બૅનરજી, રાખાલદાસ (જ. 12 એપ્રિલ 1885, બહેરામપુર, જિ. મુર્શિદાબાદ; અ. 1930, કલકત્તા) : ભારતીય પુરાતત્વવેત્તા, ઇતિહાસકાર અને સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરમાં, ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 1905માં બી.એ. અને 1909માં એમ.એ. થયા. શરૂઆતમાં કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્વ વિભાગના સહાયક, અધીક્ષક તરીકે અને ત્યારપછી 1917માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના વડા તરીકે નિયુક્ત. 1922માં મોહેં-જો-દડોના ઉત્ખનનની પ્રશસ્ય કામગીરી સંભાળી તે સ્થાનને પ્રસિદ્ધિમાં આણ્યું. 1924માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પૂર્વવિભાગના વડા તરીકે નિમાયા પછી ગુપ્ત અને પાલ રાજવંશોના સંશોધનક્ષેત્રે મહની કામગીરી કરી અગ્રગણ્ય ઇતિહાસકાર તરીકે પંકાયા. 1926માં રાજીનામું આપી સેવાનિવૃત્ત થયા. 1928માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષપદે નિમાયા અને અવસાન સુધી એ હોદ્દા પર રહ્યા.

‘બાંગલાર ઇતિહાસ’ (બે ખંડ), ‘હિસ્ટરી ઑવ્ ઓરિસા’ (બે ખંડ), ‘એજ ઑવ્ ધી ઇમ્પીરિયલ ગુપ્તાઝ’, ‘ઈસ્ટર્ન ઇંડિયન સ્કૂલ ઑવ્ મેડિઈવલ સ્કલ્પ્ચર’ જેવા સંશોધનમૂલક ગ્રંથો અને ‘પક્ષાંતર’, ‘વ્યતિક્રમ’ તેમજ ‘અનુક્રમ’ જેવી સાહિત્યિક કૃતિઓ અને ઐતિહાસિક વ્યક્તિચિત્રો ધરાવતી ‘કાદંબરી’ નામની 7 રચનાઓને કારણે રાખાલદાસ ભારે ખ્યાતિ પામ્યા હતા.

પ્રવીણચંદ્ર પરીખ