બેઇલી, લિબર્ટી હાઇડ (જ. 15 માર્ચ 1858, સાઉથ હેવન પાસે, મિશિગન; અ. 25 ડિસેમ્બર 1954, ઇથાકા, એન. વાય.) : વનસ્પતિશાસ્ત્રી. તેમના શોભન-વનસ્પતિઓના વર્ગીકરણ-વિદ્યાકીય અભ્યાસને કારણે યુ.એસ. ઉદ્યાનકૃષિ(horticulture)નું ઉદ્યોગમાંથી પ્રયુક્ત વિજ્ઞાનમાં રૂપાંતર થયું અને તેની જનીનવિજ્ઞાન, વનસ્પતિરોગવિજ્ઞાન અને કૃષિવિજ્ઞાનના વિકાસ પર સીધી અસર રહી.
તેમણે 1882થી 1884 સુધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકન વનસ્પતિશાસ્ત્રી ઍસા ગ્રેના મદદનીશ તરીકે અને 1884થી 1888 સુધી મિશિગન સ્ટેટ ઍગ્રિકલ્ચર કૉલેજ (હવે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી), ઈસ્ટ લાન્સિગમાં ઉદ્યાનકૃષિ અને ર્દશ્યભૂમિ ઉદ્યાનિકી(landscape gardening)ના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી; જ્યાં તેમણે યુ.એસ.ની સૌપ્રથમ માત્ર ઉદ્યાનકૃષિની પ્રયોગશાળા સ્થાપી. ત્યારપછી 1888થી 1903 સુધી તેમણે કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકામાં વનસ્પતિશાસ્ત્ર અને ઉદ્યાનકૃષિના પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી. તેમણે ઉદ્યાનકૃષિનાં સંશોધનો, શિક્ષણ અને વ્યવસાય માટેના પાયા તરીકે વનસ્પતિવિજ્ઞાનને પ્રસ્થાપિત કર્યું; વનસ્પતિસંવર્ધન અને ઉત્પાદનની સમસ્યાઓ પરનાં સંશોધનો માટે દેહધર્મવિજ્ઞાનીઓ અને રસાયણવિજ્ઞાનીઓને નિમંત્ર્યા; શોભન-વનસ્પતિઓને અનુલક્ષીને કામ કરવા માટે જનીનવિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કર્યા અને ક્ષેત્રલક્ષી (in the field) વનસ્પતિશિક્ષણ-પદ્ધતિઓ દાખલ કરી; જે વિવરણાત્મક (expository) વર્ગ-ખંડ-શિક્ષણ કરતાં વધારે ચઢિયાતી પુરવાર થઈ. વળી, તેઓ ન્યૂયૉર્ક સ્ટેટ કૉલેજ ઑવ્ ઍગ્રિકલ્ચર, કૉર્નેલના 1903થી 1913 સુધી અધ્યક્ષ રહ્યા. તેઓ સાઇપરેસી કુળની Carex, રોઝેસી કુળની Rubus પ્રજાતિઓના અને ઉષ્ણકટિબંધીય અમેરિકન તાડોના પ્રાધિકારી (authority) હતા. તેમણે કૉલેજના એક વિભાગ તરીકે બેઇલી ઉદ્યાનકૃષિ સંગ્રહાલય(hortorium)ની સ્થાપના કરી હતી, અને 1935થી 1951 સુધી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે 700 જેટલાં સંશોધનપત્રો અને 66 પુસ્તકો લખ્યાં છે; તે પૈકી તેમનાં ‘સાઇક્લોપીડિયા ઑવ્ અમેરિકન હૉર્ટિકલ્ચર’ (4 ખંડ, 1900–1902) અને ‘સ્ટાન્ડર્ડ સાઇક્લોપીડિયા ઑવ્ હૉર્ટિકલ્ચર’ (6 ખંડ, 1914) નામના જ્ઞાનકોશ સીમાચિહ્નરૂપ ગણાય છે. છેલ્લા જ્ઞાનકોશને તેમણે ત્રણ ખંડોમાં સંકલિત કર્યો છે. તેમણે ‘મૅન્યુઅલ ઑવ્ કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ’ (1923) નામનું પુસ્તક લખી ઉદ્યાનકૃષિના ક્ષેત્રમાં અત્યંત મહત્વનો ફાળો આપ્યો છે.
બળદેવભાઈ પટેલ