બુર્કીના ફાસો : પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ. પશ્ચિમ આફ્રિકાના ઍટલાન્ટિક મહાસાગર તરફના ગોળાઈવાળા ભાગમાં કિનારાથી આશરે 970 કિમી. પૂર્વ તરફ આ દેશ આવેલો છે. અગાઉ તે ‘અપર વૉલ્ટા’ નામથી ઓળખાતો હતો. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 845 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 644 કિમી. જેટલું છે. તે 13° 00´ ઉ. અ. અને 2° 00´ પ. રે. આજુબાજુનો કુલ 2,74,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમે માલી; પૂર્વમાં નાઇજર અને બેનિન તથા દક્ષિણે ઘાના અને આઇવરી કોસ્ટ દેશોની સીમાઓ આવેલી છે. 1984માં ત્યાંની સરકારે તેનું જૂનું નામ બદલીને ‘બુર્કીના ફાસો’ (‘બુર્કીના’ એટલે પ્રામાણિક લોકો અને ‘ફાસો’ એટલે ભૂમિ) રાખેલું છે. ઓઆગાડોગૂ (Ouagadougou) આ દેશનું પાટનગર છે.

પ્રાકૃતિક રચના : બુર્કીના ફાસો વિશાળ આંતરખંડીય ઉચ્ચપ્રદેશ છે. તેની ઊંચાઈ આશરે સ્થાનભેદે 200થી 700 મીટરની છે. દેશનું સર્વોચ્ચ સ્થળ નૈર્ઋત્ય ભાગમાં 717 મીટરની ઊંચાઈએ ઍગીલી ડી સિડનોઉ (Aiguille di Sidnou) ખાતે આવેલું છે; સૌથી ઓછી ઊંચાઈ 198 મીટર છે. દેશનો મોટો ભાગ વન્ય ઘાસથી છવાયેલો રહે છે. અહીંનાં પહાડી ભૂમિર્દશ્યો દર વર્ષે થોડા મહિના માટે હરિયાળાં બની રહે છે. અગ્નિ ભાગમાં કળણભૂમિના પ્રદેશો આવેલા છે, જ્યારે પશ્ચિમ તરફ વન્ય સૃષ્ટિવાળી ટેકરીઓ આવેલી છે.

આ ઉચ્ચપ્રદેશ કોતરાઈને ઘણી ખીણોમાં ફેરવાયેલો છે. બ્લૅક વૉલ્ટા, રેડ વૉલ્ટા અને વ્હાઇટ વૉલ્ટા નદીઓ દક્ષિણ તરફથી નીકળીને ઘાનાના વૉલ્ટા સરોવરમાં મળે છે. તેમ છતાં દેશનો ઘણોખરો ભાગ સૂકો અને ખડકાળ છે. દેશની હલકી પાતળા પડવાળી જમીનોમાં જળગ્રહણક્ષમતા નથી અને ફળદ્રૂપ જમીનો ઓછા પ્રમાણમાં છે.

આબોહવા : બુર્કીના ફાસોની આબોહવા વર્ષ દરમિયાન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂકી અને ઠંડી, માર્ચથી એપ્રિલ સુધી સૂકી અને ગરમ તથા મેથી ઑક્ટોબર સુધી ભેજવાળી અને ગરમ રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન આશરે 20°થી 35° સે. વચ્ચેનું રહે છે.

અર્થતંત્ર : બુર્કીના ફાસો આફ્રિકાના ગરીબ દેશો પૈકીનો એક દેશ ગણાય છે. આ દેશ ખૂબ જ અવિકસિત પણ છે. અહીંના લોકો ઓછી જીવન-જરૂરિયાતોથી ચલાવી લે છે. તેમનો જીવનનિર્વાહ થોડીઘણી ખેતીથી તથા મહદંશે ઢોરઉછેરથી થાય છે. દેશનું અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન-પ્રવૃત્તિ પર નિર્ભર છે. આખા દેશમાં લગભગ 20થી 30 લાખ જેટલાં ઢોર તથા ઘેટાંબકરાં છે. પશુધનની નિકાસ દેશની કુલ નિકાસનો ત્રીજો ભાગ તથા તેમાંથી મળતા નિકાસી હૂંડિયામણનો અર્ધો ભાગ બની રહેલો છે.

દેશનાં મોટાભાગનાં ખેતરો માત્ર નદીની ખીણોમાં આવેલાં છે, તેમ છતાં બધી જ જાતની જમીનો ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વાલ, મકાઈ, બાજરી, ચોખા, જુવાર અને ફોનિયો(અનાજ તરીકે ઉપયોગમાં લેવાતું બીજસહિતનું એક ઘાસ.)નું વાવેતર કરવામાં આવે છે. રોકડિયા પાકોમાં કપાસ, મગફળી અને શિયાફળી (shea nuts) મુખ્ય છે. શિયાફળીના બીજમાંથી સાબુની બનાવટમાં વપરાતી ચરબી મળી રહે છે.

આ દેશ તેના પશુધનની આઇવરી કોસ્ટ અને ઘાના ખાતે તથા કપાસ અને શિયાફળીની ફ્રાન્સ ખાતે નિકાસ કરે છે. તે ફ્રાન્સ અને યુરોપીય વ્યાપારી સંઘના દેશો પાસેથી ખાદ્યસામગ્રી તથા કૃષિવિષયક સાધનોની આયાત કરે છે. દેશના ઘણા યુવાનો કોકો-કૉફીના વાવેતરની જાણકારી માટે તથા તાલીમ માટે ઘાના કે આઇવરી કોસ્ટ જાય છે. તેઓ તેમની આ કામગીરીમાંથી મળતાં નાણાં તેમનાં કુટુંબોને મોકલી આપે છે, જે દેશની આવકનો મોટો હિસ્સો બની રહે છે. પાટનગર ઓઆગાડોગૂ આઇવરી કોસ્ટ અને આબિદજાન સાથે રેલમાર્ગે જોડાયેલું છે. ઓઆગાડોગૂ અને બોબો ડિયોલાસો ખાતે હવાઈ મથકો પણ છે.

વસ્તી : 1991 મુજબ બુર્કીના ફાસોની વસ્તી 92,63,000 જેટલી હતી, તે 1996માં લગભગ 1,06,87,000 જેટલી થવાની શક્યતા હતી. અહીં વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 34 વ્યક્તિની છે. શહેરી વસ્તી 9 % અને ગ્રામીણ વસ્તી 91 % છે. દેશના મોટાભાગના લોકો વૉલ્ટેઇક અને મન્ડે નામના મુખ્ય બે સાંસ્કૃતિક સમૂહોમાંથી ઊતરી આવેલા છે. દેશની આશરે 80 % વસ્તી ધરાવતો વૉલ્ટેઇક સમૂહ મોસી, બોબો, ગુરુન્સી અને લોબી જાતિઓથી બનેલો છે. મોસી જાતિ દેશની 50 % વસ્તી ધરાવે છે. મોસી લોકોએ 800 વર્ષોથી મોસી નેતા મોરો નાબાના નેતૃત્વ હેઠળ મધ્યસ્થ સરકારી વહીવટવાળું સામ્રાજ્ય રચેલું. આજે તેઓ ખેડૂતો છે. તેઓ દેશના મધ્ય અને પૂર્વ ભાગોમાં વસે છે. વિશિષ્ટ ગણાતાં મોસી કુટુંબો યીરી (Yiri) પ્રાંતમાં, ઈંટોની બનાવેલી ઝૂંપડીઓમાં વસે છે. તેઓ ઘેટાંબકરાં પાળે છે; જ્યારે બોબો, ગુરુન્સી અને લોબી – પ્રત્યેકની વસ્તી 10 % જેટલી છે. લોબી જાતિના લોકો મૂળ શિકારીઓ અને ખેડૂતો હતા, પરંતુ હવે તેઓ મજૂરો તરીકે શહેરો તરફ વળ્યા છે.

માલી, ગીની, ઉત્તર આઇવરી કોસ્ટ વિસ્તારોમાંથી આવેલો મન્ડે સમૂહ બોસેન્સ, માર્કા, સામો તથા સેનુફો જાતિઓથી બનેલો છે. આ ઉપરાંત દેશમાં હજારો ફુલાની અને તુરેંગ જેવી વિચરતી જાતિના લોકો પણ છે. તેઓ તેમનાં ઘેટાંબકરાં તથા અન્ય પશુઓને લઈને ઘાસની શોધમાં અહીંતહીં વિચરતા રહે છે. હૌસા નામના થોડા વેપારીઓ શહેરી ભાગોમાં રહે છે.

દેશના મોટાભાગના લોકો પરંપરાગત ચાલ્યા આવતા સ્થાનિક ધાર્મિક રીતરિવાજો પાળે છે. વસ્તીના આશરે 30 % લોકો મુસ્લિમ અને 10 %થી ઓછા ખ્રિસ્તી છે. દેશની માત્ર 10% વસ્તી જ અક્ષરજ્ઞાન ધરાવે છે, માત્ર 15 % બાળકો શાળામાં શિક્ષણાર્થે જાય છે, તે પૈકી માત્ર 2 % જ માધ્યમિક કક્ષા સુધી પહોંચે છે. ઓઆગોડોગૂનો યુનિવર્સિટી અહીંની એકમાત્ર યુનિવર્સિટી છે.

વહીવટ : દેશનો સરકારી વહીવટ લશ્કરી નેતાઓના અંકુશ હેઠળ ચાલે છે. પ્રમુખ સરકારી વડા હોય છે ને તે પણ લશ્કરી વિભાગના જ સભ્ય હોય છે. લશ્કરી વિભાગ દ્વારા પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક થાય છે, તેઓ સરકારનો તમામ વહીવટ સંભાળે છે. પ્રાંતીય સ્થાનિક વહીવટ માટે દેશને 30 પ્રાંતોમાં વહેંચી નાખેલો છે. રાષ્ટ્રીય સરકાર દરેક પ્રાંતના વહીવટ માટે એક એક કમિશનર નીમે છે.

ઇતિહાસ : બુર્કીના ફાસોનો ઇતિહાસ લાંબા સમયથી મોસી જાતિના લોકો સાથે સંકળાયેલો છે. વર્તમાન પાટનગરથી વાયવ્યમાં ચૌદમી સદીમાં તેમણે એક વ્યવસ્થિત સામ્રાજ્ય વિકસાવેલું. પંદરમી સદીના મધ્યકાળમાં ત્યાંથી પાટનગરને ખેસવીને ઓઆગોડોગૂ ખાતે લઈ આવ્યા. તેઓ બહાદુર સૈનિકોથી બનેલું લશ્કર ધરાવતા હતા. માલી તરફથી વારંવાર થતાં આક્રમણો સામે તેઓ લડતા હતા. આ સંઘર્ષોમાં ધીમે ધીમે તેઓ નબળા પડતા ગયા અને તેમનો અસ્ત થયો.

ઓગણીસમી સદી સુધી તો મોટાભાગની યુરોપીય પ્રજાઓને આ સામ્રાજ્યની જાણકારી ન હતી. 1897માં અહીંના પાટનગરને તેમણે કબજે કર્યું અને મોસી સામ્રાજ્યને ફ્રેન્ચ-રક્ષિત બનાવી દીધું. 1919માં ફ્રાન્સે આજના બુર્કીના ફાસોના સ્થળ પર વૉલ્ટા નામથી એક સંસ્થાન ઊભું કર્યું, પરંતુ 1932માં તે ત્રણ વિભાગો–આઇવરી કોસ્ટ, ફ્રેન્ચ સુદાન (હવે માલી) અને નાઇજરમાં વહેંચાઈ ગયું. 1947માં ફ્રાન્સે 1932માં અસ્તિત્વ ધરાવતી સીમાઓવાળું અપર વૉલ્ટા રચ્યું. તે પછી અપર વૉલ્ટાની સ્વાતંત્ર્ય-ચળવળ અન્ય સંસ્થાનો કરતાં જરાક વહેલી શરૂ થઈ ચૂકેલી; જેમાં મોસી, બોબો તથા અન્ય જાતિ-સમૂહોએ પોતપોતાના રાજકીય પક્ષો રચ્યા. તે પૈકી ક્વેઝીન કૌલીબાલીની દોરવણી હેઠળનો આફ્રિકન ડેમોક્રૅટિક રેલી પક્ષ વધુ વર્ચસ્ ધરાવતો શક્તિશાળી પક્ષ હતો.

1957માં કૌલીબાલીએ અપર વૉલ્ટાની સરકાર રચીને તેનું નેતૃત્વ સંભાળ્યું. 1958માં અપર વૉલ્ટા સ્વાયત્ત અંકુશ ધરાવતું ફ્રેન્ચ સંસ્થાન બની રહ્યું. 1958માં કૌલીબાલીનું અવસાન થતાં મોરિસ યમોગો તેમના સ્થાને આવ્યા. 1959માં દહોમી (હવે બેનિન), આઇવરી કોસ્ટ તથા નાઇજરના સમગ્ર વિસ્તારની આર્થિક-સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે કાઉન્સિલ રચાઈ, તેમાં અપર વૉલ્ટા જોડાયું. 1960ની 5 ઑગસ્ટે અપર વૉલ્ટા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. યમોગો પ્રમુખ તથા ડેમોક્રૅટિક પક્ષના વડા બન્યા. 1966ના જાન્યુઆરીમાં યમોગોની શાસનપ્રણાલી, રોજી-ઘટાડો અને અપ્રામાણિકતાથી કંટાળીને પ્રજાએ હડતાળો પાડી. 1987 સુધીમાં જુદાજુદા લશ્કરી વડાઓ-અફસરો-કૅપ્ટનો-મેજર-ના હાથમાં સરકારી સૂત્રો આવતાં ગયાં, સરકારો ઉથલાવાતી રહી, બંધારણ રચાતાં રહ્યાં, રદ થતાં રહ્યાં અને સત્તાનાં સૂત્રો પણ બદલાતાં રહ્યાં. એ રીતે અપર વૉલ્ટા બુર્કીના ફાસો થયું. આજે લશ્કરી શાસન હેઠળ ત્યાં વહીવટ ચાલે છે.

ગિરીશભાઈ પંડ્યા