બૂસી કૉલ્ટ, ડિયૉન (જ. 1820; ડબ્લિન; અ. 1890) : નામી નાટ્યલેખક, અભિનેતા અને રંગભૂમિ-વ્યવસ્થાપક. રંગભૂમિક્ષેત્રે તે સર્વતોમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે પોતે લખેલાં અથવા રૂપાંતરિત કરેલાં નાટકોની સંખ્યા 130 જેટલી થાય છે અને તેમના સમયગાળા દરમિયાન તે સૌથી લોકપ્રિય નાટ્યકાર બની રહ્યા. તેમની મોટાભાગની નાટ્યરચનાઓ અત્યારે વીસરાઈ ચૂકી છે, પણ ગુલામી-પ્રથાને તીવ્રસ્વરે વખોડી કાઢતી નાટ્યકૃતિ ‘ધી ઑક્ટોરૂન’ (1860) નોંધપાત્ર બની ગઈ છે.
1853માં તે અમેરિકા ગયા અને ત્યાં જ જ્યૉર્જ હેનરી બ્રોકર (1823–1890) તથા અન્ય સાથીદારોના સહયોગથી અમેરિકાનો સર્વપ્રથમ કૉપીરાઇટ કાયદો 1856માં મંજૂર કરાવવામાં સફળ થયા. 1862–72 દરમિયાન તે લંડનમાં રહ્યા અને તે પછી પુન: અમેરિકા ગયા.
મહેશ ચોકસી