બેટેલી આંદ્રે : ભારતમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં અગ્રગણ્ય ભૂમિકા ભજવનાર અધ્યાપક અને સંશોધક. 1959થી દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક. હાલ નિવૃત્ત. તેમના મહત્વના સંશોધન-વિષયોમાં સામાજિક સ્તરીકરણ, ખેડૂત-આંદોલન, પછાત વર્ગો અને રાજકીય સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1968માં તેમને નેહરુ ફેલોશિપ એનાયત થઈ હતી. આ ફેલોશિપના ભાગ રૂપે ગ્રામીણ કૃષિવિષયક સામાજિક સ્તરરચના (agrarian stratification) ભારતમાં કેવા સ્વરૂપે વિકસી છે તે સંદર્ભનું સંશોધનકાર્ય આંદ્રે બેટેલીએ હાથ ધર્યું હતું. દક્ષિણ ભારતના તાંજોર જિલ્લાના જમીનદારો અને જમીનવિહોણા મજૂરો વચ્ચેના સંઘર્ષનાં કારણો અને તેમાં જોવા મળતાં જ્ઞાતિ-વર્ગના આંતરસંબંધો અંગેનું તેમનું સંશોધન સમાજશાસ્ત્રમાં સીમાચિહ્નરૂપ ગણાયું છે. સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર – એ બંને વિજ્ઞાનો સંલગ્ન થઈ ભારતીય સમાજને સમજવામાં કેવી ઉપયોગી ભૂમિકા ભજવી શકે છે તે અંગેનું તેમનું ચિંતન અને લખાણ માર્ગદર્શક પુરવાર થયાં છે.
1978–79 દરમિયાન તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કૉમન લૉના મુલાકાતી અધ્યાપક તરીકે નિમંત્રવામાં આવ્યા. આ વર્ષ દરમિયાન સામાજિક-આર્થિક સમાનતા અને અસમાનતા અંગેના સંશોધન પર આધારિત લેખો તૈયાર કર્યા અને ICSSR દ્વારા આ અંગેનું સંકલિત પુસ્તક 1983માં પ્રકાશિત થયું.
ભારતમાં પછાત વર્ગો અંગેનાં શરૂઆતનાં સમાજશાસ્ત્રીય લખાણોમાં આંદ્રે બેટેલીનું પ્રદાન જાણીતું છે. 1980માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આંબેડકર મેમૉરિયલ વ્યાખ્યાન આપ્યું અને તેને આધારે ‘The Backward Classes and The New Social Order’ નામની પુસ્તિકા પણ પ્રસિદ્ધ થઈ. સમાજશાસ્ત્રના પિતા ગણાતા ઑગુસ્ત કોમ્તની સ્મૃતિમાં યોજાતી વ્યાખ્યાનમાળાનું તેરમું વ્યાખ્યાન 1980માં તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં આપ્યું. આ વ્યાખ્યાનની ફળશ્રુતિ રૂપે ‘The Ideas of Natural Inequality and Other Essays’ નામનું પુસ્તક પ્રકાશિત થયું.
સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના સંશોધકોના આંતરરાષ્ટ્રીય સંશોધનના અનુભવોને ગ્રંથસ્થ કરવાનું મહત્વનું પ્રદાન આંદ્રે બેટેલીએ પ્રા. ટી. એન. મદનના સહયોગથી કર્યું. 1999માં ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદના રાજકોટ અધિવેશનમાં સમાજશાસ્ત્રી બેટેલીએ અધ્યક્ષીય વ્યાખ્યાન આપ્યું હતું.
ગૌરાંગ જાની