બેઝિક ઇંગ્લિશ : અંગ્રેજી ભાષાના વિકાસ માટે વિચારાયેલું અત્યંત સરળ સ્વરૂપ. આ માટેનો સૌપ્રથમ વિચાર બ્રિટિશ લેખક અને ભાષાશાસ્ત્રી ચાર્લ્સ કે. ઑઝન(1889–1957)ને આવેલો. તેમાં અંગ્રેજી ભાષા પૂરતી આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન માટેની એકસરખી આધારભૂત એક રીત ઉપજાવાઈ છે. તેમના પુસ્તક ‘ધ મીનિંગ ઑવ્ મીનિંગ’(1923)માં બેઝિક ઇંગ્લિશ વિશે પ્રાથમિક વિચાર રજૂ થયો, જે 1930માં ‘પાયાના શબ્દો’ અને ‘પાયાનું અંગ્રેજી’ – એ રૂપે વિકસાવવામાં આવ્યો. ‘ધ સિસ્ટિમ ઑવ્ બેઝિક ઇંગ્લિશ’ (1934) તેના નમૂનારૂપ પુસ્તક છે. આ વિચારને સર વિન્સ્ટન ચર્ચિલ દ્વારા અનુમતિ મળી; એટલું જ નહિ, પરંતુ અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટે 1943માં તેને ટેકો આપ્યો. મૂળ વાત બેઝિક ઇંગ્લિશને આંતરરાષ્ટ્રીય દ્વિતીય ભાષા તરીકે પ્રતિષ્ઠિત કરવા માટેની હતી. જોકે આના માટે જોઈએ તેવો સામાન્ય રસ પેદા થયો નહિ. હાલ તેનો ઉપયોગ થતો હોય તેમ લાગતું નથી.
બેઝિક ઇંગ્લિશમાં અંગ્રેજી ભાષામાંથી ખપ પૂરતા શબ્દો અને વ્યાકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આમાં અંગ્રેજીના 850 પાયાના શબ્દો છે, જેમાં 600 નામ અને 150 વિશેષણો તથા 100 જેટલા ક્રિયા દર્શાવતા શબ્દો છે. ‘can’, ‘do’, ‘across’, ‘after’, ‘to’, ‘the’, ‘all’, ‘if’, ‘not very’ શબ્દો ખાસ રાખવામાં આવેલ છે. બેઝિક ઇંગ્લિશમાં ક્રિયાપદો માત્ર 18 છે. જોકે ક્રિયાપદો અને તે સિવાયના શબ્દોના જોડાણમાંથી 4,000 જેટલા નવા શબ્દો બનાવી શકાય છે. દા.ત., ‘પુટ ટુગેધર’ એસેમ્બલ કે કંબાઇન માટે; ‘મેક અપ’ ઇન્વેન્ટના અર્થમાં અને ‘ટેક પિક્ચર્સ’ ફોટોગ્રાફ માટે વાપરી શકાય. ક્રિયાપદ, બહુવચન, તુલનાદર્શક શબ્દો, અવ્યય, પ્રત્યય, સામાસિક શબ્દો કે રૂઢિપ્રયોગો માટે બેઝિક ઇંગ્લિશમાં કેટલાક સામાન્ય નિયમો છે. બેઝિક ઇંગ્લિશની 850 શબ્દોની પરિમિત સંખ્યા સામે ભાષાશાસ્ત્રી સી. એલ. રેનના મત મુજબ અંગ્રેજી ભાષામાં 15 લાખથી વધુ શબ્દો છે અને અમેરિકા જેવું રાષ્ટ્ર દર વર્ષે 12,000 જેટલા નવા શબ્દોનો તેમાં ઉમેરો કરે છે!
વિ. પ્ર. ત્રિવેદી