બૅનરજી, મમતા (જ. 5 જાન્યુઆરી 1955, કૉલકાતા) : જાણીતાં રાજકીય મહિલા નેતા અને તૃણમૂલ કૉંગ્રેસ પક્ષનાં મુખ્ય નેત્રી. તેમણે કૉલકાતામાં શાળાકીય અને કૉલેજ-શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ અમેરિકાની ઈસ્ટ જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અનુસ્નાતક, ડૉક્ટરેટ અને કાયદાની પદવીઓ હાંસલ કરી. ભારતમાં અભ્યાસકાળ દરમિયાન છાત્ર પરિષદનાં સભ્ય બની 1969થી તેમણે રાજકારણમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. પછી પશ્ચિમ બંગાળ પ્રાંતિક ટ્રેડ યુનિયન કૉંગ્રેસ તથા યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસની મહિલા-પાંખમાં નોંધપાત્ર કામગીરી કરી અને પશ્ચિમ બંગાળ મહિલા કૉંગ્રેસનાં મહામંત્રી બન્યાં. કૉંગ્રેસ પક્ષનાં અધિવેશનોમાં પણ તેઓ સક્રિય કામગીરી કરતાં હતાં.
1984માં લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના જાણીતા સામ્યવાદી નેતા સોમનાથ ચૅટરજી વિરુદ્ધ વિજેતા બની તેઓ સૌપ્રથમ વાર સંસદસભ્ય બન્યાં. ત્યારબાદ તેમણે લોકસભાની બેઠક જાળવી રાખી છે. 1998માં પ્રદેશ-કૉંગ્રેસમાં બળવો કરી તેમણે તૃણમૂલ કૉંગ્રેસ નામના નવા પક્ષની સ્થાપના કરી. કોઈનીયે શેહશરમ રાખ્યા વિના સ્પષ્ટભાષી બનવાની તેમની ટેવને કારણે તેઓ ‘બંગાળની વાઘણ’ તરીકે જાણીતાં છે. નરસિંહરાવના મંત્રીમંડળમાં તેઓ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે જોડાયાં ત્યારે યુવક પ્રવૃત્તિઓ, રમત-ગમત, મહિલા અને બાલવિકાસ-મંત્રાલયનો હવાલો ધરાવતાં હતાં; પરંતુ પક્ષમાં સક્રિય અને નક્કર કામગીરી કરવા તેમજ ડાબેરીઓ વિરુદ્ધ સજ્જતા કેળવવા ટૂંક સમયમાં તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસમાં સક્રિય રહી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં હાજરી આપી વ્યાપક વિદેશ-પ્રવાસ ખેડ્યો છે. ગરીબ, પછાત અને અવગણાયેલા વર્ગોનાં હિતોના રક્ષણ માટે કામ કરવાની તેમની સતત મથામણ રહી છે.
1999ની રાષ્ટ્રીય મોરચા સરકારમાં વાજપાઈના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં તેઓ રેલવેમંત્રી તરીકે જોડાયાં છે. ખાધ કરતી ભારતીય રેલવેને વ્યવસ્થિત કરવા તેઓ કૃતનિશ્ચયી છે અને તે માટે નોંધપાત્ર અને મહત્વના નિર્ણયો લેવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે; જેમકે, રેલવેના વિમાનની જાળવણીનો અઢી કરોડનો ખર્ચ બચાવવા તેને વેચી દેવું યા હૂંડિયામણની ભારે બચત થઈ શકે તે માટે લોખંડની આયાત બંધ કરી, ભિલાઈના કારખાનાનું લોખંડ વાપરી રેલવેના પાટા બનાવવા. તેઓ આવી ઘણી બાબતો અંગે દૂરંદેશીપૂર્વક કામ કરી નવો ચીલો પાડવાની ઉત્સુકતા ધરાવે છે.
રક્ષા મ. વ્યાસ