ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય વનસ્પતિ છે. તે લગભગ સમગ્ર ભારતમાં થાય છે અને હિમાલયમાં 1500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. ચોમાસા દરમિયાન તે ઠેર ઠેર ઊગી નીકળે છે. પર્ણો લાંબાં પર્ણદંડવાળાં, નાનાં રેખીય દીર્ઘસ્થાયી ઉપપર્ણો (stipules) ધરાવતાં અને યુગ્મપીંછાકાર (paripinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 4, પાતળી, 2.5–5.0 સેમી. × 1.5–2.0 સેમી. અને લંબચોરસ હોય છે. પુષ્પો રતાશ પડતાં પીળાં અને સાંકડી કલગીસ્વરૂપે ગોઠવાયેલાં હોય છે તથા ઑગસ્ટના અંતમાં દેખાય છે. ફળ શિંબ પ્રકારનું, તિર્યકી (oblique), 2.5–3.7 સેમી. લાંબું હોય છે. દરેક શિંગમાં કાળાં, ચળકતાં, ચપટાં અને ઘણાં કઠણ 5–6 બીજ હોય છે. આ બીજને ચિમેડ કે ચીમડ કહે છે.
પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેઓ કડવાં, સંકોચક (astringent) તથા રેચક હોય છે અને કફ, દમ, શ્વસની-શોથ (bronchitis) અને ત્વચાના રોગોમાં ઉપયોગી છે. ચૂર્ણિત પર્ણો રતિજ (venereal) ચાંદાં અને હરસ ઉપર લગાડવામાં આવે છે. પર્ણોમાં ક્વિર્સેટિન, રુટિન, ચેક્સિન અને આઇસોચેક્સિન હોય છે.
બીજ થોડાંક શ્લેષ્મી, કડવાં, સંકોચક, ઉત્તેજક અને મૂત્રલ (diuretic) હોય છે. કાયમી કબજિયાતમાં વિરેચક (catharkic) તરીકે તે આપવામાં આવે છે. તેમનો દાદર, રતિજ ચાંદાં, માથાનો દુખાવો, શ્વસની-શોથ, સફેદ ડાઘ (leucoderma), દમ તથા હરસ ઉપર અને કૃમિહર (anthelmintic) તરીકે ઉપયોગ થાય છે. બીજનો નિષ્કર્ષ રક્તશુદ્ધિકારક હોય છે. તેનો કાઢો આંખના રોગોમાં વપરાય છે.
મીંજ પ્રાયોગિક પ્રાણીઓના હૃદય, શ્વસન અને ચેતા ઉપર ખિન્નતાકારક (depressant) અસર નિપજાવે છે. ચેતાઓ પરની પ્રક્રિયા ઔષધોના બેલાડોના સમૂહ સાથે સામ્ય ધરાવે છે. ભૂંજેલા મીંજનો સપૂય (purulent) નેત્રરોગ અને નેત્રશ્લેષ્મકલાશોથ(conjuctivitis)માં ઉપયોગ થાય છે. યુનાની પદ્ધતિમાં તે કુષ્ઠરોગમાં વપરાતા ઔષધના ઘટક તરીકે ઉપયોગી છે.
બીજમાં બે સમઘટકો ચેક્સિન અને આઇસોચેક્સિન, પામિટિક, જેન્ટિસિક અને 5–0–α–ગ્લુકોપાયરેનોસિલ જેન્ટિસિક ઍસિડ, ઇથાઇલ–α–D–ગૅલેક્ટોપાયરેનોસાઇડ, એપિજેનિન, લ્યુટિયોલિન, હિડનોકાર્પિન, આઇસોહિડનોકાર્પિન, β–સિટોસ્ટૅરોલ, β–D–ગ્લુકોસાઇ અને ગૅલેક્ટોમેનન હોય છે. ચેક્સિન Micrococcus pyogenes અને Streptococcus haemolyticus સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે. તે ગર્ભાશય, આંતરડું, મૂત્રાશય અને રુધિરવાહિનીમાં રહેલા અનિચ્છાવર્તી સ્નાયુઓના સંકોચનને પ્રેરે છે. તે આંતરડાં અને મૂત્રાશય જેવાં કેટલાંક અંગોમાં પરાનુકંપી (parasympathetic) ચેતાંતો(nerve endings)નું અવસાદન કરે છે. ચેક્સિન ચેતાકંદ-અવરોધી (ganglion-blocking) ગુણધર્મ ધરાવે છે અને નિકોટિનિકરોધી (antinicotinic) અને 5–હાઇડ્રૉક્સિટ્રિપ્ટેમાઇનરોધી (anti-5-hydroxytryptamine) અસર દર્શાવે છે. ચેક્સિન અને આઇસોચેક્સિન અંતસ્ત્વચામાં સ્થાનિક સંવેદનાહારી (anaesthetic) અસર ધરાવે છે. તેઓ હિસ્ટેમાઇન જેવાં ચિહનો [દા.ત., કંડૂ (itching) અને ત્વગરક્તિમા (erythema)] ઉત્પન્ન કરે છે. ચેક્સિન ક્લોરાઇડ મૂર્છિત પ્રાણીમાં રુધિરદાબમાં ઘટાડો કરે છે અને મંદ એસિટોકોલિનરોધી (antiacetocholine) અસર ઉત્પન્ન કરે છે. બીજના શ્લેષ્મમાં મેનોઝ 42 %, ગૅલેક્ટોઝ 21 %, ગૅલેક્ટુરોનિક ઍસિડ 10 % અને ઝાયલોઝ 1.0 % હોય છે. મીંજ રેફિનોઝ ઉત્પન્ન કરે છે.
શુષ્ક બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 36.8 %, ઇથર નિષ્કર્ષ 6.8 %, N–મુક્ત નિષ્કર્ષ 49.4 %, રેસા 2.6 %, ભસ્મ 4.4 %; કૅલ્શિયમ 135 મિગ્રા., ફૉસ્ફરસ 680 મિગ્રા., આયર્ન 22.4 મિગ્રા., નાયેસિન 3.21 મિગ્રા. અને ઍસ્કોર્બિક ઍસિડ 2.56 મિગ્રા./100 ગ્રા. પ્રોટીનમાં આવશ્યક એમિનો ઍસિડ (ગ્રા./16 N) આ પ્રમાણે હોય છે : હિસ્ટિડિન 1.5 ગ્રા., લાયસિન 3.1 ગ્રા., મિથિયૉનિન 1.2 ગ્રા., ફિનિલએલેનિન 3.2 ગ્રા., ટાયરોસિન 0.81 ગ્રા., લ્યુસિન અને આઇસોલ્યુસિન 4.6 ગ્રા., વેલાઇન 5.6 ગ્રા. અને થ્રિયૉનિન 4.5 ગ્રા. શુષ્ક બીજ લગભગ 2.15 % જેટલું તેલ ઉત્પન્ન કરે છે.
મૂળનો કાઢો રેચક હોય છે. મૂળમાં ક્રાઇસોફેનોલ, ઍલો-ઇમોડિન, ચેક્સિન અને આઇસોચેક્સિન હોય છે. મૂળ પ્રતિજૈવિક (antibiotic) સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર ચિમેડ તીખી, કડવી, આદર્શ શૂળનાશી હોય છે. તે કબજિયાત, આફરો, કફદોષ, વાયુદોષ, વીર્યની પથરી, ગોળો, જૂની શરદી, ઉધરસ તથા આંખ ઊઠવાના નેત્રરોગને મટાડનારી તથા વ્રણ રૂઝાવનારી છે. તે મેદ, હરસ, ગુદાના અંકુર, હેડકી, શ્વાસ, જૂની કબજિયાત તથા દાદર જેવા ત્વચારોગ મટાડે છે. તેનાં બીનાં મીંજને વાટી આંખમાં ભરવાથી નેત્ર ઊઠવાથી થતી પીડા તથા રતાશ મટી જાય છે. આંખો ઊઠવાના દર્દમાં તે ગુજરાતમાં પહેલાં બહુ વપરાતી હતી.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ