીયોને નીમવાની તેમણે માગણી કરી હતી. ત્યાંની આમની સભાનું સભ્યપદ મેળવવા તેમણે બે વાર નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. તેમનું સમગ્ર જીવન પાશ્ચાત્ય ઢબનું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી