બુરુશાસ્કી ભાષા : ઉત્તર કાશ્મીરના હુંઝા અને નાઝિરમાં વસતા અલ્પસંખ્યક બુરુશો લોકોની ભાષા. યાસીન નદીની ખીણમાં ગિલગિટ વિસ્તારમાં આ ભાષાની નિકટની બોલીને વર્ચિકવાર કે વર્શિકવાર કહેવાય છે. ડી. એલ. આર. લૉરિમેર જેવા ભાષાશાસ્ત્રીઓએ આ બોલીનો અભ્યાસ આદર્યો છે. આ બોલીને કોઈ ઇતિહાસ નથી. તેનું કોઈ સાહિત્ય નથી. એક રીતે જોતાં આ બોલી દુનિયાની વિશિષ્ટ ભાષા છે, કારણ કે તેનું પગેરું ઇન્ડો-યુરોપિયન કે અન્ય કોઈ ભાષાજૂથમાં સંકળાયેલું હોય તેમ જાણવા મળ્યું નથી. જોકે તેનું અંગ્રેજીમાં ધ્વનિલિપ્યંતર (phonetic transcription) થયું છે. તુર્કી, સિનો-તિબેટન અને ઇન્ડો-યુરોપિયન ભાષાઓના ફેલાવાને લીધે કદાચ આ ભાષા લગભગ મૃતપ્રાય થઈ છે.

બુરુશાસ્કીના કહેવાતા વ્યાકરણની પણ વિશિષ્ટતાઓ છે. તેમાં નામ(noun)ના ચાર પ્રકાર છે, કહો કે નામની ચાર જાતિઓ છે : (1) મનુષ્યજાતિના માત્ર નરવાચક, (2) મનુષ્યજાતિના માત્ર નારીવાચક, (3) પ્રાણીઓમાં નર અને નારીજાતિનાં નામ અને તેની સાથે કેટલાક નિર્જીવ જાતિના પદાર્થોનાં નામ, અને (4) બાકીના બધાય નિર્જીવ જાતિના પદાર્થોનાં નામ. જાતિ પ્રમાણે આ બધાં બદલાય છે. બહુવચનના શબ્દને છેડે લગાડાતા પ્રત્યયો (suffix) અને દર્શક સર્વનામ પણ જુદાં જુદાં હોય છે. ગણતરી માટે 20 અને 40ના ગુણાંકમાં 1,000 સુધીની સંખ્યાઓ છે. આ ભાષાની કોઈ લિપિ નથી; તે માત્ર બોલાય છે.

વિ. પ્ર. ત્રિવેદી