બુર્જિબા, હબીબ (જ. 3 ઑગસ્ટ 1903, અલ મુનાસ્તીર, ટ્યુનિશિયા) : ટ્યુનિશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની, રાજનીતિજ્ઞ, પ્રથમ અને આજીવન પ્રમુખ, આરબજગતમાં મધ્યમમાર્ગ અને ક્રમવાદ(gradualism)ના આગ્રહી નેતા (મૂળ નામ : ઇબ્ન અલી)

તેમના પિતા અલી બુર્જિબા ટ્યુનિશિયાના લશ્કરમાં અગ્રણી અધિકારી હતા. તેમણે શરૂઆતનું શિક્ષણ ટ્યુનિસમાં લીધું. અરબી ભાષા તથા ઇસ્લામનો અભ્યાસ કર્યો. ટ્યુનિશિયા ફ્રાંસનું રક્ષિત રાજ્ય હોવાને કારણે અભ્યાસ દરમિયાન તેઓ ફ્રેંચ ભાષા શીખ્યા અને તે સાથે પાશ્ચાત્ય વિચારધારાઓનો અભ્યાસ પણ કર્યો. તેઓ વધુ અભ્યાસાર્થે પૅરિસ ગયા. ત્યાં 1924થી 1927 દરમિયાન કાયદાશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરી વકીલ બન્યા. ફ્રાંસમાંના વસવાટ દરમ્યાન તેમણે ફ્રેંચ ઉદારમતવાદીઓ સાથે ગાઢ સંપર્કો કેળવ્યા તેમજ અલ્જિરિયા અને મોરોક્કોના સ્વાતંત્ર્યપ્રેમીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા.

ટ્યુનિશિયા પાછા ફર્યા બાદ 1927માં તેમણે વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી; પરંતુ ટ્યુનિશિયાની સ્વતંત્રતા સતત ઝંખતા હોવાથી તેમણે 1932માં ફ્રેંચ રાષ્ટ્રવાદી વર્તમાનપત્ર શરૂ કર્યું. ટ્યુનિશિયાનો દસ્તૂર (બંધારણ) પક્ષ રાષ્ટ્રીય લડતમાં ધીમી કામગીરી કરે છે એમ લાગતાં તેમણે 1934માં નિયોદસ્તૂર પક્ષ સ્થાપ્યો અને પોતે તેના પ્રથમ સેક્રેટરી-જનરલ બન્યા અને થોડાં વર્ષો પછી પ્રમુખ બન્યા.

1934થી તેમણે પોતાની તમામ શક્તિ સ્વાતંત્ર્યલડતમાં કામે લગાવી. શહેરી અગ્રવર્ગનો ઇજારો ગણાતી સ્વાતંત્ર્યલડતને દૂરનાં ગામોની પ્રજા સુધી તેઓ લઈ ગયા. આથી સ્વાતંત્ર્યની લડત સાચા અર્થમાં લોકો સાથે તાદાત્મ્ય સાધી શકી. આ માટે તેમણે દૂર-દરાજનાં ગામોમાં પક્ષની શાખાઓની સ્થાપના કરી, કાર્યકરોની ધરપકડ અને દેશનિકાલ થાય તો તે અંગેનું ક્રમબદ્ધ આયોજન કરી નેતૃત્વની હરોળો તૈયાર કરી, જેથી શૂન્યાવકાશ ન સર્જાય. 1934થી 1952 સુધી આવાં નવ જૂથોએ સફળતાપૂર્વક કામ કર્યું અને લડતને જીવંત રાખી. આથી ર્દઢ રાષ્ટ્રવાદી તરીકેની તેમની છાપ મજબૂત બની. આ લડતમાં તેમના ર્દઢતા, નિષ્ઠા અને નિર્ભીકતા ઉપરાંત સાતત્ય જેવા ગુણો વ્યક્ત થયા અને વ્યવહારુ નેતા તરીકે અસાધારણ સંગઠનશક્તિ દ્વારા તેઓ ક્રમશ: સફળતા મેળવતા ગયા. ક્રમશ: કામો પાર પાડવાની આ નીતિ ટ્યુનિશિયામાં ‘બુર્જિયાઇઝમ’ તરીકે જાણીતી બની. સ્વતંત્રતા બાદ પણ તેમણે સફળતાપૂર્વક આ નીતિનો અમલ કરી ટ્યુનિશિયાને વિકાસના પંથે અગ્રેસર બનાવ્યું. સ્વાતંત્ર્યલડત દરમિયાન 1934થી 1955 સુધીનાં વર્ષોમાં તેમણે લગભગ દસ વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં.

1956માં ટ્યુનિશિયાની સ્વાતંત્ર્યસંધિ માન્ય રાખવામાં આવી. 1957માં ત્યાંની રાજાશાહી નાબૂદ કરવામાં આવી અને તે સ્વતંત્ર ટ્યુનિશિયાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ બન્યા. બે વર્ષ બાદ તેમણે ટ્યુનિશિયાના બંધારણની રચના કરી. તદનુસાર ઇસ્લામ રાજ્યમાન્ય ધર્મ જાહેર થયો. તેઓ ટ્યુનિશિયાને આધુનિક બનાવવા ઉત્સુક હતા અને તેથી તેમણે આર્થિક વિકાસ માટે જબરદસ્ત અભિયાન આરંભ્યું.  આર્થિક કરકસરની જરૂરિયાતને લક્ષમાં રાખી લશ્કરનું કદ નાનું કર્યું. તેઓ શિક્ષણ અને ખેતી – દરેક માટે અંદાજપત્રમાં કુલ ખર્ચના 25 % ફાળવતા. એ જ રીતે સ્વાસ્થ્ય માટે અંદાજપત્રમાં કુલ ખર્ચના 25 % કરતાં (સહેજ) વધુ ખર્ચ ફાળવતા. તેમણે આધુનિક વહીવટી કાયદાઓ દાખલ કરીને દેશને 14 વહીવટી પ્રાંતોમાં વિભાજિત કર્યો. વિદેશી સહાય મેળવવા તટસ્થતાની વિદેશનીતિ સ્વીકારી, છતાં પશ્ચિમ સાથે સારા સંબંધો સ્થાપી શક્યા હતા. ટ્યુનિશિયા મુસ્લિમ દેશ હોવા છતાં બહુપત્નીત્વની પ્રથા તેમણે રદ કરી. આમ રૂઢિચુસ્ત આરબ જગતથી તેઓ આગળ વધ્યા. આરબ લીગના ‘સર્વાનુમતિ’ નિર્ણયોથી અલગ રહેવાની કુનેહ અને હિંમત – બંને તેમણે દર્શાવ્યાં હતાં. મધ્યમાર્ગી સમાજવાદનો તેઓ આગ્રહ રાખતા હતા; કારણ કે આર્થિક વિકાસની ધૂન તેમના મન પર સવાર હતી. ટ્યુનિશિયાના તેમણે કરેલા અસાધારણ વિકાસના પ્રયાસોની પ્રશસ્તિ રૂપે 1974માં બંધારણીય સુધારા દ્વારા તેમને ટ્યુનિશિયાના આજીવન પ્રમુખ જાહેર કરવામાં આવેલા.

તેમના આર્થિક વિકાસના અતિપ્રયાસોથી અન્ય મુસ્લિમ દેશો નારાજ હતા. તેમનાં સુધારાવાદી પગલાંઓથી નારાજ ઈરાને તેમને સત્તા પરથી ઉથલાવવાની યોજના ઘડેલી, જે પકડાઈ ગઈ. મુસ્લિમ  આતંકવાદીઓ સાથેના વ્યવહાર બાબતે તેમની અને નાણાપ્રધાન બેન અલી વચ્ચે મતભેદો થયા. બંનેએ એકબીજાને પદભ્રષ્ટ કરવાની યોજના ઘડેલી. 1987માં સાત ડૉક્ટરોના જૂથે તેમને ‘ધૂની’ ઠેરવી શાસન ચલાવવા અયોગ્ય ઠેરવ્યા અને 1987માં રક્તવિહીન બળવા દ્વારા તેમને હોદ્દા પરથી ઉથલાવી પાડવામાં આવ્યા; આમ છતાં આધુનિક ટ્યુનિશિયાના ઘડતરમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહ્યું છે.

રક્ષા મ. વ્યાસ

મુગટલાલ પોપટલાલ બાવીસી