ચિમ્પાન્ઝી (Pan troglodytes)

January, 2012

ચિમ્પાન્ઝી (Pan troglodytes) : માનવજાતની સૌથી નજીકનો જનીનિક સંબંધ ધરાવનારું, અપુચ્છ વાનર પ્રકારનું, અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું અને પૉન્જીડી (Pongidae) કુળનું સસ્તન પ્રાણી. મનુષ્ય અને ચિમ્પાન્ઝીના 98 % જનીન-સંકેતો મળતા આવે છે. ચિમ્પાન્ઝીને મળતા આવતા અન્ય અપુચ્છ વાનરો(Apes)માં મધ્ય આફ્રિકાની ગોરીલાની બે જાતિઓ, દક્ષિણ પૂર્વ એશિયાની ઉરાંગ-ઉટાંનની બે જાતિઓ અને ઝાઇર(આફ્રિકા)ની ચિમ્પાન્ઝીની બીજી અલગ જાત – બોનોબો ચિમ્પાન્ઝી (Pan paniscus) છે. આ બોનોબો ચિમ્પાન્ઝી (P. paniscus) સામાન્ય ચિમ્પાન્ઝી (P. troglodytes) કરતાં કદમાં નાના હોય છે અને તે મુખ્યત્વે કૉંગો નદીના દક્ષિણ કાંઠાના પ્રદેશમાં રહે છે.

ચિમ્પાન્ઝી

ચિમ્પાન્ઝી મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના 20 ઉપરાંત રાજ્યોમાં વિષુવવૃત્તીય અને વરસાદી જંગલો કે સાવન્તાહની વનરાજિમાં, સેનેગાલથી યુગાન્ડાના પૂર્વ ભાગ સુધીના પ્રદેશોમાં જોવા મળે છે. તેઓ ગાઢ જંગલમાં રહેનારાં ચપળ, બુદ્ધિશાળી અને ઉદ્યમી પ્રાણી છે. તે 10થી 80ના ટોળામાં રહેનારું સમૂહમાં રહેનારું પ્રાણી હોઈ પ્રભાવી નર તેનું નેતૃત્વ કરે છે. એવા નરમાં શારીરિક બળ સાથે પ્રભાવકતાની માત્રા પણ સાર્વત્રિક હોય છે. ચિમ્પાન્ઝી ઘોંઘાટિયું પ્રાણી છે. ચીસ પાડવી, ધૂતકરાવું, હાથ વડે તાળી પાડવી, ઝાડ કે જમીન ઉપર જોરથી લાત મારવી વગેરે ક્રિયાઓ તે કરતું હોય છે. રાત્રે તેનો અવાજ 4–5 કિમી. દૂર સુધી સંભળાય તેવો મોટો હોય છે. જોકે મનુષ્યની હાજરીમાં તે અત્યંત શાંત રહે છે, અને તેનાથી સંતાતું ફરે છે. તે જમીન અને વૃક્ષ – બંને ઠેકાણે રહે છે. તે એક ઝાડથી બીજા ઝાડ પર હાથ અને પગની મદદથી ઝૂલતું હોય છે. સામાન્ય રીતે જમીન ઉપર ચાલવા માટે હાથ અને પગ બંનેનો ઉપયોગ કરે છે. આમ છતાં માત્ર બે પગની મદદથી પણ ચાલે છે અને ચપળતાથી દોડે છે. તેનો બુદ્ધિમત્તાનો આંક ઊંચો હોય છે. તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વિશેષ હોઈ તેને કેળવી શકાય છે. તે ચિત્રકળા સહેલાઈથી શીખે છે. ચિમ્પાન્ઝીએ દોરેલાં ચિત્રોમાં આકાર વિશેની ચોક્કસ સમજણ તથા તેની પોતીકી શૈલીનું દર્શન થાય છે. વળી શિખવાડાયેલી કોઈ રીત-ભાતમાં કંઈક ભૂલ થાય તો તે ચહેરા પર શરમ કે ક્ષોભની લાગણી પણ વ્યક્ત કરે છે.

ચિમ્પાન્ઝી(P. troglodytes)ના શરીરની લંબાઈ 90 સેમી. અને વજન 30–60 કિગ્રા. (સરેરાશ) હોય છે. તેના કાન મોટા હોય છે. જંગલમાં રહેતાં અન્ય પ્રાણીઓને સાંભળવામાં, તેમની સાથેનો સંપર્ક સાધવામાં તેથી વિશેષ અનુકૂળતા રહે છે. તેની ર્દષ્ટિ તીક્ષ્ણ હોય છે. તેના ઓઠ વળણશીલ હોય છે. તે દ્વારા તે પોતાના ભયાદિભાવ વ્યક્ત કરી શકે છે. તેના દાંત અને દંતસૂત્ર મનુષ્યના જેવા પણ કદમાં થોડા મોટા હોય છે. તે મનુષ્યની માફક વિવિધ પ્રકારનો આહાર લેવામાં સક્ષમ છે. વાનરવંશનાં પ્રાણીઓ વનસ્પતિ-આહારી હોય છે; પરંતુ ચિમ્પાન્ઝીના ખોરાકમાં લગભગ 10 % માંસાહારનો સમાવેશ પણ થાય છે. તે પક્ષીઓનાં ઈંડાં, કીટકો અને ક્યારેક અન્ય વાનરો, મૃગ(Antelope)નાં બચ્ચાં અને જંગલી ડુક્કરનો શિકાર કરીને ખાય છે. ઊધઈ કે કીડીના રાફડામાં સળી નાંખી તેની ઉપર ચોંટીને બહાર આવતી ઊધઈ કે કીડીને આરોગી લે છે. ક્યારેક તે કડક કાષ્ઠફળ(Nut)ને તોડવા પથ્થરનો ઉપયોગ પણ કરે છે. પ્રાણીસંગ્રહસ્થાનમાં ઊંચે ટાંગેલા કેળાની લૂમને નીચે પાડવા લાંબી લાકડીનો ઉપયોગ કર્યાના બનાવો પણ નોંધાયા છે. આમ ચિમ્પાન્ઝી બુદ્ધિમત્તા સાથે શોધક-વૃત્તિ ધરાવે છે. ચિમ્પાન્ઝીના શરીર ઉપર લાંબા કાળા વાળનું આચ્છાદન હોય છે. તેની ઊંચાઈના પ્રમાણમાં (1 થી 1.7 મીટર) તેના હાથ લાંબા હોય છે. જેથી કરીને તે વૃક્ષોની ડાળીઓ ઉપર ઝૂલી શકે છે અને ફળફળાદિ તોડી શકે છે.

માદા ચિમ્પાન્ઝી 8 માસ ગર્ભ ધારણ કરી 1 અગર ક્યારેક 2 બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં થોડાક મહિના સુધી માતાના ધાવણ ઉપર નભે છે. ત્રણથી ચાર વર્ષનું બચ્ચું થાય ત્યાં સુધી માતા તેને પીઠ ઉપર ફેરવે છે અને તાલીમ આપે છે. માતા અને બચ્ચાં વચ્ચેનો નાતો અતિ ભાવનાત્મક હોય છે. 4–5 વર્ષના આંતરે માદા વિયાય છે. 7–8 વર્ષની ઉંમરે ચિમ્પાન્ઝી પ્રજનન કરવનાને સક્ષમ બને છે. તેની આયુમર્યાદા 35–40 વર્ષની હોય છે.

ચિમ્પાન્ઝીની સામાજિક રીતભાત મનુષ્ય લાખો વર્ષ પહેલાં કેવો જીવતો હશે તેનો ખ્યાલ આપે છે. નાનાંમોટાં ટોળાંમાં એકબીજાના સંપર્કમાં રહેવું, એકબીજાંને આંગળી વડે સ્પર્શ કરી આલિંગનથી મૈત્રીનું દર્શન કરાવવું, બીજાની પાસે કાંઈક વસ્તુની માગણી કરવી હોય તો હથેળી ઊંચી કરી ઇચ્છા પ્રગટ કરવી, શારીરિક બળ અને બૌદ્ધિક કર્તુત્વશક્તિથી નેતૃત્વપદ ગ્રહણ કરવું – આ બધું આજે પણ ચિમ્પાન્ઝીના સામાજિક જીવનમાં જોવા મળે છે. માણસમાં પણ આ જ વૃત્તિઓનું દર્શન થાય છે.

મનુષ્યની સાથેનો આટલો લોહી-સંબંધ હોવા છતાં, આજે ચિમ્પાન્ઝીનું અસ્તિત્વ અત્યંત ભયમાં મુકાઈ ગયું છે. મનુષ્ય દ્ધારા તેનો શિકાર થવાથી, તેના નિવાસસ્થાનરૂપ જંગલોનો બેફામ નાશ થવાથી તેની વસ્તી ઝડપથી ઘટી રહી છે. 2001માં UN દ્વારા ચિમ્પાન્ઝી અને અન્ય અપુચ્છ વાનરોના સંરક્ષણ માટે ‘ગ્રેટ એપ સર્વાઇવલ પ્રોજેક્ટ’ વૈશ્વિક સ્તરે શરૂ કરવામાં આવ્યો છે.

દિલીપ શુક્લ

રા. ય. ગુપ્તે