બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન 

January, 2000

બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન  (જ. 1857, લંડન; ઇંગ્લૅન્ડ, અ. 1941) : બ્રિટનના જનરલ અને બૉય સ્કાઉટ પ્રવૃત્તિના સ્થાપક. તેમણે ચાર્ટર હાઉસ ખાતે અભ્યાસ કર્યો હતો. પછી 1876માં તે લશ્કરમાં જોડાયા અને ભારત તથા અફઘાનિસ્તાનમાં કામગીરી બજાવી અને બોર યુદ્ધ દરમિયાન મૅફિકિંગને બચાવવા બદલ (1899–1900) તેમને પુષ્કળ નામના મળી. તેમને સૌથી વધારે યશ તથા પ્રશંસા તો 1908માં બૉય સ્કાઉટની પ્રવૃત્તિનો તથા 1910માં પોતાની બહેન ઍગ્નિસના સહયોગથી ગર્લ ગાઇડની પ્રવૃત્તિનો પ્રારંભ કરવા બદલ મળ્યાં. તેમણે 1908માં ‘સ્કાઉટિંગ ફૉર બૉઇઝ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. 1916માં બાલવીરોની ‘વુલ્ફ કબ્ઝ’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1920માં તેમને વિશ્વના ‘ચીફ સ્કાઉટ’ જાહેર કરાયા હતા.

મહેશ ચોકસી