બૅનરજી, સુરેન્દ્રનાથ

January, 2000

બૅનરજી, સુરેન્દ્રનાથ (જ. 10 નવેમ્બર 1848, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1925, બરાકપુર) : સાંસ્થાનિક સ્વરાજ માટે આજીવન ઝૂઝનાર મવાળ દેશનેતા, પત્રકાર અને કેળવણીકાર. જન્મ કુલીન બ્રાહ્મણ પરિવારમાં. પિતા દુર્ગાચરણ ડૉક્ટર હતા અને ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. માધ્યમિક શિક્ષણ પૅરન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટશનમાં લઈ સુરેન્દ્રનાથ 1868માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એ જ વરસે તેઓ રમેશચન્દ્ર દત્ત અને બિહારીલાલ ગુપ્ત સાથે આઇ.સી.એસ. થવા ઇંગ્લૅન્ડ ગયા. 1869માં તેમણે પ્રાવેશિક પરીક્ષા પસાર કરી; પરંતુ તેમની ચોક્કસ ઉંમર બાબતે મુશ્કેલી ઊભી થઈ અને તેમને અયોગ્ય (disqualified) જાહેર કરવામાં આવ્યા; પરંતુ અદાલતનો ચુકાદો તેમની તરફેણમાં આવ્યો. 1871માં આઇ.સી.એસ.માં પાસ થઈને તેઓ ભારત આવ્યા. તેમને સિલ્હટના આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે નીમવામાં આવ્યા. ત્યાંના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સુધરલૅન્ડે તેમની સામાન્ય ભૂલની સરકાર સમક્ષ ફરિયાદ કરી. સરકારે તપાસ સમિતિના સૂચન મુજબ તેમને બરતરફ કર્યા. કોઈ અંગ્રેજને આવી ભૂલ માટે સામાન્ય સજા કરવામાં આવતી. ત્યારબાદ સુરેન્દ્રનાથ બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા, પરંતુ બરતરફીને કારણે તેમની નોંધણી કરવામાં આવી નહિ.

સુરેન્દ્રનાથને તેમનું ભવિષ્ય નિરાશાજનક લાગ્યું. તેમણે માન્યું કે તેમનો દેશ ગુલામ હોવાથી આવું સહન કરવું પડ્યું છે. પોતાના દેશવાસીઓને આવાં દુ:ખોમાંથી બચાવી લેવા, બાકીનું જીવન લોકસેવાર્થે સમર્પણ કરવાનો તેમણે નિર્ધાર કર્યો. તેમણે એડમંડ બર્ક, મેઝીની અને બીજા ઉદારમતવાદી ચિંતકો તથા દેશભક્તોના ગ્રંથોનો અભ્યાસ કર્યો.

જૂન 1875માં ભારત પાછા ફર્યા બાદ તેમણે મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટ, ફ્રી ચર્ચ કૉલેજ અને છેલ્લે પોતે સ્થાપેલી રિપન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ દરમિયાન વિદ્યાર્થીઓ તથા યુવકો સમક્ષ કૉલકાતામાં તથા અન્યત્ર તેમણે દેશની એકતા, મેઝીનીનું જીવન અને બોધ, શિવાજી અને શીખોનો ઇતિહાસ વગેરે વિષયો પર અસરકારક પ્રવચનો આપ્યાં. માતૃભૂમિના વાસ્તે જીવન સમર્પણ કરવા તેઓ યુવકોને હાકલ કરતા. તેઓ સમર્થ વક્તા હતા. તેમનાં વ્યાખ્યાનો સાંભળીને યુવાનોમાં દેશભક્તિ જાગતી. મહાન રાષ્ટ્રવાદી નેતા બિપિનચંદ્ર પાલ પર સુરેન્દ્રનાથનાં પ્રવચનોની ઘેરી અસર થયેલી.

સુરેન્દ્રનાથ બૅનરજી

તેમનું બીજું મહત્વનું પ્રદાન 26 જુલાઈ 1876ના રોજ ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કરી તે હતું. આ સંસ્થાને તેઓ અખિલ ભારતીય રાજકીય ચળવળનું કેન્દ્ર બનાવવાનો ઇરાદો સેવતા હતા. આ સંસ્થા વતી તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડીને લોકોમાં એકતા અને રાજકીય જાગૃતિનો સંચાર કર્યો. તે સમયે, આઇ.સી.એસ.ની પરીક્ષાના ઉમેદવારની વયમર્યાદા સરકારે 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કરી હતી. તેનો સખત વિરોધ કરવા માટે સુરેન્દ્રનાથે ઉત્તર ભારત, મુંબઈ ઇલાકો તથા મદ્રાસ ઇલાકાનાં શહેરોમાં વિશાળ સભાઓ સંબોધી. સમગ્ર દેશની જાગ્રત જનતા સુરેન્દ્રનાથને પોતાના નેતા માનવા લાગી.

કૉલકાતાની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ એેક હિંદુને પોતાના આરાધ્ય દેવની મૂર્તિ અદાલતમાં રજૂ કરવાનો હુકમ કર્યો. સુરેન્દ્રનાથે પોતાના અખબાર ‘બેંગૉલી’માં તે હુકમની ટીકા કરી. તેથી અદાલતના તિરસ્કારના આરોપ હેઠળ તેમને કેદની સજા કરવામાં આવી; ત્યારે સમગ્ર દેશમાં વિરોધના દેખાવો કરવામાં આવ્યા. બંગાળના લોકોનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. બંગાળમાં સર્વત્ર હડતાળ પાડવામાં આવી. આગ્રા, ફૈઝાબાદ, અમૃતસર, લાહોર, મુંબઈ, ચેન્નઈ, પુણે સહિત દેશનાં સંખ્યાબંધ નગરોમાં વિરોધસભાઓ યોજવામાં આવી. દેશમાં રાજકીય એકતા અને જાગૃતિનો અપૂર્વ સમન્વય સધાયો.

ઇન્ડિયન એસોસિયેશનના ઉપક્રમે કૉલકાતામાં ડિસેમ્બર 1883માં રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી. તેમાં દેશના વિવિધ વિસ્તારોના એકસો પ્રતિનિધિઓ હાજર રહ્યા. ડિસેમ્બર 1885માં તેની બીજી બેઠક કૉલકાતામાં મળી, ત્યારે દર વર્ષે દેશના જુદા જુદા પ્રદેશોમાં તેની બેઠક યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારબાદ મુંબઈમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન ડિસેમ્બર 1885માં મળ્યું. આ બંને સંસ્થાઓના ઉદ્દેશો સમાન હોવાથી સુરેન્દ્રનાથે પોતાની સંસ્થા સમેટી લીધી અને કૉંગ્રેસમાં જોડાઈ ગયા. ત્યારથી વીસ વરસ સુધી એમણે કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા તરીકે બધી રાજકીય પ્રવૃત્તિઓમાં મહત્વનો ભાગ ભજવ્યો.

સુરેન્દ્રનાથ 1876માં કલકત્તા કૉર્પોરેશનમાં સભ્યપદે ચૂંટાયા અને કૉર્પોરેશને 1893માં એમને પ્રાંતિક ધારાસભામાં ચૂંટીને મોકલ્યા. ધારાસભ્ય તરીકે તેમણે કલકત્તા કૉર્પોરેશન ઍક્ટના વિરોધમાં અને બેંગૉલ મ્યુનિસિપલ ઍક્ટમાં ઉદાર સુધારા કરાવવા માટે લડત આપી. 1895માં કૉંગ્રેસના પુણે ખાતે તથા 1902માં અમદાવાદ ખાતે યોજાયેલા અધિવેશનનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું હતું. કૉંગ્રેસમાં રહીને તેમણે મુખ્યત્વે (1) ઉચ્ચ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઇંગ્લૅન્ડ સાથે ભારતમાં પણ લેવી તેમજ (2) વહીવટી તંત્ર ક્રમશ: પ્રજાના પ્રતિનિધિઓને સોંપી દેવું – આ બે બાબતો પર ભાર મૂક્યો.

1905માં શરૂ થયેલ બંગભંગ અને સ્વદેશીની લડતની તેમણે આગેવાની લીધી. તે દરમિયાન બારિસાલમાં એક સરઘસમાંથી તેમની ધરપકડ કરી દંડ કરવામાં આવ્યો. આ સજાએ તેમને વધુ લોકપ્રિય બનાવ્યા. 1906માં તેઓ પોતાની રાજકીય કારકિર્દીના શિખરે પહોંચ્યા. ત્યારબાદ જહાલો અને મવાળો વચ્ચેના ઝઘડામાં મવાળો ક્રમશ: અસ્વીકાર્ય બનવા લાગ્યા. સુરેન્દ્રનાથ મવાળ જૂથના મહારથી હોવાથી તેમની લોકપ્રિયતા ઘટવા લાગી. મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડના સુધારા (1919) સ્વરાજ્યના પ્રથમ સોપાન તરીકે મવાળોએ સ્વીકાર્યા. નવા આદર્શો સેવતા જહાલ જૂથની આગેવાની તેઓ કરી શકે એમ ન હોવાથી, તેઓ કૉંગ્રેસથી છૂટા પડ્યા. તે સાથે સુરેન્દ્રનાથની રાજકીય કારકિર્દીનો પણ અંત આવ્યો.

બંગાળની ધારાસભામાં તેઓ ચૂંટાયા અને આરોગ્ય તથા સ્થાનિક સ્વરાજ્ય ખાતાના મંત્રી બન્યા. સરકારે તેમને ‘સર’(knighthood)નો ખિતાબ આપ્યો, જે તેમણે સ્વીકાર્યો. 1923માં થયેલી બંગાળની ધારાસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ત્યારબાદ તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી.

જયકુમાર ર. શુક્લ